National

મહારાષ્ટ્રમાં 20 અને ઝારખંડમાં 13 નવેમ્બરે થશે વિધાનસભા ચૂંટણી, 23 નવેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓનું પરિણામ 23 નવેમ્બરે આવશે.

ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે 48 વિધાનસભા અને 2 સંસદીય મતવિસ્તારની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પણ બે તબક્કામાં પેટાચૂંટણી યોજાશે. 47 વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 13 નવેમ્બરે મતદાન થશે. એક વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદારો હશે. અહીં 5 કરોડ પુરૂષ મતદારો છે. અહીં એક લાખ પોલિંગ બૂથ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ 960 મતદારો હશે. મુંબઈમાં પોલિંગ બૂથ વધારવામાં આવ્યા છે. રાજીવે જણાવ્યું કે ઝારખંડમાં 2 કરોડ 60 લાખ મતદારો છે. અહીં 1 કરોડ 31 લાખ પુરૂષ અને 1 કરોડ 29 લાખ મહિલા મતદારો છે. ઝારખંડમાં 29 હજાર 562 બૂથ પર મતદાન થશે. ઝારખંડમાં દરેક બૂથ પર 881 મતદારો હશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકો
મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી.

ઝારખંડમાં વિધાનસભાની બેઠકો
ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. છેલ્લી ચૂંટણીઓમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) 30 બેઠકો જીતી હતી અને ભાજપે 25 બેઠકો જીતી હતી, જ્યારે 26 બેઠકો અન્ય પક્ષોને ફાળે ગઈ હતી. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.

યુપીની નવ વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે
આજે ચૂંટણી પંચે યુપી પેટાચૂંટણીને લઈને તારીખની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કોર્ટમાં દાખલ અરજીને કારણે મિલ્કીપુરમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. યુપીની સાથે પંજાબ પેટાચૂંટણી અને મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
કરહાલ (મૈનપુરી), સિસમાઉ (કાનપુર), કટેહારી (આંબેડકરનગર), કુંદરકી (મુરાદાબાદ), ખૈર (અલીગઢ), ગાઝિયાબાદ, ફુલપુર (પ્રયાગરાજ), મઝવા (મિર્ઝાપુર) અને મીરાપુર (મુઝફ્ફરનગર)માં પેટાચૂંટણી યોજાશે. સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને દોષિત ઠેરવવાને કારણે સિસમાઈ બેઠક ખાલી થઈ છે જ્યારે 9 ધારાસભ્યો લોકસભાના સભ્ય બન્યા છે.

Most Popular

To Top