ભરૂચ: વાગરા ખાતે રહી નોકરી કરતી એક યુવતીને પરપ્રાંતિય ઈસમ દ્વારા મોબાઈલમાં ફોટા, વિડીયો બતાવી બ્લેકમેઈલ કરી બીભત્સ માંગણી કરાતી હોવાના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.
- પરપ્રાંતીય યુવકે યુવતીના ઘરે શાકભાજી, ફળ પહોંચાડ્યાં, વશ ન થઈ તો બ્લેઇકમેઇલિંગ શરૂ કર્યું
- મોબાઇલ પણ ઝૂંટવી લીધો, ના કહેવા છતાં રૂપિયા ટ્રાન્સફર કરી બીભત્સ માંગણી કરી
- વાગરાની સ્થાનિક યુવતીને પરપ્રાંતિય યુવકે હેરાન કરવાની કોઈ કસર ન રાખી
વાગરા ખાતે રહેતી યુવતીએ એક પરપ્રાંતીય યુવક ઘણા સમયથી હેરાન કરી તેની સાથે રિલેશનશીપ રાખવા દબાણ કરતો હોવાના આક્ષેપો મિડીયા સમક્ષ કર્યા છે. યુવતીએ પરપ્રાંતિય યુવકનું નામ પ્રદીપ જણાવી તેના પર આરોપ લગાવ્યો હતો કે, હું જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તે આવી જતો હતો. મારા રૂમ પર અડધી રાત્રે આવી બહારથી દરવાજો બંધ કરી દે છે. ગમે તેવા મેસેજો, ફોટાઓ, ક્લિપ મોકલે છે. એકવાર મારો મોબાઈલ પણ ઝૂંટવી લઈ ગયો હતો. ના કહેવા છતાં પણ યુવતીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દે છે અને ઘરે શાકભાજી, ફ્રૂટ વગેરે જબરદસ્તી મૂકી જાય છે. યુવતી બીજેથી જાતે શાકભાજી કે અન્ય ઘરની વસ્તુઓ લેવા જાય છે તો ફોલો કરી હેરાન કરે છે. જેના કારણે યુવતીએ નોકરી પણ છોડી દીધી હતી. પરપ્રાંતિય યુવકે જબરદસ્તી વાગરાની યુવતી સાથે રિલેશનશીપ રાખવા દબાણ કરતા આખરે યુવતીએ પોલીસનો સહારો લીધો હતો.