સુરતઃ શહેરમાં અવારનવાર ગોઝારા અકસ્માત બની રહ્યાં છે. બેફામ દોડતા ભારે વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. આવી જ એક ઘટના આજે કામરેજ ટોલ પ્લાઝા નજીક બની છે. અહીં ફૂલસ્પીડમાં બેફામ દોડતી લક્ઝરી બસે 8 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત થયો છે. અહીં કામરેજ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસના ચાલકે 8 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. જ્યારે વાહનમાં બેઠેલા લોકોને ગંભીીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
જામનગર જતી કનૈયા ટ્રાવેલ્સની બસે અકસ્માત કર્યો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકનેને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડ્રાઈવર બ્રેક માર્યા વિના બસ હાંકતો હતો
કેતનભાઈએ કહ્યું કે, બસવાળો ફુલઝડપે બ્રેક માર્યા વિના બસ ફૂલસ્પીડમાં હાંકી રહ્યો હતો. રસ્તામાં જે કોઈ ઊભા હતા તેને ઉડાવતો ગયો. એક જણાનું મારી સામે જ મોત થયું હતું તેમજ બે મહિલાઓ મારી સામે ઘાયલ થઈ હતી જેમના પગ ભાંગી ગયા છે. મારી ગાડીને ટક્કર મારતો ગયો, હું ભાગી ન શક્યો કેમ કે નજીક આવી ગયા પછી શું થાય. અમે તો ભગવાન ભાળી ગયા હતા.