National

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ, LGની મંજૂરી મળી, CM ઓમર અબદુલ્લા દિલ્હી જશે

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જેમાં કેન્દ્ર સરકારને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની મૂળ સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.

પ્રવક્તાએ કહ્યું કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ સુધારા પ્રક્રિયાની શરૂઆત હશે જે બંધારણીય અધિકારોને પુનઃસ્થાપિત કરશે અને જમ્મુ અને કાશ્મીરના લોકોની ઓળખનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે કેબિનેટે મુખ્ય પ્રધાનને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે અધિકૃત કર્યા છે. પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરની આગવી ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ એ નવી ચૂંટાયેલી સરકારની નીતિનો આધાર છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગે મુખ્યમંત્રી આગામી દિવસોમાં નવી દિલ્હીની મુલાકાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને મળશે.

પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટે 4 નવેમ્બરે શ્રીનગરમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો પણ નિર્ણય કર્યો છે અને લેફ્ટનન્ટ ગવર્નરને સત્ર બોલાવવા અને સંબોધિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરના પ્રથમ સત્ર માટે વિધાનસભાને સંબોધનનો ડ્રાફ્ટ પણ મંત્રી પરિષદ સમક્ષ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મંત્રી પરિષદે નિર્ણય લીધો હતો કે તેના પર વિચાર કરવામાં આવશે.

રાજકીય પક્ષોએ શુક્રવારે કહ્યું હતું કે પ્રસ્તાવમાં માત્ર રાજ્યનો દરજ્જો આપવાનો ઉલ્લેખ છે, જ્યારે કલમ 370નો કોઈ ઉલ્લેખ નથી. તેમણે આ પ્રસ્તાવને સંપૂર્ણ શરણાગતિ અને સત્તાધારી નેશનલ કોન્ફરન્સના વલણની વિરુદ્ધ ગણાવ્યો હતો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), પીપલ્સ કોન્ફરન્સ (PC) અને અવામી ઇત્તેહાદ પાર્ટી (AIP) સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ પગલાની નિંદા કરી અને નેશનલ કોન્ફરન્સને કલમ 370 પુનઃસ્થાપિત કરવાના તેના વચનની યાદ અપાવી હતી.

Most Popular

To Top