સુરતઃ કતારગામ ખાતે રહેતું દંપતિ ગઈ 9 મીના રોજ બાઇક ઉપર ખરીદી કરવા માટે નીકળ્યા હતાં. તેઓ રેસ્કો સર્કલ પાસે પસાર થતા હતા ત્યારે બે સ્નેચરો બાઈક પર આવી મહિલાનાં ગાળા માંથી 2 તોલા સોનાનો ચેન તફડાવી ફરાર થઈ ગયા હતા. મહિલાનાં પતિએ સિંગણપોર પોલીસે અજાણ્યા વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધવી હતી. પોલીસે બંને સ્નેચરોને ઝડપી પાડ્યા છે.
સિંગણપોર પોલીસ પાસે મળતી માહિતી મુજબ કતારગામની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય જગદીશ નારાયણભાઈ રાઠોડ ગઈ 9મીના બપોરના સમયે પત્ની સાથે બાઈક પર ખરીદી કરવા નીકળ્યા હતા. તેઓ રેસ્કો સર્કલ પાસે પહોંચ્યા ત્યારે પાછળ થી બે સ્નેચરો બાઈક પર આવ્યા હતા.
બંને બુકાનીધારીઓએ રસ્તો પૂછવાના બહાને દંપતિને વાતમાં લીધા હતા. દંપતિ કંઈ સમજે તે પહેલા સ્નેચરે પાછળ બેસેલી મહિલાનાં ગળામાંથી 65 હજારની કિંમતની 2 તોલાની સોનાની ચેન આંચકી લીધી હતી. ત્યારબાદ ફરાર થઇ ગયેલા બદમાશો સામે સિંગણપોર પોલીસમથકમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે 135 થી વધુ સીસી ટીવી કેમેરા ચેક કરી બંને સ્નેચરોને ડભોલી ગામ ખાતે થી પકડી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં અજય ચતુરભાઇ ભડભડિયા (રહે.,પરષોત્તમનગર નીચલુ ફળીયુ નાનીવેડ મૂળ રહે.બોટાદ) અને કિરણ ચતુરભાઇ ભડભડિયા (રહે.,નાનીવેડ ભગતનગર સોસાયટી,વેડરોડ,મૂળ રહે.બોટાદ) આ બંને શાકભાજી ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તેમની પાસેથી રેમ્બો ચપ્પુ અને એક ગીલોલ મળી આવી હતી જે બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે,ચોરી દરમિયાન કોઈક કારણોસર આજુબાજુના લોકો ભેગા થઈ જાય તો તેમના પર હુમલો કરી ભાગી જવા ઉપયોગ કરતા હોવાની ચોકાવનારી હકિકત જણાવી હતી.