Charotar

વિદ્યાનગરમાં વૃદ્ધાના ડ્રાઈવરે જ મિત્ર સાથે મળી લૂંટ કરી હતી

વિદ્યાનગરમાં ઘરે એકલા રહેલા એનઆરઆઈ વૃદ્ધા પર હુમલો કરી અઢી લાખના દાગીના લૂંટનો ગુનો ઉકેલાયો

વિદ્યાનગર પોલીસે ડ્રાઇવર અને તેના મિત્રની ધરપકડ કરી

(પ્રતિનિધિ) આણંદ તા.18

વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા મૌલેશ બંગ્લોઝમાં રહેતા 76 વર્ષિય એનઆરઆઈ વૃદ્ધા પર અજાણ્યા યુવકે હુમલો કરી તેમની પાસે રહેલા અઢી લાખના દાગીના લૂંટી ફરાર થઇ ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે તેમના જ ડ્રાઇવર સહિત બે શખ્સની ધરપકડ કરી હતી. ડ્રાઇવરની ટીપ પર તેના મિત્રએ લૂંટ ચલાવી હતી.

વલ્લભ વિદ્યાનગરની યમુના પાર્ક સોસાયટીમાં મૌલેશ બંગ્લોઝમાં રહેતા સુદેવીબહેન જગદીશભાઈ પટેલ (ઉ.વ.76) અગાઉ સરદાર પટેલ યુનિવર્સિટીમાં નોકરી કરતાં હતાં. બાદમાં તેઓ વિદેશ સ્થાયી થયં હતાં. જ્યારે તેમના પતિ જગદીશભાઈ વી.પી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં હતાં. આ બન્ને પતિ – પત્ની નિવૃત્ત જીવન ગુજારતાં હતાં. આ દરમિયાન 14મી ઓક્ટોબરના રોજ સુદેવીબહેનના પતિ કામ અર્થે ડ્રાઇવર સાથે બહાર ગયાં હતાં. જેથી સુદેવીબહેન ઘરે એકલાં હતાં. આ સમયે અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી સુદેવીબહેનને દુપટ્ટાથી દાદરની રેલીંગની થાંભલી સાથે બન્ને હાથ બાંધી દીધાં હતાં. બાદમાં રૂ. અઢી લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગોહિલ સહિતની ટીમે સીસીટીવી ફુટેજ સહિતની ચકાસણી કરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, યમુના પાર્ક સોસાયટીમાં થયેલી લૂંટમાં સંડોવાયેલો શખ્સ ઇન્ફીનીટી કોમ્પ્લેક્સ નજીક દેખાયો છે. આથી, પોલીસે તેને પકડી જરૂરી કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સની પુછપરછ કરતાં તે લખન ભીખા રાવળ (ઉ.વ.26, રહે. કણજરી) હોવાનું જણાવ્યું હતું. લૂંટ અંગે પૂછપરછ કરતાં તેણે સુદેવીના ડ્રાઇવર રવિ ગૌત્તમ રાવળ (રહે. કણજરી) સાથે મળી ગુનો આચર્યો હોવાની કબુલાત કરતાં વિદ્યાનગર પોલીસે લખન અને રવિ બન્નેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top