National

આજે 20 ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ, કેન્દ્રએ DGCA ચીફને પદથી હટાવ્યા

દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. રવિવારે પણ અનેક વિમાનો પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ કારણે એરલાઈન્સે ઈમરજન્સી લેન્ડિંગ પ્રોટોકોલ એક્ટિવ કર્યો છે. ધમકી મળ્યા બાદ અનેક વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અકાસા અને વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. સીઆઈએસએફ, એનઆઈએ અને આઈબીને પણ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ શનિવારે DGCA ચીફ વિક્રમ દેવ દત્તને પદ પરથી હટાવીને કોલસા મંત્રાલયમાં સચિવ બનાવ્યા છે. આ ફેરફારને ધમકીભરી બાબતો સાથે જોડવામાં આવી રહ્યો છે. શનિવારે એક સાથે 30 ધમકીઓ મળ્યા બાદ એરલાઇન કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના અધિકારીઓને મળ્યા હતા. બ્યુરોના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને તેમને ખાતરી આપી કે ભારતીય આકાશ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

રવિવારે ઈન્ડિગો, વિસ્તારા, એર ઈન્ડિયા અને અકાસા સહિત 20 થી વધુ ભારતીય વિમાનો પર બોમ્બની ધમકીઓ મળી હતી. ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની દરેક છ ફ્લાઈટ પર બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ 6E 58 જેદ્દાહથી મુંબઈ, 6E87 કોઝિકોડથી દમ્મામ, 6E11 દિલ્હીથી ઈસ્તંબુલ, 6E17 મુંબઈથી ઈસ્તંબુલ, 6E133 પુણેથી જોધપુર અને 6E112 ગોવાથી અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતુ. પ્રવક્તાએ કહ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ.

વિસ્તારા એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીથી ફ્રેન્કફર્ટ UK25, UK106 સિંગાપોરથી મુંબઈ, UK146 બાલીથી દિલ્હી, UK116 સિંગાપોરથી દિલ્હી, UK110 સિંગાપોરથી પુણે અને UK107 મુંબઈથી સિંગાપોર એમ છ ફ્લાઈટ પર બોમ્બની ધમકીઓ મળી હતી. તમામ સંબંધિત અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ સુરક્ષા પ્રક્રિયાઓ અપનાવવામાં આવી હતી.

આ સિવાય અકાસા એરના પ્રવક્તાએ કહ્યું કે તેની કેટલીક ફ્લાઈટ્સને રવિવારે સુરક્ષા એલર્ટ મળ્યા હતા. આ પછી ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે પરિસ્થિતિ પર નજર રાખી. સુરક્ષા અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો. એર ઈન્ડિયાની ઓછામાં ઓછી છ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. પરંતુ એર ઈન્ડિયા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ અઠવાડિયે અત્યાર સુધીમાં 90 થી વધુ ફ્લાઈટો પર બોમ્બની ધમકીઓ મળી છે. તમામ ધમકીઓ અફવા હોવાનું બહાર આવ્યું છે.

Most Popular

To Top