સુરતઃ આસારામનો પુત્ર નારાયણ સાઈ સુરતની બે સગી બહેનો સાથેના દુષ્કર્મના કેસમાં લાંબા સમયથી લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાઈને દાંતમાં દુઃખાવો ઉપડતા આજે તા. 17 ઓક્ટોબરના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તા વચ્ચે નારાયણ સાઈને સિવિલમાં લાવવામાં આવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કૈદી નારાયણ સાંઈને આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં દાંત અને છાંયડો વિભાગમાં લઈ જવાયો હતો. પાકા કામના કેદી નારાયણ સાંઇએ જેલના કેદી જેવા કપડા પહેરાવવાને બદલે માથે ટોપી, ઘમછો અને સાદા ડ્રેસમાં લવાયો હતો. તેના હાથમાં હથકડી પણ ન હતી. જેથી અનેક પ્રકારની ચર્ચાઓ ઉભી થઇ હતી.
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા પામેલા નારાયણ સાંઈને પોલીસ જાપ્તામાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં દાંતના વિભાગમાં તપાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ છાંયડોમાં તેના દાંતના એક્સ રે કાઢવામાં આવ્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવેલા નારાયણ સાંઈના ચહેરા પર કોઈ જ પ્રકારની ગ્લાની જોવા મળતી નહોતી.