SURAT

સુરતમાં વર્ષે પાંચ હજાર કરોડનું યુએસડીટીનું ટ્રાન્જેક્શન અને પોલીસે સત્તર લાખનો કેસ કરીને ફોટા પડાવ્યા!?

સુરત: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી હવાલા મારફતે આવતા ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપવાના રેકેટનો સુરત એસઓજીએ પર્દાફાશનો દાવો કરીને ફોટા પડાવ્યા છે. એસઓજીએ જણાવ્યાનુસાર પોલીસે સોનીફળિયાના સિંધીવાડમાં સફિયા મંઝીલમાં દરોડા પાડી મકબુલ ડોક્ટર, તેના પુત્ર કાસીફ અને નાઝ નાડાની ધરપકડ કરી છે. આરોપીઓ ગરીબ અને ગરજાઉ લોકોના નામે બેંક ખાતા ખોલાવી તેમાં જુગારના નાણાં નંખાવ્યા બાદ તેમાંથી યુએસડીટી ખરીદી તે કૌભાંડીઓને ટ્રાન્સફર કરતા હતા.

  • વરાછા અને મહિધરપુરામાં આંગડિયા પેઢીમાં રોજના કરોડો યુએસડીટીનો ખુલ્લંખુલ્લા ખેલ પડાય છે, તેનું શું?
  • હાલમાં બ્લેક ઓરામાં જ 500 કરોડનું રોકાણ યુએસડીટીમાં થયું

આ આખા કેસમાં સૌથી શરમજનક બાબત એ છે કે એક તરફ પોલીસ 17 લાખનો કેસ કરીને ફોટા પડાવી રહી છે, પરંતુ વાસ્તવમાં સુરતમાં હાલમાં જે બ્લેક ઓરાનું સ્કેમ થયું છે તેમા 500 કરોડ કરતા વધારે યુએસડીટીનો ઉપયોગ થયો છે. દરમિયાન સુરતમાં દિવ્યેશ દરજીના કેસમાં કરોડો યુએસડીટીનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત સુરત આખા વિશ્વમાં યુએસડીટીનો સૌથી મોટો ખરીદદાર હોવાનું કહેવાય છે. સુરતમાં એક તરફ આંગડિયાઓ અને ચોક્કસ હવાલા માફિયાઓ રોજના સો કરોડ કરતા વધારે યુએસડીટીનો ધંધો કરી રહ્યા છે, ત્યારે એસઓજીએ કરેલો કેસ હાસ્યાસ્પદ પુરવાર થઇ રહ્યો છે.

પોલીસે શું ધાડ મારી?
સ્પેશિયલ ઓપરેશન ગૃપના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગઢવીને એવી માહિતી મળી હતી કે, સોનીફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝીલમાં રહેતો મકબુલ ડોક્ટર અને તેના પુત્રો ઓનલાઇન ટ્રાવેલ ટિકિટ બુકિંગના ઓથા હેઠળ હવાલાના નાણાં વગે કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે. પોલીસે ખાનગી રાહે ડોક્ટર પિતા-પુત્રની ગતિવિધિ પર વોચ રાખી તેમના ગોરખધંધા અંગે માહિતી મેળવી હતી.

ઠગાઈ, જુગારના નાણાં હવાલાથી મેળવી તેને યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરાતા હોવાનું કન્ફર્મ થતાં પોલીસની ટીમે સિંધીવાડમાં સફિયા મંઝીલમાં દરોડો પાડ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટ બુકિંગની ઓફિસ સાથે ઉપરના માળે રહેણાંકવાળા ઘરે તપાસ કરાઈ હતી. જેમાં મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા નાઝ અબ્દુલ રહીમ નાડા (રહે, મુલ્લા પ્લાઝા, મુઘલસરાઈ, ચોકબજાર)ની ધરપકડ કરી હતી.

શહેરના આંગડિયાઓ કરોડોના યુએસડીટી સરેઆમ આપે છે
સત્તર લાખનો કેસ કરીને વાહવાહી મેળવનાર એસઓજીને ખબર નથી કે સુરતના આંગડિયાઓને તમે રોકડા રૂપિયા આપો તો બે નંબરમાં તમારા ફોનમાં યુએસડીટી જમા થઇ જાય છે. વરાછા અને મહિધરપુરામાં આવા સેંકડો લોકો છે, જે આવો ધંધો કરી રહ્યા છે.

છેલ્લા દાયકાથી આ હવાલા કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. એસઓજી જેવી સંસ્થા સત્તર લાખનો કેસ કરીને શું સાબિત કરવા માંગે છે તે કહેવું અઘરૂ છે. હાલમાં વરાછા, અડાજણ, મહિધરપુરામાં દર ચોથા વ્યક્તિએ પાંચથી દસ લાખના યુએસડીટી ફોનમાં જ હોય છે. આ હવાલા કૌભાંડ વાસ્તવમાં જે લોકો કરી રહ્યા છે તે લોકોને કોઇ પકડી રહ્યું નથી, તેમાં વરાછામાં મોટા માથાઓ કુખ્યાત છે.

સુરતમાં રોજનો લાખ્ખો યુએસડીટીનો ગેરકાયદે વેપલો, સરકારના ટેક્સની ધૂમ ચોરી
યુએસટીડી એટલે કે તમારે ગેમિંગ ઝોનમાં ભાગ લેવો હોય કે પછી ક્રિપ્ટો કરન્સીમાં બાયનાન્સ જેવી કંપનીઓમાં બીટકોઇન કે ઇથેરિયમ, સીબુ જેવી ક્રિપ્ટો કરન્સી ખરીદવી હોય તો તમારે ફરજિયાત યુએસડીટી લેવા પડે છે. આ યુએસડીટીનો ભાવ ડોલરની આસપાસ હોય છે. તમે તે નાણાં આંગડિયામા આપો એટલે તમારો ફોન નંબર લઇને તે તમારી સામે જ યુએસડીટી આપી દેશે.

સુરતમાં રોજના સો કરોડ કરતા વધારે યુએસડીટી વપરાય છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ગોલ્ડ અને સિલ્વર લે વેચની સાઇટમાં પણ સુરતમાં લાખ્ખો યુએસડીટીનો રોજનો વપરાશ છે. આ યુએસડીટી ઇલ્લીગલી છે. તેમાં આઇટી ચોરી કે પછી સરકારની ટેક્સેસન સિસ્ટમને સીધા લેપ્સ કરીને લોકો રોજનો વેપલો કરે છે. તેમાં કરિયાણાના વેપારથી લઇને કાપડ બજારનો દર ચોથો વ્યક્તિ હાલમાં આ ધંધામા પરોવાયો છે. સરકારને એક અંદાજ પ્રમાણે બે લાખ કરોડ કરતા વધારેની કાયદેસર આવક ગુમાવવી પડી રહી છે. આ ઉપરાંત કરોડો રૂપિયા દેશની બહાર ઠલવાઇ રહ્યા છે.

Most Popular

To Top