Columns

બંધારણની ૧૪૭મી કલમ આપણી સ્વતંત્રતા પર તરાપ મારનારી છે

ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનો સંકલ્પ કર્યો છે.’’ ભારતના બંધારણમાં ભારતની ઓળખ સ્વતંત્ર દેશ તરીકે નથી કરવામાં આવી તે કોઇ સરતચૂક નથી, પણ બ્રિટીશરો દ્વારા કરવામાં આવેલી યોજનાનો ભાગ છે.

ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું તે બ્રિટીશરોના પ્રભાવ હેઠળ જ ઘડવામાં આવ્યું હતું, માટે તેમાં ભારતની સ્વતંત્રતાને હાનિ પહોંચાડે તેવી કલમો જાણી જોઇને સામેલ કરવામાં આવી હતી. ૧૪૭ મી કલમ પણ તેમાંની એક છે.

ભારતના બંધારણની ૧૨૯ થી ૧૪૭ કલમોમાં સુપ્રિમ કોર્ટની સત્તાની તથા તેની મર્યાદાની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં પણ ૧૪૭ મી કલમ દ્વારા સુપ્રિમ કોર્ટની સત્તા પર એવી મર્યાદા મૂકવામાં આવી છે કે સુપ્રિમ કોર્ટના જજોની સ્વતંત્રપણે ન્યાય કરવાની ક્ષમતા ખતમ થઇ જાય.

“Interpretation In this Chapter and in Chapter V of Part VI references to any substantial question of law as to the interpretation of this Constitution shall be construed as including references to any substantial question of law as to the interpretation of the Government of India Act, 1935 (including any enactment amending or supplementing that Act), or of any Order in Council or order made thereunder, or of the Indian Independence Act, 1947 , or of any order made thereunder.’’

આ અત્યંત જટિલ અંગ્રેજી ભાષામાં લખવામાં આવેલી કલમનો સાદો અર્થ થાય છે કે ‘‘બંધારણના આ પ્રકરણમાં તેમ જ  છઠ્ઠા ભાગના પાંચમા પ્રકરણમાં કાયદાના અર્થઘટન બાબતમાં કોઇ વિવાદ પેદા થાય તો તેનું અર્થઘટન ૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (તે કાયદામાં કરવામાં આવેલા કોઇ પણ સુધારાવધારા સહિત) કે પ્રિવી કાઉન્સિલના ચુકાદા મુજબ અથવા તે ચુકાદા મુજબ કરવામાં આવેલા કોઇ પણ આદેશ મુજબ, કે ૧૯૪૭ના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ મુજબ કે તેના હેઠળ કરવામાં આવેલા કોઇ પણ આદેશ મુજબ કરવાનું રહેશે.’’

ઇ.સ.૧૯૫૦ ની ૨૬ મી જાન્યુઆરીના રોજ ભારતનું નવું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટને તથા ૧૯૪૭ ના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટને રદ્દ કરવામાં આવ્યા હતા, તો પણ ૧૪૭મી કલમ દ્વારા ભારતની સરકાર તેમ જ સુપ્રિમ કોર્ટ પર તેની સત્તા કાયમ રાખવામાં આવી છે.

યાદ રહે કે બ્રિટીશ સંસદ દ્વારા ૧૯૩૫ ના અને ૧૯૪૭ ના કાયદાઓને રદ્દ કરવામાં આવ્યા નથી. તે ભવિષ્યમાં આ કાયદાઓમાં કોઇ પણ સુધારાવધારા કરી શકે છે કે તેના હેઠળ કોઇ પણ આદેશ પણ બહાર પાડી શકે છે. ૧૪૭ મી કલમ હેઠળ ભારતની સુપ્રિમ કોર્ટ આવા કોઇ પણ આદેશને સ્વીકારવા માટે બાધ્ય છે.

વળી લંડનની પ્રિવી કાઉન્સિલ ભારત બાબતમાં કોઇ ચુકાદો આપે તો તેને સ્વીકારવા માટે પણ ભારતની સુપ્રિમ કોર્ટ બાધ્ય છે. આ રીતે ૧૪૭ મી કલમ દ્વારા ભારતની સ્વતંત્રતા ઝૂંટવી લેવાની સત્તા બ્રિટીશરોએ પોતાના હાથમાં રાખી છે. જાણીને નવાઇ લાગશે, પણ સર્વોચ્ચ અદાલત પણ આ હકીકતનો સ્વીકાર કરે છે. ઇ.સ.૧૯૫૮ માં સુપ્રિમ કોર્ટે સુંદરામીર કંપનીના કેસમાં ચુકાદો આપતાં ચોંકાવનારું વિધાન કર્યું હતું કે બંધારણની બધી કલમોનું વાંચન ઇ.સ.૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સંદર્ભમાં જ થવું જોઇએ.

ભારતની બંધારણ સભા દ્વારા જે ફાઇનલ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેમાં કુલ ૩૧૫ કલમો હતી. ડો.બાબાસાહેબ આંબેડકરની જ કબૂલાત મુજબ તેમાંની ૨૪૦ કલમો ઇ.સ.૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી લેવામાં આવી હતી. બીજા શબ્દોમાં ૭૫ ટકા કલમો બ્રિટીશ સરકારે ભારતને ગુલામ રાખવા માટે ઇ.સ.૧૯૩૫ માં ઘડેલા બંધારણની નકલ જેવી હતી.

ભારતનું બંધારણ ઘડવા માટેની સમિતિના વડા બાબાસાહેબ આંબેડકર કેવી રીતે અધ્યક્ષ બન્યા? તે પણ જાણવા જેવી કથા છે. ભારતનું બંધારણ બનવાની પ્રક્રિયા તો ઇ.સ.૧૯૪૬ ના ડિસેમ્બરમાં ચાલુ થઇ ગઇ હતી. ઇ.સ.૧૯૪૭ ના જાન્યુઆરીમાં બંધારણનો મુસદ્દો ઘડવાનો પ્રારંભ થઇ ગયો હતો. મુસદ્દો ઘડવાનું કામ સર બી.એન. રાવને સોંપવામાં આવ્યું હતું, જેઓ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા.

તેમણે બંધારણ સભાના જોઇન્ટ સેક્રેટરી એસ.એન. મુકરજીની સહાય લઇને કાચો મુસદ્દો તૈયાર કરી રાખ્યો હતો. ત્યાર બાદ ઇ.સ.૧૯૪૭ ની તા. ૨૯ ઓગસ્ટે બંધારણ ઘડવા માટેની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની રચના કરવા માટે બંધારણ સભા દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તેમાં જ લખવામાં આવ્યું હતું કે, તેનું કામ બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દાનું વિશ્લેષણ કરીને તેને આખરી ઓપ આપવાનું છે.

આ હકીકત પરથી ખ્યાલ આવે છે કે જ્યારે બંધારણ ઘડવા માટેની સમિતિની જવાબદારી ડો. આંબેડકરને સોંપવામાં આવી ત્યારે બંધારણનો કાચો મુસદ્દો તો તૈયાર હતો. સર બી.એન. રાવ દ્વારા બંધારણનો જે કાચો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેમાં ૧૩ પરિશિષ્ટો હતાં અને ૨૪૦ કલમો હતી. તેમાંની મોટા ભાગની કલમો ઇ.સ.૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી લેવામાં આવી હતી, જેની રચના બ્રિટીશ સંસદ દ્વારા ભારતને ગુલામ રાખવા માટે કરવામાં આવી હતી.

બાકીની કેટલીક કલમો અમેરિકા, રશિયા, કેનેડા, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના બંધારણમાંથી કોપી કરવામાં આવી હતી. બંધારણ સભાની વિવિધ સમિતિઓ દ્વારા આ મૂળભૂત મુસદ્દા પર જ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં કેટલીક કલમો ઉમેરવામાં આવી હતી, કેટલીક સુધારવામાં આવી હતી તો કેટલીક પડતી મૂકવામાં આવી હતી.

ઇ.સ.૧૯૪૮ ની તા. ૪ નવેમ્બરે બંધારણ સભા સમક્ષ ફાઇનલ મુસદ્દો મૂકતી વખતે ડો. આંબેડકરે જે કહ્યું તે બહુ સૂચક છે : ‘‘એમ કહેવાય છે કે આ બંધારણમાં કાંઇ નવું નથી. તેમાંનો અડધો ભાગ ૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કોપી કરવામાં આવ્યો છે અને બાકીના ભાગો બીજા દેશોના બંધારણમાંથી ઉછીના લેવામાં આવ્યા છે. બંધારણમાં બહુ ઓછું મૌલિક છે.’’

ભારતના બંધારણમાં જે ૩૧ મી કલમ હતી તે સંપત્તિ ધરાવવાના મૂળભૂત અધિકારને લગતી હતી. આ કલમ ઇ.સ.૧૯૩૫ ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની ૨૯૯ મી કલમના આધારે ઘડવામાં આવી હતી. ૨૯૯ મી કલમમાં લખવામાં આવ્યું હતું કે પ્રજાની કોઇ સંપત્તિ જાહેર હેતુ સિવાય સંપાદિત કરી શકાય નહીં અને તેના માટે વળતર આપવું અનિવાર્ય છે. બંધારણની ૩૧ મી કલમ અમલમાં આવી ગઇ તે પછી ઇ.સ.૧૯૫૨ માં સુપ્રિમ કોર્ટે તે મુજબ બે ચુકાદાઓ આપ્યા ત્યારે સરકારને લાગ્યું કે ૩૧ મી કલમનો મુસદ્દો તૈયાર કરવામાં કેટલીક ગંભીર ભૂલો રહી ગઇ છે.

સરકારે સુપ્રિમ કોર્ટના ચુકાદાને ઊલટાવવા માટે બંધારણમાં સુધારો કરાવ્યો અને નવમા શેડ્યુલની રચના કરવામાં આવી. તેમાં લખવામાં આવ્યું કે જમીનદારી નાબૂદી બાબતના જે કાયદા સંસદ દ્વારા ઘડવામાં આવે તેમાં ન્યાયપાલિકાની કોઇ સત્તા ચાલશે નહીં. હકીકતમાં આ કાયદા બંધારણની ૩૧ મી કલમનો ભંગ કરનારા હતા, માટે બંધારણ સુધારવામાં આવ્યું હતું.

જ્યારે ૩૧ મી કલમની યોગ્યતા બાબતમાં સંસદમાં ચર્ચા નીકળી ત્યારે ઇ.સ.૧૯૫૫ ની તા. ૧૯ માર્ચે તેમણે સંસદને જણાવ્યું હતું કે, ૩૧ મી કલમમાં જે ખામીઓ છે, તેના માટે હું જવાબદાર નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top