બેંગ્લુરુઃ ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે બુધવારે તા. 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાવાની હતી પરંતુ વરસાદને કારણે પહેલાં દિવસે રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. પહેલાં દિવસે ટોસ પણ થયો ન હતો. બેંગલુરુમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.
બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચ દરમિયાન તમામ પાંચ દિવસ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે હશે કે જો આ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે તો શું ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે? જવાબ છે, ના. પરંતુ આ મેચ ધોવાઈ ગયા બાદ ભારતીય ટીમ માટે ફાઈનલનો રસ્તો થોડો મુશ્કેલ લાગી શકે છે. વાસ્તવમાં હાલમાં ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં 74.24 ટકા સાથે ટોચ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50 જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે.
ડબલ્યુટીસી ફાઈનલ માટે આ સમીકરણ બનશે
બેંગલુરુ ટેસ્ટ બાદ ભારતીય ટીમે આ WTC સિઝન 2023-25માં વધુ 7 મેચ રમવાની રહેશે. આવી સ્થિતિમાં આ ટેસ્ટ ધોવાઇ ગયા પછી ભારતીય ટીમને તેની બાકીની 7 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો ભારત 4 મેચ જીતશે તો ફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. 3 ટેસ્ટ જીતવાના કિસ્સામાં ભારતે કોઈ અન્ય ટીમની જીત અથવા હાર પર આધાર રાખવો પડી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે તેની આગામી 7 મેચ માત્ર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આમાં, બાકીની એટલે કે વર્તમાન શ્રેણીની છેલ્લી 2 મેચ કિવી ટીમ સામે રમવાની રહેશે. જ્યારે તેના ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.