Charchapatra

ભગવાન પાસે શું માંગવું?

નાનો વિહાન દાદા સાથે મંદિરમાં ગયો. દાદા જેવા ગાડીમાંથી ઊતર્યા તેવા તરત જ મંદિરની બહાર બેઠેલાં ભિખારીઓ દાદાને ઘેરી વળ્યાં અને મદદ માંગવા લાગ્યાં. નાનો વિહાન આ જોતો રહ્યો.દાદાએ કહ્યું, ‘હું દર્શન કરીને આવું પછી બધાને જે જોઈએ તે મદદ આપીશ.’આટલું કહીને દાદા વિહાનનો હાથ પકડી અંદર મંદિરમાં દર્શન કરવા ગયા અને પુજારીજીને પૂજાની સામગ્રી અને પૈસા આપી વિહાનના નામની પૂજા કરવા જણાવ્યું.

પૂજાને થોડી વાર હતી, દાદા બોલ્યા, ‘દીકરા, કોઈ પાસે કંઈ માંગવું જ ન જોઈએ પણ તને ખબર છે અહીં મંદિરમાં ભગવાન પાસે જેટલાં લોકો દર્શન કરવા આવે છે તે બધા જ કંઈ ને કંઈ માંગતાં હોય છે.’ વિહાને દાદાને કહ્યું, ‘દાદાજી, તમે તો કહો છો ને કે કોઈ પાસે કંઈ માંગવું નહિ.માંગવું સારી વાત નથી, તો આ બહાર બધાં લોકો તમારી પાસે શું કામ મદદ માંગી રહ્યાં હતાં?’ દાદા બોલ્યા, ‘જો દીકરા, તું નાનો છે પણ તને સમજાવું છું કે મારી વાત યાદ રાખજે. ક્યારેય કોઈ પાસે કંઈ માંગતો નહિ પણ શક્ય હોય તો કોઈ મદદ માંગે તો ચોક્કસ કરજે અને ભગવાન પાસે પણ કંઈ માંગતો નહિ. પ્રેમ અને શ્રધ્ધાથી દર્શન કરજે.’

નાનકડો વિહાન બોલ્યો, ‘પણ દાદા, ભગવાન પાસે તો બધા માંગે તો હું શું કામ ના માંગી શકું?’દાદા હસ્યા અને વિહાનને ખોળામાં બેસાડતા બોલ્યા, ‘દીકરા, જો તારે કંઈ માંગવું જ હોય ને તો ભગવાન પાસે તેમનો સાથ માંગજે, મનનો સંતોષ માંગજે , બીજાને મદદ કરી શકે તેવી શક્તિ માંગજે, ભૂલ સુધારવા બુદ્ધિ માંગજે ,ભૂલ સ્વીકારવાની હિંમત માંગજે, જીવનમાં જે મળે તેનો સ્વીકાર માંગજે, કોઈ પાસે કંઈ જ માંગવું ન પડે તેવી પરિસ્થિતિ માંગજે. આવું બધું તું ભગવાન પાસે માંગજે અને ભગવાનની કૃપા થશે તો તને આ બધું મળશે અને જેથી તું બીજાની મદદ કરી શકીશ.’

વિહાને દાદાની વાત યાદ રાખી લીધી અને દોડીને ભગવાનની મૂર્તિ સામે ગયો. ભગવાન પાસે દાદાજીએ કહ્યું હતું તે બધું માંગ્યું.  દાદાજી ખુશ થયા અને પૂજા અને દર્શન કરી બહાર આવ્યા, વિહાને કહ્યું, ‘દાદા તમે શું માંગ્યું?’દાદા બોલ્યા, ‘તેં જે માંગ્યું એ બધું મેં માંગ્યું…ચલ હવે આપણે ભગવાને આપણને જે આપ્યું છે તેમાંથી બીજાની મદદ કરીએ.’દાદાએ નાનકડા વિહાનમાં સાચી સમજ અને સંસ્કાર રોપ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top