SURAT

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સુરતઃ ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત શહેરે હાંસલ કરી છે. સ્વચ્છતા અને શુદ્ધ હવા બાદ હવે સુરત શહેરે વધુ એક ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે દેશભરમાં ડંકો વગાડી નંબર 1 હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ એવોર્ડ આપી સુરતનું સન્માન વધાર્યું છે.

ભારતીય જળશક્તિ મંત્રાલય દ્વારા આજે 22 ઓક્ટોબર 2024ના રોજ અર્બન લોકલ બોડીના એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત દેશભરમાં ડંકો વગાડ્યો છે. સુરત શહેરે દેશના અન્ય 131 શહેરોને પાછળ છોડીને બેસ્ટ અર્બન લોક બોડીનો એવોર્ડ જીત્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂના હસ્તે આ એવોર્ડ સુરત શહેર ભાજપના પદાધિકારીઓ અને સુરત મહાનગર પાલિકા કમિશનરને એનાયત કરવામાં આવ્યો હતો.

સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ જળ સંરક્ષણની અમલવારી સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે જળ શક્તિ મંત્રાલય તરફથી વિવિધ કેટેગરીઓમાં નોમીનેશન્સ મંગાવવામાં આવે છે તથા સઘન રીતે મુલ્યાંકન કર્યા બાદ ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કારથી વિજેતાઓને બિરદાવવામાં આવે છે.

​સુરત મહાનગરપાલિકા તરફથી બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં શહેર વિસ્તારમાં અમલમાં મુકવામાં આવેલા વિવિધ પાસાઓ જેવા કે ગટરના પાણીનો ટર્શરી ટ્રીટ્મેન્ટ પ્લાન્ટ મારફત રિસાયકલ અને તેનો ઓદ્યોગિક એકમોમાં પુન: ઉપયોગ તેમજ તેના પરિણામે 115 એમ.એલ.ડી. જેટલા પીવાના પાણીની બચત, શહેર વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સિસ્ટમ પ્રસ્થાપિત કરવાની કામગીરી તેમજ લોકોને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમ પ્રસ્થાપિત કરવા લોકોને પ્રોત્સાહિત કરવા, વિકસિત વ્યાપક ગટર વ્યવસ્થા તેમજ શહેર વિસ્તારમાં કરવામાં આવેલ વ્યાપક ટ્રી પ્લાન્ટેશન વિગેરેનો સમાવેશ કરી સંકલિત નોમીનેશન મોકલવામાં આવ્યું હતું.

આ તમામ પાસાઓની ખરાઈ તથા જરૂરી મુલ્યાંકન કરી જળ શક્તિ મંત્રાલય દ્વારા સુરત મહાનગરપાલિકાને બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા તરીકે જાહેર કરાયું છે. એવોર્ડ સમાંરભ આજે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્લી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનાં હસ્તે સુરત મહાનગરપાલિકાને પ્રશસ્તિપત્ર, ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ IAS, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબીનેટ મંત્રી સી. આર.પાટીલ (જળ શક્તિ મંત્રાલય), રાજ્ય મંત્રી વી. સોમન્ના, રાજ્ય મંત્રી રાજભુશણ ચૌધરી તથા સેક્રેટરી દેબાશ્રી મુખર્જી ઉપસ્થિત રહ્યાં હતા. સુરત મહાનગરપાલિકા તરફથી પાણી સમિતિ અધ્યક્ષ હેમાંશુ રાઉલજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

એક જ વર્ષમાં સુરત 13માં નંબરથી પહેલાં ક્રમે પહોંચ્યું
સુરત ગયા વર્ષે દેશમાં 13માં ક્રમ પર હતું. આ વર્ષે 12 ક્રમનો કૂદકો મારી સુરત સીધું પહેલાં નંબર પર પહોંચી ગયું છે. સુરતે 200માંથી 194 માર્ક મેળવ્યા છે. ભારતીય જળશક્તિ મંત્રાલય દ્વારા વિજેતાઓના નામ જાહેર કરીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ સુરત વતી મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કારવામાં આવ્યો હતો.

ગટરના પાણીના રિસાયકલીંગનો પ્લાન્ટ ધરાવતું સુરત દેશમાં પહેલું
​અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પાંચમા નેશનલ વોટર એવોર્ડસ માટે એવોર્ડ વિજેતા થયેલ હોય તેવી મહાનગરપાલિકામાં એક માત્ર સુરત મહાનગરપાલિકા છે. સુરત મહાનગરપાલિકાએ વેસ્ટ મેનેજમેન્ટને સ્વ-ટકાઉ બનાવીને ઉદહરણ પુરું પાડ્યું છે. ગટરના પાણીના ટર્શરી ટ્રીટમેન્ટ મારફત રીસાયકલ અને તેનો ઓદ્યોગિક એકમોમાં ઉપયોગ માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવતી દેશની પ્રથમ મહાનગરપાલિકા છે. વધુમાં, શહેરીવિસ્તારમાં જળ સંરક્ષણ ક્ષેત્રે અમલમાં મુકવામાં આવેલ વિવિધ પ્રકલ્પો તેમજ વિશિષ્ટ ઉપાયો ઉદાહરણ સમાન હોય, ભારતના અન્ય શહેરોને પણ અનુકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પ્રેરણાદાયી બની રહેલ છે.

આ સુરતીઓનું સન્માનઃ મેયર
એવોર્ડ લીધા બાદ દક્ષેશ માવાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ સુરતનું સન્માન છે. સુરતીઓનું સન્માન છે. સુરતમાં થઈ રહેલી પાણી બચાવવાની પહેલ સહિતની કામગીરીનું સન્માન છે. સુરતના પાલિકા કર્મચારીઓ અને સુરતી લોકોના સાથ અને સહકારના કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. જેને જાળવી રાખવા માટે પૂરતાં પ્રયત્નો કરવામાં આવશે.

Most Popular

To Top