SURAT

નબીરા દેવ આહિરે વેપારીને કચડી માર્યોઃ શું સુરતમાં ફૂલ સ્પીડમાં કાર હંકારતા નશેડીઓને ટોકનારું કોઈ નથી?

સુરત: શહેરમાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતો પાછળ બે મુખ્ય કારણ જોવા મળી રહ્યાં છે. પહેલું ઓવરસ્પીડ અને બીજું દારૂનો નશો. અવારનવાર આવા અકસ્માતો થઈ રહ્યાં હોવા છતાં જાણે પોલીસ હાથ પર હાથ ધરી બેસી રહી હોવાનું ચિત્ર ઉભું થયું છે. શું સુરતમાં નશાની હાલતમાં ઓવરસ્પીડ વાહન હાંકનારાઓને રોકનારું કોઈ નથી?

  • ‘દેવ’નું ઓવરસ્પીડ કાર ચલાવવાનું જુનૂન, મોપેડ ચાલક યુવકને યમધામ પહોંચાડ્યો
  • દારૂના નશામાં સિટીલાઈટના યુવકની મોપેડને જોરદાર ટક્કર મારી હતી
  • કાર ડિવાઈડર કૂદી રોંગસાઈડ ધસી ગઈ ને ફરી યુ-ટર્ન લગાડી ડિવાઈડર પર ફસડાઈ પડી હતી

શનિવારે તા. 29 ઓક્ટોબરની વહેલી સવારે સિટીલાઈટ વિસ્તારમાં રહેતો યુવક માતા પિતાને લેવા સુરત સ્ટેશન જતો હતો. દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પર એક કાર ફૂલ સ્પીડે આવી તેની બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત દરમિયાન બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી પાડ્યો હતો. પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઈટ સહારે એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય સંજય ધૂત, વતન વહેલી સવારે રાજસ્થાનથી સુરત આવતા માતા પિતાને લેવા માટે સુરત રેલ્વે સ્ટેશન જઈ રહ્યો હતો. તે દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પર દેવ આહીર નામનો એક નબીરો દારૂના નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

તેણે સંજયની બાઇકને ટક્કર મારી હતી. જેથી સંજય 15 થી 20 ફૂટ જેટલો ફંગોળાયો હતો. કાર બાઇકને ટક્કર માર્યા બાદ બ્રિજની વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઈડ પર ધસી ગઈ હતી અને ત્યારબાદ યુ ટર્ન લગાવીને ફરી ડિવાઈડરની વચ્ચોવચ કાર ઉભી રહી ગઈ હતી.

કારની ટક્કર અને બ્રિજના ડિવાઈડર પર મુકેલા કુંડાઓ સાથે ટક્કરના કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે રસ્તા પર કારના ઢગલા અને ટાયરના ઘસરકાઓ પણ થઈ ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા સંજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. કારચાલક દેવ આહીર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે કારની તપાસ કરતા એમાંથી કોઈ પણ ગુનાહિત વસ્તુઓ મળી નથી. આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીનું નામ દેવ કેતનભાઈ ડેર (ઉ.વ. 24) અને તે સિટીલાઈટ વિસ્તારમાં રહે છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં અગાઉ ૪ જેટલા ગુના નોંધાયેલા છે.

આરોપી દેવ આહીર ઝનૂની અને ભાઈગીરીના વહેમમાં જીવતો આવ્યો છે
દેવ દ્વારા અગાઉ ટ્રાફિકના ત્રણ નિયમોનો ભંગ કર્યા છે, તેની કારનો વીમો પણ એક્સપાયર થઈ ગયો છે. દેવના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ ભરવાના પણ બાકી છે. વધુ તપાસમાં દેવ રફતારનો જૂનુની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર દેવ આહીરના ઓવરસ્પીડમાં કાર ચલાવતા અનેક વિડિયો પોસ્ટ કરાયા છે.

સુરતના કેબલ સ્ટ્રેઇડ બ્રિજ પર જ 120ની સ્પીડે કાર ચલાવતો વિડિયો પણ અપલોડ કરાયો છે. ગુંડે હૈ હમ ના ડાયલોગ સાથે કેબલ સ્ટ્રેઇડ બ્રિજ પર ચાલુ કારમાં રિવોલ્વર સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત આ પ્રકારના અસંખ્ય વિડિયો કારમાં સ્ટંટ કરતા હોવાના પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર રોફ જમાવા રિવોલ્વર સાથે પણ દેવ આહીરે વિડીયો બનાવ્યો છે. દેવ પાસે રિવોલ્વરનું લાયસન્સ છે કે નહીં અને રિવોલ્વર કોની છે તે તપાસનો વિષય છે. દેવ આ ઘાતકી હથિયાર કોની પાસેથી લાવ્યો? તે ચર્ચાનો મુદ્દો છે.

માતા-પિતાના અવસાન બાદ દાદા સાથે રહેતો દેવ કોઈના કહ્યામાં નથી
આરોપી દેવ આહિરના માતા-પિતાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થઈ ગયું છે અને તે હાલ તેના દાદા સાથે અડાજણના યોગી કોમ્પ્લેક્સમાં રહે છે. તેની છેલ્લી ત્રણ પેઢીથી કન્સ્ટ્રક્શન અને બિલ્ડરનું કામકાજ કરવામાં આવે છે. સુરતમાં દેવ તેના પિતાના અવસાન બાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેનાં માતા-પિતાના અવસાન બાદ તે તેના દાદાના કહ્યામાં રહ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી તે દારૂના રવાડે ચડી ગયો છે.

એક વર્ષ પહેલા પાલ વિસ્તારમાં અકસ્માત બાદ એકને બોનેટ પર ચઢાવી ભાગી છૂટ્યો હતો
દેવ આહીરનો 8 ઓગસ્ટ 2023ની મોડી રાત્રે 1 વાગ્યે પાલ વિસ્તારના લાલ વિક્ટોરિયાની સામે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ ઝઘડો થયો હતો. મોડી રાત્રે કારચાલક મૃગેશભાઈ બ્રહ્મભટ્ટ સાથે અકસ્માત થયા બાદ તકરાર ચાલી રહી હતી. આ દરમિયાન દેવ આહીરને અકસ્માત કર્યા બાદ બહાર નીકળવાનું કહેતાં તે કારમાંથી બહાર નીકળ્યો નહોતો અને ત્યાંથી કાર પૂરપાટ ઝડપે હંકારી કાઢી હતી. આ દરમિયાન કારની સામે ઊભેલા મૃગેશ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિને કારના બોનેટ ઉપર લઈ ભાગવા માંડ્યો હતો.

આરોપી કાર સ્પીડમાં ચલાવવાનો દીવાનો, પોલીસે સોશિયલ મીડિયાના વિડીયો ફંફોસવા શરૂ કર્યા
સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે હું ઉધના બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક્ટિવા ચાલકે રાઈટ સાઈડની લાઈનમાં જવા માટેનું સિગ્નલ કર્યું હતું. જેથી મેં કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને એક્ટિવા ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો.

આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તે 70 થી 80ની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે કાર ઓવર સ્પીડથી ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ગન પોતાના હાથમાં રાખી કાર ડ્રાઇવિંગ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે, આ સમગ્ર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ગંભીર રીતે બે વખત અકસ્માત સર્જ્યો છે, જેથી એમવી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર જણાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top