Comments

ઢોંગ અને બેવડાં ધોરણ પશ્ચિમી દેશનાં લોહીમાં છે

આખા જગતને પશ્ચિમના બેવડા વલણ અને ઢોંગનો પાછલી બે સદીથી અનુભવ છે. સંસ્થાનવાદના યુગમાં ગુલામ દેશોની પ્રજાનું શોષણ કરવાનું, તેનાં સંસાધનો લૂંટવાના અને દાવો એવો કરવાનો કે એશિયા અને આફ્રિકાની પ્રજાનું કલ્યાણ કરવું એ તેમને ઈશ્વરે સોંપેલી જવાબદારી (વ્હાઈટ મેન્સ બર્ડન) છે. આના વિષે પુસ્તકોનાં પુસ્તકો લખાયાં છે, પણ આપણે વાત વર્તમાનની કરવાની છે. છેલ્લા એક વરસથી ઇઝરાયેલ અને તેના પાડોશી દેશો, પેલેસ્ટાઇન અને લેબેનોનનાં મિલીશિયા જૂથો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

ઇઝરાયેલે ગાઝા પટ્ટીને તબાહ કરી નાખી છે, ૫૦ હજાર નિર્દોષ લોકો માર્યા ગયાં છે, જેમાં ૭૦ ટકા સ્ત્રીઓ અને બાળકો છે, પણ અમેરિકા અને પશ્ચિમના દેશો ઇઝરાયેલને વારવાનો પ્રયાસ નથી કરતા. ઇઝરાયેલ આત્મરક્ષણનો અધિકાર ધરાવે છે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે, પણ તેમાં બન્નેમાંથી કોઈ ઉમેદવાર ઇઝરાયેલને વારવામાં આવશે અને યુદ્ધનો અંત લાવવા અમેરિકા પ્રયાસ કરશે એમ કહેવામાં નથી આવતું. યહુદીઓનો આત્મરક્ષણનો અધિકાર અદકેરો છે.

કેનેડાએ પાશ્ચાત્ય ઢોંગી ઓરકેસ્ટ્રામાં ભાગ્યે જ ભાગ લીધો છે. એ દેશ હંમેશાં પોતાના કામથી કામ રાખે છે, પણ આ વખતે કેનેડાએ ભારત પર ડિપ્લોમેટિક આક્રમણ કર્યું છે અને એવું આક્રમણ જેની કલ્પના ન થઈ શકે. અમેરિકાએ પણ ભારત પર આવું આક્રમણ નથી કર્યું, જે દેશ સાથેનાં ભારતના સંબંધો ક્યારેય મધુર નથી રહ્યા, શંકાતીત નથી રહ્યા. બન્ને દેશો એકબીજાને શંકાથી જુએ છે અને સાવધાની રાખે છે. પણ અચાનક કેનેડા? ઢોંગને મોરચે કેનેડા પહેલી વાર નજરે પડી રહ્યું છે. ઇઝરાયેલના આત્મરક્ષાના અધિકારને કેનેડા સ્વીકારે છે.

અમેરિકા સાથે કેનેડાએ યુનોમાં ઇઝરાયેલના પક્ષે મતદાન કર્યું છે. પણ ભારત આત્મરક્ષણ માટે કશું ન કરી શકે. ભારતીય કેનેડિયન કેનેડામાં આશ્રય લઈને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો એ ત્રાસવાદીને હાથ નહીં લગાડવાનો. આમાં કેનેડાના વડા પ્રધાન સક્રિય છે. એટલા સક્રિય કે જાણે ભારત સાથે કોઈ અંગત વેર કે પૂર્વગ્રહ હોય. કોઈ જવાબદાર પ્રતિષ્ઠિત લોકતાંત્રિક દેશનો વડા પ્રધાન આટલી હદે અંગત બની જાય અને પોતે રણભૂમિમાં ઊતરી પડે એવું પહેલી વાર જોવા મળી રહ્યું છે. આવો ખેલ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ડિપ્લોમેટિક સ્તરે ક્યારેય નથી ભજવાયો.

કેનેડા તરફથી આક્રમણની શરૂઆત ગયા વરસે સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી અને તેનો અંત જ નથી આવતો. મુખ્ય જવાબદાર વ્યક્તિ કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો છે. તેઓ એમ માને છે કે ગયા વરસના જૂન મહિનામાં ભારતે શીખ કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવી હતી. એ ત્રાસવાદી છે એમ ભારત કહે છે, પણ એવા કોઈ પુરાવા ભારતે રજૂ કર્યા નથી, તે ભારતીય રાજ્યનો ગુનેગાર છે એટલે તેને ભારતને સોંપવાની કોઈ અરજી ભારતે કરી નથી અને તેને બારોબાર મારી નાખવામાં આવે છે. ભારતના કહેવાથી હત્યા કરનારાઓએ ત્રાસવાદીની હત્યા નથી કરી, પણ એક કેનેડિયન નાગરિકની હત્યા કરી છે અને અમારા નાગરિકનો પ્રાણ અમૂલ્ય છે.

ભારત કેનેડાના દાવાને નકારે છે. નિજ્જરની હત્યા ભારતે કરાવી નથી એમ ભારત સતત કહેતું આવ્યું છે. ભારત એમ પણ દાવો કરે છે કે ભારતે નિજ્જરની હત્યા કરાવી હતી એવા કોઈ પુરાવા કેનેડા રજૂ કરી શક્યું નથી. ભારત કહે છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો ચૂંટણી જીતવા ઘોંઘાટ કરી રહ્યા છે. કેનેડામાં શીખોની વસતી ૨૫ લાખની છે અને કેનેડાની કુલ વસ્તીમાં શીખ મતદાતાઓનું પ્રમાણ ૨.૧ ટકા છે. કેનેડાનાં શીખો જસ્ટીન ટ્રુડોના લિબરલ પાર્ટીનું સમર્થન કરતા આવ્યા છે.

વિદેશમાં વસીને દેશવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ કોઈ નવી વાત નથી. એવાં લોકોને દેશમાં પાછા લઈ આવવા શક્ય ન હોય તો તેમને ખતમ કરી દેવામાં આવે છે એ પણ કોઈ નવી વાત નથી. પણ આ બધાં ઓપરેશનો મૂંગી રીતે કરવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે એક વાર કહ્યું હતું કે શાસકોએ અનેક ગોપનિય રહસ્યો સાથે લઈને સ્મશાને જવું પડતું હોય છે. આ શાસકની નિયતિ છે. ભારતે કેનેડામાં ઓપરેશન કર્યું હતું કે નહીં એ ક્યારેય સ્થાપિત થવાનું નથી. ઇઝરાયેલ અસ્તિત્વ ટકાવી રાખવાને નામે ૫૦ હજાર લોકોને મારી નાખે તેનું સમર્થન કરનારાઓ ભારત સામે ભુરાંટા થાય એ વિચિત્ર છે.

ભારતે પણ એક વાત સમજી લેવી જરૂરી છે કે ભારત ઇઝરાયેલ કે ચીન નથી. ઇઝરાયેલ અને ચીન લોંઠકા છે, કારણ કે બેશરમ પણ છે. બેશરમીને લોંઠકાપણા સાથે સંબંધ છે. ભારત એ હદે નીચે ઉતરી શકે એમ નથી. ભારતની એક જવાબદાર લોકશાહી દેશની દાયકાઓ જૂની પ્રતિષ્ઠા છે અને ભારતને બેશરમ બનવું પરવડે એમ પણ નથી. ભારતે એ વાત પણ સમજી લેવી જોઈએ કે કેનેડા પાકિસ્તાન નથી. કેનેડા શક્તિશાળી દેશ છે અને ભારતના તેની સાથે હિતસંબંધો છે. મોટી સંખ્યામાં ભારતીયો કેનેડામાં વસ્યાં છે અને હજુ જઈ રહ્યાં છે. કેનેડા જી-૭, જી-૨૦ અને ફાઈવ આઈઝ દેશોનું સભ્ય છે. ફાઈવ આઈઝ દેશોમાં અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે અને તે સાથે મળીને જગતમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખે છે અને ગુપ્ત માહિતી એકબીજા સાથે વહેંચે છે. અમેરિકાએ તો કેનેડાનો પક્ષ લઈ જ લીધો અને કહ્યું છે કે ભારત તપાસ કરવામાં કેનેડાને સહયોગ કરતું નથી. બીજા દેશો પણ કેનેડાને સાથ આપી શકે છે.

 કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો ચૂંટણી જીતવા આ બધું કરી રહ્યા છે એ વાત સાચી હોય તો પણ એ ન ભૂલવું જોઈએ કે કેનેડાના વિરોધ પક્ષના નેતાએ પણ આ બાબતે સરકારનું સમર્થન કર્યું છે. આમ પણ પાશ્ચાત્ય બેવડાં ધોરણ અને ઢોંગ સદીઓ જૂનો છે.  કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની આક્રમકતા સામે થોડી દૃઢતા અને વધારે નરમાઈથી કામ લેવું પડે એમ છે. કેનેડા સાથે આવો આ પહેલો પ્રસંગ છે જેને દુર્ભાગ્યપૂર્ણ અપવાદ તરીકે ખપાવી દેવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top