Feature Stories

એન્કાઉન્ટર, હાફ એન્કાઉન્ટર અને ચાન્સ એન્કાઉન્ટર- જાણો તથ્ય

ઈઝરાયેલે ગાઝામાં તેના સૌથી મોટા દુશ્મન યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. સિનવાર, જેણે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયેલ પર ઘાતક હુમલાનું નેતૃત્વ કર્યું હતું જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલ સિનવારને શોધી રહ્યું હતું પરંતુ દિલચસ્પ વાત એ છે કે ઇઝરાયેલના સૈનિકોએ એક હુમલામાં સિનવારને મોતને ઘાટ ઉતાર્યો પરંતુ તેઓને તે બાબતની જાણ ન્હોતી થઈ કે તેઓ સિનવારને મારી રહ્યા છે. એટલે કે બાય ચાન્સ સિનવારનું એન્કાઉન્ટર થયું. આ ઘટના બાદ ચાન્સ એન્કાઉન્ટર એ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એન્કાઉન્ટર શું છે? આપણા દેશમાં એન્કાઉન્ટર અંગેના નિયમો શું છે? કયા સંજોગોમાં હાફ એન્કાઉન્ટર કરવામાં આવે છે? ચાન્સ એન્કાઉન્ટર શું છે? તે અંગે આ લેખમાં આપને દિલચસ્પ તથ્યો જણાવીશું. સામાન્ય રીતે આપણા દેશમાં બે પ્રકારના એન્કાઉન્ટર થાય છે. પ્રથમ જેમાં ખતરનાક ગુનેગાર પોલીસ અથવા સુરક્ષા દળોના કબજામાંથી ભાગી જવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં પોલીસે તેને રોકવા અથવા પકડવા માટે ફાયરિંગ કરવું પડે છે. બીજું એન્કાઉન્ટર ત્યારે થાય છે જ્યારે પોલીસ ગુનેગારને પકડવા જાય છે. તે બચવા દોડે છે. પોલીસ જવાબી કાર્યવાહી કરે છે. ગુનેગાર પોલીસ પર હુમલો કરે તો પણ પોલીસ એન્કાઉન્ટર કરે છે. જો એન્કાઉન્ટરની પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ તેના પર સીધો હથિયારનો ઉપયોગ કરતા પહેલા ગુનેગારને ચેતવણી આપે છે. હવામાં ફાયરિંગ કરે છે. જો તે ન રોકાય તો તેને ભાગતો રોકવા માટે તેના પગમાં ગોળી મારી દેવામાં આવે છે. ત્યારબાદ પણ પરિસ્થિતિ કાબુમાં ન આવે તો પોલીસ શરીરના અન્ય ભાગો પર ગોળીબાર કરે છે.

ભારતીય બંધારણ શું કહે છે?
ભારતીય બંધારણમાં ક્યાંય એન્કાઉન્ટર શબ્દનો ઉલ્લેખ નથી. પોલીસને કોઈ પણ નાગરિકની જિંદગી છીનવી લેવાનો અધિકાર નથી. ભારતીય બંધારણમાં (કલમ 21) કાયદા દ્વારા વ્યક્તિનું જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી શકાય છે. પરંતુ બંધારણમાં એન્કાઉન્ટર શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. આ પોલીસની ભાષામાં બોલાતો શબ્દ છે. સામાન્ય રીતે ગુનેગારો અને આતંકવાદીઓ સાથેની અથડામણ પછી પોલીસ અને સુરક્ષા દળો તેને એન્કાઉન્ટર કહે છે. ભારતીય કાયદો એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવતો નથી. જો કે કેટલાક નિયમો છે જે પોલીસને ગુનેગારો પર હુમલો કરવાની સત્તા આપે છે. તે સમયે ગુનેગારનું મોત થાય તો તેને યોગ્ય ગણવામાં આવે છે. તમામ પ્રકારના એન્કાઉન્ટરમાં પોલીસ ઉલ્લેખ કરે છે કે કાર્યવાહી સ્વ-બચાવમાં અથવા ગુનેગારને ભાગી જવાથી અથવા નિયંત્રણની બહાર જતા અટકાવવા માટે કરવામાં આવી હતી. ક્રિમિનલ કોડની કલમ એટલેકે CrPC 46 કહે છે કે જો કોઈ ગુનેગાર પોતાને પકડવાથી બચાવવાનો પ્રયાસ કરે છે અથવા પોલીસથી બચવાનો પ્રયાસ કરે છે અથવા પોલીસ પર હુમલો કરે છે તો આ સંજોગોમાં પોલીસ તે ગુનેગાર પર હુમલો કરી શકે છે. એન્કાઉન્ટર દરમિયાન થયેલી હત્યાઓને એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કિલિંગ પણ કહેવામાં આવે છે.

હાફ એન્કાઉન્ટર
એન્કાઉન્ટરની પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ આરોપી કે ગુનેગાર પર સીધો હથિયારનો ઉપયોગ કરતા પહેલા તેને ચેતવણી આપે છે. હવામાં ફાયરિંગ કરે છે. જો તે ન રોકાય તો તેને ભાગતો રોકવા માટે તેના પગમાં ગોળી મારવામાં આવે છે. જેને હાફ એન્કાઉન્ટર કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આત્મસમર્પણ કરનાર ગુનેગારોને સજા તરીકે પગમાં ગોળી મારવામાં આવે છે. આને પણ હાફ એન્કાઉન્ટર કહેવામાં આવે છે. હાફ એન્કાઉન્ટરમાં અપરાધીનું મોત થતું નથી પરંતુ પગમાં ગોળી વાગી હોવાથી તેને ઇલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

કેસ- ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પાછલા દિવસોમાં ભારે હિંસા થઈ હતી. બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગમાં રામ ગોપાલ મિશ્રા નામક યુવકના મોત બાદ હિંસા ફાટી નિકળી હતી. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન હિંસાના બે આરોપી સરફરાઝ અને તાલિબનું પોલીસ દ્વારા 17 ઓક્ટોબરના રોજ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને પગમાં ગોળી મારી હતી. બંને આરોપીઓએ નેપાળ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બંને આરોપીઓ નેપાળની ખુલ્લી સરહદેથી બાઇક પર જઇ રહ્યા હતા. બંનેએ એસટીએફ અને પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. તેમની અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર નેપાળ બોર્ડર પાસે હાંડા બસેહરી કેનાલ પાસે થયું હતું. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને આ દરમિયાન બંને આરોપીઓને પોલીસે પગમાં ગોળી મારી હાફ એન્કાઉન્ટર કર્યું હતું. આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચાન્સ એન્કાઉન્ટર
અણધારી અથડામણ દ્વારા મોસ્ટ વોન્ટેડ આરોપીનું મોત થવું અથવા ટાર્ગેટનું મોત થયા બાદ તેની લાશ મળ્યા પછી ખબર પડવી કે જે તે અપરાધી કે ટાર્ગેટનું મોત થયું છે. આ ચાન્સ એન્કાઉન્ટર છે. એનો અર્થ પોલીસ કે સૈન્ય દળો જે ગુનેગારને શોધતા હોય, અજાણતા તેની ઉપર હુમલો કર્યો હોય અને બાદમાં અપરાધીનો મૃતદેહ મળતા તે બાબતની પુષ્ટિ થાય કે ટાર્ગેટનું મોત થયું છે. મોસ્ટ વોન્ટેડ આરોપીનું આ રીતે મોત થવું તે ચાન્સ એન્કાઉન્ટર છે.

કેસ- ઇઝરાયેલે તેના એક સૈનિક ગિલાડ શાલિતને મુક્ત કરવા માટે 1027 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા. આમાં એક કેદીનો નંબર 955266978 હતો જે 2 ઇઝરાયલી સૈનિકોની હત્યાના આરોપમાં 1988થી જેલમાં બંધ હતો. ઇઝરાયલે આ કેદીની મુક્તિને તેની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. આ કેદી બીજું કોઈ નહીં પણ હમાસનો સૌથી મોટો નેતા યાહ્યા સિનવાર હતો. તેની મુક્તિ પછી ઇઝરાયેલે સિનવારની શોધ ફરી શરૂ કરી હતી. ઈઝરાયેલની આ શોધ 16 ઓક્ટોબર 2024ના રોજ અચાનક સમાપ્ત થઈ ગઈ અને સિનવાર માર્યો ગયો. સિનવારનું મોત ચાન્સ એન્કાઉન્ટર હતું.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ડિવિઝન 162 અને 828 બિસ્લામક બ્રિગેડ રફાહના તાલ અલ-સુલતાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઈઝરાયેલના સૈનિકે એક શંકાસ્પદ વ્યક્તિને ઈમારતમાં પ્રવેશતા જોયો. સૈનિકે તેના કમાન્ડરને જાણ કરી ત્યારબાદ બિલ્ડિંગને ઘેરી લેવા અને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. થોડા સમય પછી તેણે ડ્રોન દ્વારા જોયું કે ત્રણ લોકો તે બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે વ્યક્તિઓ પોતાની જાતને ચાદરથી ઢાંકીને આગળ ચાલી રહી હતી. બે લોકો એક બિલ્ડિંગમાં ગયા જ્યારે ત્રીજો અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ્યો. ઇઝરાયલી દળોએ તેને ઘેરી લીધો. સૈનિકોએ બિલ્ડિંગની અંદર ડ્રોન મોકલ્યું. ડ્રોનમાં દેખાયું કે એક વ્યક્તિ બિલ્ડિંગની અંદર સોફા પર બેઠેલો છે અને તેણે તેનો ચહેરો સ્કાર્ફથી ઢંકેલો છે. ઈઝરાયેલની સેનાએ ટેન્ક વડે ઈમારત પર હુમલો કર્યો અને તેઓ પાછા ફર્યા. તેઓને એ ખબર ન્હોતી કે તેઓએ જે વ્યક્તિની હત્યા કરી છે તે કોણ છે. બીજા દિવસે સવારે 17 ઓક્ટોબરે ઇઝરાયેલી સૈનિકો ઘટનાસ્થળે પાછા ફર્યા ત્યારે ચેકિંગ કરતી વખતે તેઓને એક લાશ મળી જે સિનવારની લાશ હતી. સૈનિકોએ તે લાશને સિનવારના ચહેરા સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો. બંનેના ચહેરા, દાંત અને હાથમાં ઘડિયાળ જોયું. સંપૂર્ણ રીતે પુષ્ટિ કરવા માટે મૃત શરીરની આંગળીઓ કાપીને ફિંગરપ્રિન્ટ અને ડીએનએ પરીક્ષણ માટે ઇઝરાયેલ મોકલવામાં આવી.


રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે

  • એન્કાઉન્ટરમાં મૃત્યુની માહિતી મળતાં જ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે તરત જ માહિતી નોંધવી જોઈએ
  • આરોપીના મૃત્યુના તથ્યો અને સંજોગોની તપાસ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ
  • પોલીસ પોતે એન્કાઉન્ટરમાં સામેલ હોવાથી આવા કેસોની તપાસ CID દ્વારા થવી જોઈએ
  • આ કેસોની તપાસ ચાર મહિનામાં પૂરી થવી જોઈએ
  • જો તપાસમાં કોઈની સામે કેસ કરવામાં આવે તો તેની ઝડપી સુનાવણી થવી જોઈએ
  • જો પોલીસકર્મીની ગોળીથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો સંબંધિત પોલીસકર્મી વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ
  • પોલીસ કાર્યવાહીથી થયેલા મૃત્યુના તમામ કેસોની મેજિસ્ટ્રેટ તપાસ થવી જોઈએ અને આ તપાસ ત્રણ મહિનામાં પૂરી થવી જોઈએ
  • પોલીસ કાર્યવાહીથી થતા તમામ મૃત્યુની જાણ NHRCને કરવી જોઈએ અને SP અથવા SSP સ્તરના અધિકારીઓએ ઘટનાના 48 કલાકની અંદર કમિશનને જાણ કરવી જોઈએ
  • બીજો રિપોર્ટ ઘટનાની જાણ કર્યાના ત્રણ મહિનાની અંદર સબમિટ કરવાનો રહેશે અને તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી અને પોલીસ અધિકારીઓના તપાસ રિપોર્ટનો સમાવેશ થવો જોઈએ.

Most Popular

To Top