Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં વરસાદથી ભારે તારાજી: વૃક્ષો, વીજ પોલ ધરાશાયી, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ

વલસાડ : વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે અનરાધાર વરસાદ અને તેજ પવનને લઈ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી તાલુકામાં વૃક્ષો પડવાના, વીજ થાંભલાઓ પડી જવાના અને ઘરો તૂટી જવાની સંખ્યા બંધ ઘટનાઓ બની હતી. કપરાડા તાલુકામાં વીજ થાંભલાઓ પડી જતા કેટલાક વિસતારોમાં અંધાર પટ છવાઈ ગયો હતો. તો કેટલાય માર્ગો બંધ થયા હતા. નાનાપોંઢા-પારડી વચ્ચે બાલદા નજીક 1 કી.મી.ના વિસ્તારમાં માર્ગ પરના સંખ્યા બંધ વૃક્ષો જડમૂળથી પડી ગયા હતા. મહત્તમ ઘરોને નુકશાન થયું હતું, જેમાં 1 મહિલાને ઇજા પહોંચી હતી. જ્યારે બાઈક વૃક્ષ નીચે દબાયા હતા.

સાપુતારા : ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા નદી, નાળા, વહેળા, કોતરડા અને ઝરણાઓનાં વહેણ તેજ બન્યા છે. સાથે ફરી એકવાર જિલ્લાનાં નાના મોટા જળધોધ સૌંદર્યનાં સરતાજની સાથે ખીલી ઉઠ્યા છે. મંગળવારે સાંજનાં અરસામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ચીખલી, ગલકુંડ, સહીત સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા જાહેરમાર્ગો સહિત આંતરિક માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. મંગળવારે ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ગામડાઓમાં વીજળી ડુલ થઈ હતી. ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં ધોધમાર વરસાદની સાથે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોને વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી. ઉપરાંત ડાંગી ખેડૂતોનાં પાકીને કાપણીનાં આરે આવેલા વિવિધ પાકોને જંગી નુકસાન થયુ હતુ. ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા, વઘઇ અને સુબિર પંથક વરસાદ વિના કોરાકટ નોંધાયા હતા. જ્યારે સાપુતારા પંથકમાં 13 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

ઘેજ : ચીખલી પંથકમાં દિવસભર ઉકળાટ બાદ સાંજના સમયે ઘનઘોર વાદળો છવાવા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતાં. જો કે કેટલાક વિસ્તારોમાં સારો તો કેટલાક વિસ્તારોમાં સામન્ય ઝાપટું બાદ વરસાદ બંધ થઈ ગયો હતો. વરસાદ આ રીતે છેલ્લા છએક દિવસથી આવતો હોય ડાંગરનો તૈયાર પાક બચાવવા માટે ખેડૂતોએ મથામણ કરવાની નોબત આવી છે. તૈયાર પાકની કાપણી તો થઈ શકી ન હતી. કે કાપેલો પાક સૂકવી શકાતો નથી ત્યારે મેઘરાજા હવે ક્યારે વિદાય લે તેની રાહ જોવા સિવાય કોઈ છૂટકો નથી. ઘણીવાર આગમનની રાહ જોવડાવતો મેઘો આ વખતે વિદાયની રાહ જોવડાવી રહ્યો છે.

કપરાડામાં 3.5 ઇંચ, વાપી-વલસાડમાં વરસાદથી જિલ્લો તરબોળ થઇ ગયો
વલસાડ : વલસાડમાં નવરાત્રી ગઇ અને દિવાળી આવી રહી છે, તેમ છતાં વરસાદ અટકવાનું નામ લેતો નથી. સોમ અને મંગળવારે બપોર સુધીમાં ભારે ગરમી બાદ મંગળવારે સાંજે વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડમાં એક જ દિવસમાં ઉનાળો, ચોમાસુ અને શિયાળાની મોસમની અનુભૂતિ થઇ હતી. મંગળવારે સવારથી કાળઝાળ ગરમી જોવા મળી હતી, ત્યારબાદ બપોરે 4 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઇ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને વરસાદ બાદ ઠંડા પવનો ચાલતા શિયાળાની અનુભૂતિ પણ લોકોને થઇ હતી.
વલસાડમાં મંગળવારે સાંજે 4 થી 6 દરમિયાન સૌથી વધુ કપરાડામાં 89 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વાપીમાં 19 મીમી, વલસાડમાં 12 મીમી, પારડીમાં 6 મીમી, ધરમપુરમાં 5 મીમી અને ઉમરગામમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. જેને લઇ સમગ્ર જિલ્લો ફરીથી પાણીથી તરબોળ થઇ ગયો હતો. જોકે, ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુ. વલસાડમાં આ વરસાદના કારણે કોઇ ખાસ મોટી નુકશાની નહી થઇ હોવાનું ખેતીવાડી વિભાગમાંથી જાણવા મળ્યું હતુ.

બિસ્માર રસ્તા રિપેરનું કાર્ય ફરીથી ખોરંભે
વલસાડમાં નવરાત્રીના અંતિમ દિવસોથી શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ લેતો નથી. એક બે દિવસના અંતરે બપોર પછી વરસાદ વરસી પડે છે. જેના કારણે માર્ગ મકાન વિભાગની હાલત કફોડી બની ગઇ છે. તેમના દ્વારા અનેક બિસ્માર માર્ગો રિપેર કરવાનું કાર્ય શરૂ કરાયું હતુ. જોકે, માર્ગ બનાવે એ પહેલાં જ વરસાદ તૂટી પડતાં તેમનું કાર્ય ખોરંભે પડી રહ્યું છે. તેમણે પૂરેલા ખાડા પણ ફરીથી ઉખડી રહ્યા છે. આજે પણ માર્ગ મકાન વિભાગ દ્વારા તડકો જોઇ તિથલ રોડ ચાર રસ્તાનું ખોદકામ કરી અહીં રિકાર્પેટીંગ કરવાની કામગીરી આરંભી હતી, પરંતુ વરસાદ પડતાં આ કામ પણ ખોરંભે પડ્યું હતું.

પારડીમાં વીજળીના કડાકા સાથે વરસાદ, બાલદામાં ઘરોના 30 પતરાં ઉડ્યા
પારડી : પારડીમાં મંગળવારે બપોર બાદ અચાનક કાળા ડીબાંગ વાદળો અને પવનના સુસવાટા સાથે વાવાઝોડાની જેમ ભારે વરસાદ પડ્યો હતો. 15 થી 20 મિનિટ જેટલો વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદને કારણે બાલદામાં ભારે નુકસાન સર્જાયું છે. પારડીના બાલદાથી પસાર થતાં નાસિક નેશનલ હાઇવે ઉપર અનેક નાના-મોટા વૃક્ષો પવન સાથે પડેલા વરસાદને કારણે ધરસાયી થયા હતા. જેના કારણે વાહન વ્યવહાર બંધ થતા વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. આ સાથે ઘરની દિવાલ તેમજ 30 જેટલા પતરાં ઉપર ઝાડ પડતા અનેક પરિવારોને નુકસાન વેઠવું પડ્યું હતું. બાલદા પંચાયતથી અવન્તિ કંપની સુધી આવેલા ઘરો, વૃક્ષોને નુકશાન થયું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ બાલદાના સરપંચ રાહુલ પટેલે ટીડીઓ વિશાલ પટેલ, પોલીસ, વન વિભાગ, જીઈબી, તલાટી, હાઈવેના અધિકારીઓને કરતા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે પારડી gidcની કોલેટી ગિયર કંપનીમાં વીજળી અને પવન સાથે ઝાડ ધરાશાયી થતા પતરાં તૂટી પડતાં મશીનરીને નુકશાન થયું હતું. બાલદામાં જતીન દેસાઈને ત્યાં ઘરના ઉપર લગાવેલી સોલાર પેનલ પ્લેટ તૂટી પડી હતી. પારડીમાં પંથકમાં પડી રહેલા અચાનક વરસાદને કારણે ખેડૂતો અને લોકો ચિંતામાં મુકાયા છે. પારડીમાં કલાકો સુધી વીજળી ડૂલ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. રોજ સાંજના સમયે વીજળી ડૂલ થતા લોકોએ જીઇબી તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

વાપીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી જ્યાં-ત્યાં પાણી જ પાણી
વાપી : વાપીમાં સોમવારે દિવસભર વાતાવરણ ખુલ્લુ રહ્યું હતું અને તાપમાનમાં પણ વધ-ઘટ થઈ હતી. ક્યારેક વાદળછાયું વાતાવરણ સર્જાતું હતું. જો કે, વરસાદ નહીંવત રહ્યો હતો. જ્યારે મંગળવારે સવારે પણ સૂર્ય નારાયણનો પ્રકોપ જોવા મળ્યો હતો. ગરમીને લઈ લોકો પરેશાન પણ બન્યા હતાં. રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. જે બાદ બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદી માહોલ જામતા માર્ગો ઉપર જ્યાં-ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. વરસાદી માહોલને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વરસાદી માહોલને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Most Popular

To Top