ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ માટે જો રૂટની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા. ભારત પહોંચતાની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ સીધી એ હોટલમાં પહોંચી હતી જ્યાં બંને ટીમના સભ્યો માટે બાયો બબલ બનાવાયો છે એવું તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જોફ્રા આર્ચર રવિવારથી ચેન્નાઇ પહોંચીને ક્વોરેન્ટીન થઇ ગયા છે.
ભારતીય બેટ્સમેન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે મંગળવારે રાત્રે જ અહીં પહોંચી ગયા હતા જ્યારે ચેતેશ્વર પુજારા, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત આજે સવારે પહોંચ્યા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ મુંબઇથી અહીં પહોંચી ગયા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી બુધવાર સાંજ સુધીમાં અહીં પહોંચી જવાની સંભાવના છે. તમિલનાડુ ક્રિકેટ એસોના અધિકારીઓએ કહ્યું હતું કે બંને ટીમના ખેલાડીઓ ક્વોરેન્ટીન પ્રોટોકોલ અનુસાર હોટલના બાયો બબલમાં રહેશે અને તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવશે.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે તેઓ છ દિવસ માટે ક્વોરેન્ટીનમાં રહેશે અને બીજી ફેબ્રુઆરીથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકશે. બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ પણ અહીં જ 13 ફેબ્રુઆરીથી રમાશે. તે પછી બાકીની બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે, જેમાથી એક ટેસ્ટ ડે એન્ડ નાઇટ હશે.
જો રૂટની આગેવાનીમાં ચેન્નાઇ પહોંચી ઇંગ્લેન્ડની ટીમ, 6 દિવસ ક્વોરેન્ટીન રહેશે
By
Posted on