Editorial

યાહ્યા સિનવારના મોત બાદ હમાસ ખતમ થઇ ગયું તેવું માનવું ભૂલભરેલું છે

માર્ચ 2004 હમાસના સ્થાપક અહેમદ યાસીન, એપ્રિલ 2004 હમાસના સહસ્થાપક અબ્દેલ અઝીઝ રેન્ટિસી, જાન્યુઆરી 2020 હમાસના લશ્કરી નેતા યાહ્યા અય્યાસ, જાન્યુઆરી 2024 હમાસના વરિષ્ઠ નેતા સાલેહ અલ અરોરી, જુલાઇ 2024 હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયા, ઓગસ્ટ 2024 હમાસના લશ્કરી વડા મોહંમદ કૈફ અને હવે હાલના નેતાઓની હરોળમાં બચેલા ટોચના નેતા યાહ્યા સીનવારને પણ અંતિમધામે પહોંચાડીને ઇઝરાયેલે સાબિત કરી આપ્યું છે કે, તેમના દેશના દુશ્મન દુનિયાના કોઇપણ ખૂણામાં હોય ઇઝરાયેલની પહોંચથી તેઓ બહાર નથી. હવે હમાસના એક પણ ટોચના નેતા આ દુનિયામાં નથી પરંતુ તેનો અર્થ એ નથી કે ઇઝરાયેલના દુશ્મનોનો ખાતમો થઇ ગયો છે. હવે બીજી હરોળ તૈયાર થઇ જ રહી હશે જે કદાચ આ નેતાઓ કરતાં પણ વધારે આક્રમક હોય શકે. એટલે યાહ્યા સિનવારના મોત બાદ હમાસ ખતમ થઇ જશે તેવું માનવું ભૂલભરેલું છે.

નવા હમાસ ચીફનું પૂરું નામ યાહ્યા ઈબ્રાહિમ હસન સિનવાર હતું. તેનો જન્મ ગાઝાપટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. યાહ્યાનાં માતા-પિતા અશ્કેલોનનાં હતાં. 1948માં જ્યારે ઈઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટાઈનીઓને તેમના પૂર્વજોનાં ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે યાહ્યાનાં માતા-પિતા પણ શરણાર્થી બની ગયાં હતા. સિનવારની 1989માં બે ઈઝરાયલી સૈનિક અને ચાર પેલેસ્ટાઈનના અપહરણ તથા હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

એ સમયે યાહ્યા 19 વર્ષનો હતો. કેસ ચાલ્યો. બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે 2011માં ઇઝરાયલી સૈનિક ગિલાડ શાલિતના બદલામાં 1,000થી વધુ કેદીઓની અદલાબદલી દરમિયાન સિનવારને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં સિનવાર લગભગ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો. સિનવાર ક્રૂર હત્યા કરવા માટે જાણીતો હતો. બીબીસીના અહેવાલ મુજબ સિનવારે ઈઝરાયલ માટે જાસૂસીની શંકામાં એક વ્યક્તિને તેના ભાઈના હાથે જીવતો દાટી દીધો હતો. નવાઈની વાત તો એ છે કે દફન કરવાનું કામ પાવડાથી નહીં, પણ ચમચી વડે કરવામાં આવ્યું હતું. આવી ક્રૂરતાને કારણે સિનવારને ખાન યુનિસનો કસાઈ પણ કહેવામાં આવતો હતો. સિનવારની નજીકના લોકો પણ તેનાથી ડરતા હતા.

એવું કહેવાતું હતું કે ‘તમે સિનવારની વાત ટાળી રહ્યા છો તો તમે તમારા જીવનને દાવ પર લગાવી રહ્યા છો.’ 2015માં સિનવારે હમાસ કમાન્ડર મહમૂદ ઈશ્તિવીને ટોર્ચર કરીને મારી નાખ્યો હતો. ઈષ્ટીવી પર સમલૈંગિકતા અને પૈસાની ઉચાપતનો આરોપ હતો. સિનવાર લોકોને નિયંત્રિત કરવામાં નિષ્ણાત છે. જોકે તેને બહુ સારા વક્તા માનવામાં આવતો નથી. 2014માં તેને ‘મૃત’ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે અફવા સાબિત થઈ હતી. 2015માં યાહ્યાને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. સિનવાર ઈરાનની નજીક માનવામાં આવે છે.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF)એ બુધવારે એક દિવસ પહેલા રૂટિન ઓપરેશનમાં સેન્ટ્રલ ગાઝામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો. હમાસના 3 સભ્યો માર્યા ગયાના સમાચાર હતા. પાછળથી ખબર પડી કે તેમાંથી એક યાહ્યા સિનવાર હતો. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આમાં તેનો ચહેરા, દાંત અને ઘડિયાળ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે માર્યો ગયો વ્યક્તિ યાહ્યા સિનવાર છે. વાસ્તવમાં, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનું કારણ 7 ઓક્ટોબરે થયેલો હુમલો હતો, જેમાં 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલુ છે.

સિનવારના મૃત્યુની તપાસ માટે DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો. આ પહેલા પણ ઈઝરાયલે સિનવારને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, તેણે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તેના મૃત્યુ અંગે અગાઉ પણ દાવા કરવામાં આવ્યા હતા. 23 સપ્ટેમ્બરે પણ સિનવારના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. તેના મોત બાદ હવે નવા નવા બીજા કમાન્ડર ઊભા થશે અને તેઓ યેન કેન પ્રકારે ઇઝરાયેલ પર હુમલાની ફિરાકમાં રહેશે અને ઇઝરાયેલ તેનો બદલો લેશે તે વાત પણ સનાતન સત્ય છે. એટલે ઇઝરાયેલમાં શાંતિ સ્થપાઇ તે વાતમાં કોઇ દમ નથી.

Most Popular

To Top