Charotar

દેશના તમામ દૂધ ઉત્પાદકોને સહકારી ક્ષેત્રે જોડવામાં આવશે : અમિત શાહ

આણંદ એનડીડીબીના હિરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતિ ઉજવાઇ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં બે લાખ સહકારી મંડળી બનાવવા હાંકલ

(પ્રતિનિધિ) આણંદ તા.22

‘દેશમાં કુલ 8 કરોડ દૂધ ઉત્પાદકોમાંથી દોઢ કરોડ સહકારી ક્ષેત્રે જોડાયેલાં છે. જ્યારે બાકીના સાડા છ કરોડ દૂધ ઉત્પાદક હજુ પણ શોષણનો ભોગ બની રહ્યાં છે. આ તમામ દૂધ ઉત્પાદકોને સહકારી ક્ષેત્રે જોડવામાં આવશે. જેના માટે બે લાખ સહકારી મંડળીની રચના કરવામાં આવશે.’ તેમ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મંગળવારના રોજ એનડીડીબીના હિરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું.

આણંદમાં એનડીડીબીના આંગણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એનડીડીબી સહકારીતાના માધ્યમથી દેશના ખેડૂતો, મહિલાઓને સંગઠિત કરવા સાથે તેમનું સશકિતકરણ કરી રહ્યું છે. ખેડૂતોની સમૃદ્ધિ સાથે કુ-પોષણ મુક્ત ભારતના નિર્માણ માટે પણ આ સંસ્થા પ્રતિબદ્ધ છે. ગ્રામીણ અને દેશના વિકાસ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એનડીડીબી સતત પ્રયાસો કરી રહી છે. હવે એનડીડીબી માત્ર દેશની નહિ પરંતુ, વૈશ્વિક સંસ્થા બની ગઈ છે. ભારત દેશ 231 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે. ભારતનો દૂધ ઉત્પાદનનો વૃદ્ધિ દર 6 ટકા છે. જ્યારે વિશ્વનો વૃદ્ધિ દર માત્ર બે ટકા છે. એનડીડીબી દ્વારા દેશભરમાં 10 હજાર એફપીઓની નોંધણી કરવામાં આવી છે.

વધુમાં અમિત શાહે ઉમેર્યું હતું કે, શ્વેતક્રાંતિ 2.0 હેઠળ દેશમાં વધુ એક લાખ નવી ડેરીની રચના કરવામાં આવશે. સહકારિતા મંત્રાલય દ્વારા દેશમાં ખેડૂતોને શુદ્ધ બીજ, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વૈશ્વિક બ્રાન્ડીંગ અને વિશ્વ બજારમાં ખેડૂતોના ઉત્પાદનોનું નિકાસ કરવા માટે નિકાસ મંડળી બનાવવા જેવી વ્યૂહાત્મક કામગીરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે. એટલું જ નહિ પશુચારો, બીજ કૃત્રિમ ગર્ભાધાન અને ગોબર ધન ક્ષેત્રે પણ આપણે આગળ વધી રહયા છીએ.

આ ઉપરાંત સહકારીતા મંત્રીએ ઉમેર્યું હતું કે, અમુલ સાથે આજે 35 લાખ કરતા વધુ સભાસદો જોડાયેલા છે. 10 રૂપિયાની શેરપુંજીથી શરૂ થયેલી આ સંસ્થા આજે 60 હજાર કરોડનો વ્યાપાર કરી રહી છે. આ સહકારી સંસ્થાના કોઈ માલિકો નથી, આ સંસ્થાના માલિકો ખેડૂતો, પશુપાલકો છે, અને તેથી જ અમૂલ અને એનડીડીબીમાં પવિત્રતા સાથે વ્યાપાર થાય છે.

આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ, એનડીડીબીના અધ્યક્ષ ડો. મિનેશ શાહ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી ડો. એસ.પી. સિંહ બઘેલ, રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મિતેષભાઈ પટેલ, કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય, અમૂલના ચેરમેન વિપુલ પટેલ, સહકારી અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.

Most Popular

To Top