ગાંધીનગર: સીનીયર આઈપીએસ અને સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાન્ડિયન સામે કોંગીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે. મેવાણી એકસ પર ટવીટ્ટ કરીને લખ્યુ હતું કે “બાબા સિદ્દીકીની જેમ, જો મારી કે મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીદારની હત્યા થાય છે તો તેના માટે એકલા આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. નકલી એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલમાં વિતાવનાર આ અધિકારીનું પાત્ર આખું ગુજરાત જાણે છે.ગમે તે થાય, હું ગુજરાત અને દેશના દલિતો, પછાત વર્ગો અને બહુજનના સ્વાભિમાનની લડાઈ ક્યારેય છોડીશ નહીં.”
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દલિતોના મુદ્દે રજૂઆત કરવા માટે રાજકુમાર પાંડિયન સમક્ષ ગયા હતા. જ્યા જીજ્ઞેશ મેવાણીના કહેવા અનુસાર રાજકુમાર પાંડિયને તેમનું અપમાન કર્યું હતું. પહેલા તેમને મોબાઈલ ફોન બહાર મૂકીને આવવા કહયુ હતુ. તે બાબતે ચકમક થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક પત્ર લખીને, આઈપીએસ રાજકુમાર પાંડિયન સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.