Charchapatra

સ્વ. રતનટાટાને ‘ભારત રત્ન’ એવોર્ડ આપો

પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણની પદવી મેળવી ચૂકેલા દેશના વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા જૂથના મોભી રતન ટાટાની અંતિમ વિદાયથી દેશે એકથી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એક મહારથી, દીર્ઘદ્રષ્ટા, વૈશ્વિક આઉટલુક ધરાવતા આગેવાન ઉદ્યોગપતિને ગુમાવી દીધા છે. તેઓ એક ટોચના ઉદ્યોગપતિ જ નહીં પરંતુ પ્રખર સખાવતી શ્રેષ્ઠી પણ હતા. આધુનિક ભારતના બિજનેસને ઘડવામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. આથી જ તેઓના અમૂલ્ય યોગદાને માત્ર ટાટા સમૂહને જ નહીં, પરંતુ આપણા રાષ્ટ્રના નિર્માણને પણ આકાર આપ્યો છે.

રતન ટાટા એક વિઝનરી આગેવાન હતા. લોકોની જિંદગીઓને બહેતર બનાવવાનું તેમનું સમર્પણ ભારત અને સમગ્ર વિશ્વ માટે એક કાયમી છાપ છોડી ગયું છે. તેમની અંતિમ યાત્રામાં માનવમેદનીનું ઉમટવું તે જ તેમના પ્રતિનો અણમોલ પ્રેમ અને આદર દાખવે છે. રતન ટાટાએ ભારતની પ્રજાના દિલમાં જે સ્થાન મેળવ્યું એવું સ્થાન બહુ ઓછા ઉદ્યોગપતિએ મેળવ્યું  છે. ભારતનાં લોકો માટે આધારપાત્ર રતન ટાટા ભલે આપણી વચ્ચે ન રહ્યા હોય પરંતુ દેશનાં લોકો તેમને ભૂલી શકશે નહીં. વૈશ્વિક મંચ પર ટાટા ગ્રુપને તથા દેશને મહત્ત્વનું સ્થાન અપાવનાર સ્વ. રતન ટાટાને ભારત સરકારે ‘ભારતરત્ન’એવોર્ડ આપી તેમની યોગ્ય કદર કરવી જોઈએ.
પાલનપુર          – મહેશ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચોટ વિના ટોચ ક્યાંથી?
સફળતાની ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિઓએ જીવનમાં ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાઓરૂપી ચોટ ખાધી જ હોય છે. અબ્રાહમ લિંકન, થોમસ આલ્વા એડિસન જેવી કેટલીયે વ્યક્તિઓ જીવનમાં ઠોકર ખાઈ કઠોર બની. વાસ્તવિક રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓ મનુષ્યને સફળતાના માર્ગ ઉપર અગ્રેસર કરે છે. જે રીતે જીતથી અજાણ ઘોડો પોતાના માલિકના પ્રહારોથી દોડયે જાય છે; તે જ પ્રમાણે જીવનમાં જો વારંવાર પડવાનું થાય તો સમજવું કે કોઈક છે, જે આપણને જીતાડવા માંગે છે. વળી જે ચાલે છે ને તે જ પડે છે; જે ચાલતા નથી ને તે તો પડતા પણ નથી. કોઈકે સાચું જ કહ્યું છે,દુનિયા કી હર ચીઝ ઠોકર લગને સે તૂટ જાયા કરતી હૈ, એક કામિયાબી હી હૈ જો ઠોકર ખાકે હી મિલતી હૈ.
સુરત     – દીપ્તિ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top