SURAT

સુરતના રોડ એક્સિડેન્ટનો આ વીડિયો જોશો તો કંપારી છૂટી જશે, સાયકલ ક્રોસ કરતા આધેડને ટ્રકે કચડ્યા

સુરતઃ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક સિગ્નલ, હેલમેટ સહિતના નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવ્યો તેમ છતાં શહેરમાં અકસ્માતો ઘટવાનું નામ લઈ રહ્યાં નથી. માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો રોજ બરોજ રાહદારીઓ અને હલકા વાહનો ચલાવનારાઓને અડફેટે લઈ રહ્યાં છે. આવી જ એક ઘટના શહેરના ઉન રોડ પર બની છે. અહીં એક આધેડનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

  • ઉન પાટિયા પાસે થયો ગમખ્વાર અકસ્માત
  • સાયકલ પર ખમણ વેચવા નીકળેલા આધેડને ટ્રકે ટક્કર મારી
  • આધેડના શરીરના ટૂકડે ટૂકડા થઈ ગયા, લોકોને કંપારી છૂટી ગઈ

પ્રાપ્ત માહિતી અનુસાર ઉન પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં એક આધેડ સાયકલ પર રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે પૂરઝડપે આવી રહેલાં ટ્રકે તેમને અડફેટે લઈ કચડી નાંખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે આધેડના શરીરના રસ્તા પર ટુકડે ટુકડા થઈ ગયા હતા. શરીરના અંગે રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અકસ્માતને નજરે જોનારાઓને કંપારી છૂટી ગઈ હતી.

વધુમાં મળતી માહિતી અનુસાર ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ પર વૃંદાવન ટાઉનશિપમાં રહેતા 65 વર્ષીય પ્રભાકર પંઢેરી મહાડે સવારે સાયકલ પર ખમણ વેચવા માટે નીકળ્યા હતાં. તે સમયે ઉન પાટિયા પાસે સાયકલને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. તે મહારાષ્ટ્રના અકોલાના વતની હતા. તેમને સંતાનોમાં બે પુત્ર છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સાયકલ સવાર પ્રભાકર મહાડે સવારમાં રસ્તો ક્રોસ કરવા જતા હતાં. ત્યારે ટ્રકે પૂરપાટ ઝડપે આવીને આધેડને અડફેટે લઈને 20 ફૂટથી વધુ ઘસડ્યા હતાં. જેથી તેમના શરીરના બે ટુકડા થઈ ગયા હતાં. સાથે જ અકસ્માતનો મોટો અવાજ પણ આવ્યો હતો. અકસ્માતની ટ્રક ચાલકને જાણ થતાં તેણે ટ્રકને બ્રેક મારી હતી. લોકો આસપાસથી ઘસી આવ્યા હતાં. હાલ ભેસ્તાન પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top