આરોપી ગેરકાયદેસર મંડળી બનાવી કારેલીબાગ, ગોરવા વિસ્તારમાં ઝઘડો કરી મારામારીના ગુનાઓમાં સામેલ હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના કારેલીબાગ તથા ગોરવા જેવા વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી ઝઘડો કરી ચપ્પુ સહિત ગડદાપાટુના મારામારી કેસમાં સંડોવાયેલા આરોપી અરમાન ઉર્ફે બાબા જાવેદખાન પઠાણની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ ઝમઝમ પાર્ક પાસે ભરત એગ્સની બાજુમાં રહેતો અરમાન ઉર્ફે બાબા જાવેદખાન પઠાણ નામનો માથાભારે ઇસમ રાત્રીના અગિયાર વાગ્યે શહેરના કારેલીબાગ વિસ્તારમાં જનતા આઇસ્ક્રીમ નામની દુકાનમાં પોતાના સાગરિતો સાથે ફરિયાદી સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર મારી તથા ફરિયાદીને પીઠ, માથા અને સાથળના ભાગે ચપ્પુ ના ઘા મારી ઇજાઓ કરી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બીજા એક બનાવમાં અરમાન પઠાણે પોતાના મિત્રો સાથે હુસેનીપાર્ક ખાતે બેઠેલા ફરિયાદી તથા તેના મિત્રને “સ ઇદ રાણા ક્યાં છે?” તેમ કહી ગંદી ગાળો બોલી જાહેરમાં બોલાચાલી કરી માર મારી પાઇપ વડે ફરિયાદીને કપાળ તથા તેના મિત્રને ડાબા હાથે પાઇપ મારી ઇજાઓ પહોંચાડવાનો ગુનો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જ્યારે ત્રીજા એક બનાવમાં ફરિયાદી તથા તેના સાથી સાથે મધુનગર શહેનાઇ પાર્ટી પ્લોટ સામેના ખુલ્લા મેદાનમાં બેઠા હતા તે દરમિયાન રાત્રે અરમાન પઠાણ તેના સાથીદારો સાથે ધસી આવી અપશબ્દો અને ગાળો બોલી પત્થર અને કમરપટ્ટાથી માર મારતા તેની સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી આરોપી ની ઉપરોક્ત ગુનાઓમાં ધરપકડ કરાઇ હતી પરંતુ જામીન પર મુક્ત થયેલ આરોપી માથાભારે હોય અવારનવાર નાગરિકો સાથે ઝઘડા કરતો હોય જાહેર વ્યવસ્થા ને નુકસાનકારક હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આરોપી સામે પાસા વોરંટ ઇશ્યુ કરી આરોપીને ઝડપી પાડી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે