હમાસ, હિઝબુલ્લા, લેબેનોન અને ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ બિનશરતે ઇઝરાયલને પોતાનો ટેકો આપ્યો છે અને અત્યાર સુધી એ ઇઝરાયલ સાથે નાણાંકીય સહાય, શસ્ત્ર સહાય કે પછી ઇઝરાયલ ઉપર ધસી આવતો મિસાઇલોનો મારો રોકવાનું કામ હોઈ અમેરિકન સૈન્ય એ બધામાં જોડાયેલું હોય છે. ખાસ કરીને ઇરાને જ્યારે ઇઝરાયલ ઉપર ૨૦૦ જેટલાં બેલાસ્ટિક મિસાઇલ ઝીંકાયાં ત્યારે એમાંનાં કેટલાંકને હવામાં જ તોડી પાડવાનું કામ અમેરિકન નેવી તેમજ એરફોર્સ દ્વારા કરાયું હતું.
તાજેતરમાં ઇઝરાયલનાં ભૂમિદળોએ તેના પશ્ચિમ કાંઠેથી લેબેનોનમાં પ્રવેશ કર્યો તે સામે પણ અમેરિકા દ્વારા એક હરફ ઉચ્ચારવામાં આવ્યો નથી. આટલું ઓછું હોય તેમ અમેરિકાએ ઇરાનના તેલ વેચવા ઉપર પ્રતિબંધો લાદ્યા છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે આ મોરચે ઇઝરાયલવિરોધી જૂથ મોટી ખુવારી વેઠીને નબળું પડ્યું છે પરંતુ રશિયાના પ્રમુખ પુટિન, ઇરાનના પ્રમુખ મસૂદ પેજેસ્કીનને તૂર્કમેનીસ્તાન ખાતે મળ્યા તેને કારણે ચર્ચામાં એક નવો મુદ્દો ઉમેરાયો છે. આ મુલાકાત દરમિયાન પુટિન અને પેજેસ્કીન બંને વચ્ચે મધ્ય પૂર્વમાં હાલની સ્ફોટક પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા થઈ. રશિયા અને ઇરાન વ્યૂહાત્મક ભાગીદારી માટેની સમજૂતી પર સહી કરે તે પહેલાં આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અને મંત્રણાઓ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ સમજૂતી આગામી ૨૨-૨૪ ઑક્ટોબરના રોજ થનાર બ્રીક્સ મીટિંગમાં આખરી ઓપ પામે એ માટે ઇરાનના પ્રમુખ આશાવાદી છે.
રશિયાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ બંને દેશો આંતરરાષ્ટ્રીય બાબતો અંગે લગભગ સરખા વિચારો અને મંતવ્યો ધરાવે છે એવું પુટિન દ્વારા કહેવામાં આવ્યું હતું તેમજ રશિયા માટે ઇરાન સાથેના સંબંધોની પ્રાથમિકતા અને આ સંબંધો સારી રીતે વિકસી રહ્યા હોવાનું મંતવ્ય પણ પુટિને વ્યક્ત કર્યું હતું. ઇરાનિયન ન્યૂઝ એજન્સી અનુસાર આર્થિક તેમજ સાંસ્કૃતિક બંને મોરચે સંબંધો વધુ દૃઢ બને અને બંને દેશો વચ્ચે અસરકારક ચેનલો થકી સંવાદ ચાલુ રહે તે પરિસ્થિતિ જોતાં રશિયા-ઇરાન સંબંધો હજુ પણ વધુ મજબૂત બનશે એમ જણાવવામાં આવ્યું હતું.
રશિયાએ આ અગાઉ પણ લેબેનોન અને ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી અને હજુ પણ ચાલી રહેલી કાર્યવાહીને વખોડી કાઢી હતી. ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર પછી ઉત્તરોત્તર ઇરાન અને રશિયાના સંબંધો વધુ ગાઢ બન્યા છે. એક કરતાં વધુ વખત અમેરિકાએ ઇરાનને ઉદ્દેશીને કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, રશિયાને હથિયારોનો પુરવઠો પૂરો પાડવા માટે ઇરાન જવાબદાર છે. આ હથિયારો યુક્રેન સામે વપરાય છે એવા અમેરિકાના આક્ષેપને ઇરાને મૂળસોતો વખોડી કાઢ્યો હતો. પુટિને એમ પણ કહ્યું હતું કે, રશિયા હંમેશાં વિશ્વહિતમાં હોય તેવા સંવાદને ટેકો આપશે. આજના સમયમાં જ્યારે વિશ્વ અનેક જૂથો વચ્ચે વહેંચાયેલું છે એમાં કોઈ પણ સકારાત્મક રોલ ભજવવાને રશિયા આવકારે છે અને ટેકો આપશે.
બીજા વિશ્વયુદ્ધ બાદનું વિશ્વ બે છાવણીઓમાં વહેંચાયેલું હતું. એક છાવણી અમેરિકા તો બીજી છાવણી રશિયાને કેન્દ્રસ્થાને મૂકી, એની સાથે જોડાયેલી હતી. આ સિવાય નોનએલાઇન મુવમેન્ટ એટલે કે તટસ્થ દેશોનું સંગઠન ભારત સહિત વૈશ્વિક ફલક પર મોટી વગ અને છાપ ધરાવતા દેશોનું હતું. છેલ્લા ચારેક દાયકા જેટલા સમયમાં આ તટસ્થ દેશોનો પરિવાર વિખરાતો ગયો અને એક યા બીજા દેશ સાથે જોડાઈને પોતાનું હિત જોવાની પદ્ધતિ અત્યાર સુધી તટસ્થ રહેલા દેશોએ પણ અપનાવી. ભારત અત્યારે પણ પોતે કોઈ જૂથમાં ઔપચારિક રીતે જોડાયેલું નથી. જગત જમાદારી કરવાનો અને વિસ્તારવાદી નીતિને અનુસરવાનો તેમજ દુનિયાભરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો સ્વભાવ જેટલો અમેરિકાનો છે તેટલો અને તેવો ચીનનો પણ છે અને એટલે ઇઝરાયલને અમેરિકા જ્યારે ખુલ્લું સમર્થન આપતું હોય ત્યારે સામા છેડે ચીન અને રશિયા ઊભાં હોય તો આ યુદ્ધ સ્ફોટક પરિસ્થિતિએ ના પહોંચે તેવી પણ એક સંભાવના ગણી શકાય. ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હમાસ, હિઝબુલ્લા, લેબેનોન અને ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ બિનશરતે ઇઝરાયલને પોતાનો ટેકો આપ્યો છે અને અત્યાર સુધી એ ઇઝરાયલ સાથે નાણાંકીય સહાય, શસ્ત્ર સહાય કે પછી ઇઝરાયલ ઉપર ધસી આવતો મિસાઇલોનો મારો રોકવાનું કામ હોઈ અમેરિકન સૈન્ય એ બધામાં જોડાયેલું હોય છે. ખાસ કરીને ઇરાને જ્યારે ઇઝરાયલ ઉપર ૨૦૦ જેટલાં બેલાસ્ટિક મિસાઇલ ઝીંકાયાં ત્યારે એમાંનાં કેટલાંકને હવામાં જ તોડી પાડવાનું કામ અમેરિકન નેવી તેમજ એરફોર્સ દ્વારા કરાયું હતું.
તાજેતરમાં ઇઝરાયલનાં ભૂમિદળોએ તેના પશ્ચિમ કાંઠેથી લેબેનોનમાં પ્રવેશ કર્યો તે સામે પણ અમેરિકા દ્વારા એક હરફ ઉચ્ચારવામાં આવ્યો નથી. આટલું ઓછું હોય તેમ અમેરિકાએ ઇરાનના તેલ વેચવા ઉપર પ્રતિબંધો લાદ્યા છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે આ મોરચે ઇઝરાયલવિરોધી જૂથ મોટી ખુવારી વેઠીને નબળું પડ્યું છે પરંતુ રશિયાના પ્રમુખ પુટિન, ઇરાનના પ્રમુખ મસૂદ પેજેસ્કીનને તૂર્કમેનીસ્તાન ખાતે મળ્યા તેને કારણે ચર્ચામાં એક નવો મુદ્દો ઉમેરાયો છે. આ મુલાકાત દરમિયાન પુટિન અને પેજેસ્કીન બંને વચ્ચે મધ્ય પૂર્વમાં હાલની સ્ફોટક પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા થઈ. રશિયા અને ઇરાન વ્યૂહાત્મક ભાગીદારી માટેની સમજૂતી પર સહી કરે તે પહેલાં આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અને મંત્રણાઓ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ સમજૂતી આગામી ૨૨-૨૪ ઑક્ટોબરના રોજ થનાર બ્રીક્સ મીટિંગમાં આખરી ઓપ પામે એ માટે ઇરાનના પ્રમુખ આશાવાદી છે.
રશિયાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ બંને દેશો આંતરરાષ્ટ્રીય બાબતો અંગે લગભગ સરખા વિચારો અને મંતવ્યો ધરાવે છે એવું પુટિન દ્વારા કહેવામાં આવ્યું હતું તેમજ રશિયા માટે ઇરાન સાથેના સંબંધોની પ્રાથમિકતા અને આ સંબંધો સારી રીતે વિકસી રહ્યા હોવાનું મંતવ્ય પણ પુટિને વ્યક્ત કર્યું હતું. ઇરાનિયન ન્યૂઝ એજન્સી અનુસાર આર્થિક તેમજ સાંસ્કૃતિક બંને મોરચે સંબંધો વધુ દૃઢ બને અને બંને દેશો વચ્ચે અસરકારક ચેનલો થકી સંવાદ ચાલુ રહે તે પરિસ્થિતિ જોતાં રશિયા-ઇરાન સંબંધો હજુ પણ વધુ મજબૂત બનશે એમ જણાવવામાં આવ્યું હતું.
રશિયાએ આ અગાઉ પણ લેબેનોન અને ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી અને હજુ પણ ચાલી રહેલી કાર્યવાહીને વખોડી કાઢી હતી. ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર પછી ઉત્તરોત્તર ઇરાન અને રશિયાના સંબંધો વધુ ગાઢ બન્યા છે. એક કરતાં વધુ વખત અમેરિકાએ ઇરાનને ઉદ્દેશીને કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, રશિયાને હથિયારોનો પુરવઠો પૂરો પાડવા માટે ઇરાન જવાબદાર છે. આ હથિયારો યુક્રેન સામે વપરાય છે એવા અમેરિકાના આક્ષેપને ઇરાને મૂળસોતો વખોડી કાઢ્યો હતો. પુટિને એમ પણ કહ્યું હતું કે, રશિયા હંમેશાં વિશ્વહિતમાં હોય તેવા સંવાદને ટેકો આપશે. આજના સમયમાં જ્યારે વિશ્વ અનેક જૂથો વચ્ચે વહેંચાયેલું છે એમાં કોઈ પણ સકારાત્મક રોલ ભજવવાને રશિયા આવકારે છે અને ટેકો આપશે.
બીજા વિશ્વયુદ્ધ બાદનું વિશ્વ બે છાવણીઓમાં વહેંચાયેલું હતું. એક છાવણી અમેરિકા તો બીજી છાવણી રશિયાને કેન્દ્રસ્થાને મૂકી, એની સાથે જોડાયેલી હતી. આ સિવાય નોનએલાઇન મુવમેન્ટ એટલે કે તટસ્થ દેશોનું સંગઠન ભારત સહિત વૈશ્વિક ફલક પર મોટી વગ અને છાપ ધરાવતા દેશોનું હતું. છેલ્લા ચારેક દાયકા જેટલા સમયમાં આ તટસ્થ દેશોનો પરિવાર વિખરાતો ગયો અને એક યા બીજા દેશ સાથે જોડાઈને પોતાનું હિત જોવાની પદ્ધતિ અત્યાર સુધી તટસ્થ રહેલા દેશોએ પણ અપનાવી. ભારત અત્યારે પણ પોતે કોઈ જૂથમાં ઔપચારિક રીતે જોડાયેલું નથી. જગત જમાદારી કરવાનો અને વિસ્તારવાદી નીતિને અનુસરવાનો તેમજ દુનિયાભરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો સ્વભાવ જેટલો અમેરિકાનો છે તેટલો અને તેવો ચીનનો પણ છે અને એટલે ઇઝરાયલને અમેરિકા જ્યારે ખુલ્લું સમર્થન આપતું હોય ત્યારે સામા છેડે ચીન અને રશિયા ઊભાં હોય તો આ યુદ્ધ સ્ફોટક પરિસ્થિતિએ ના પહોંચે તેવી પણ એક સંભાવના ગણી શકાય.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.