National

લોરેન્સ બિશ્નોઈ પર તેનો પરિવાર દર વર્ષે 40 લાખ રૂપિયા ખર્ચે છે, કારણ જાણી ચોંકી જશો

સલમાન ખાનને ધમકી આપવાનો મામલો હોય કે પછી એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાનો મામલો હોય પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો મામલો હોય, તમામ કેસોમાં એક વસ્તુ સમાન છે અને તે છે જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. હવે લોરેન્સના એક પિતરાઈ ભાઈએ ખુલાસો કર્યો છે કે પરિવાર લોરેન્સ પર દર વર્ષે 40 લાખ રૂપિયા ખર્ચે છે જેથી તેને જેલમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લૉરેન્સના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ કહ્યું કે તેમના પરિવારે ક્યારેય વિચાર્યું ન હતું કે પંજાબ યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ થયેલો લોરેન્સ ગુનેગાર બની જશે. રમેશે કહ્યું કે અમારો પરિવાર હંમેશા સમૃદ્ધ રહ્યો છે. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ગામમાં 110 એકર જમીનના માલિક હતા. લોરેન્સ હંમેશા મોંઘા કપડા અને શૂઝ પહેરવાનો શોખીન હતો. હાલમાં પણ પરિવાર દર વર્ષે તેના પર જેલમાં 35-40 લાખ રૂપિયા ખર્ચે છે.

લોરેન્સ નામ કેવી રીતે પડ્યું?
રમેશે જણાવ્યું કે પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા લોરેન્સનું અસલી નામ બલકરણ બ્રાર છે પરંતુ તે સ્કૂલના દિવસોમાં જ લોરેન્સ બની ગયો હતો. એવું કહેવાય છે કે લોરેન્સની કાકીએ તેમને લોરેન્સ નામ રાખવાની સલાહ આપી અને કહ્યું કે આ નામ વધુ સારું લાગે છે.

લોરેન્સ બિશ્નોઈનું નામ તાજેતરના વર્ષોમાં અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં જોડવામાં આવ્યું છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાનો અને તેના ઘર પર ગોળીબાર કરવાનો મામલો હોય કે પછી તાજેતરમાં મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનો મામલો હોય, આ બધામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. આ પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો પણ આરોપ હતો. એટલું જ નહીં, કેનેડા સરકારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય એજન્ટો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને ખાલિસ્તાની કટ્ટરપંથીઓને નિશાન બનાવી રહ્યા છે.

આ ત્રણ હત્યા કેસમાં નામ જોડાયેલું છે
લોરેન્સ બિશ્નોઈનું નામ 3 મોટા હાઈપ્રોફાઈલ મર્ડર કેસ સાથે જોડાયેલું છે. વર્ષ 2022માં પંજાબના માનસા ગામમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. બિશ્નોઈ ગેંગે તાજેતરમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી છે. વર્ષ 2018માં લોરેન્સ બિશ્નોઈએ કાળિયાર શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. બિશ્નોઈ ગેંગે ધમકી આપી છે કે જો કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન માફી નહીં માંગે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે.

Most Popular

To Top