Dakshin Gujarat Main

ગુજરાતના આ શહેરમાં ડ્રગ્સનું ઉત્પાદન, દિલ્હી-મુંબઈની રેવ પાર્ટીઓમાં સપ્લાય થતું, દુબઈ-બ્રિટન કનેક્શન ખુલ્યાં

ભરૂચ: દિલ્હી પોલીસે ડ્રગ્સ (કોકેઈન) બનાવી સપ્લાય કરતી અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી રૂ.5000 કરોડનુ ત્રીજું કંસાઈમેન્ટ GPSની મદદથી પકડી પાડ્યું છે. દિલ્હી પોલીસે છેલ્લા 13 દિવસમાં ડ્રગ્સનું ત્રીજું મોટું કન્સાઈનમેન્ટ રિકવર કર્યું છે. ત્રણેય કન્સાઈનમેન્ટ એક જ સિન્ડિકેટના હોવાનું કહેવાય છે.

  • 5000 કરોડનું ડ્રગ્સનું ત્રીજું કન્સાઈન્ટમેન્ટ ઝડપાયું તે અંકલેશ્વરની કંપનીના ઈન્ટરનેશનલ કનેક્શન
  • કંપનીના 3 ડિરેક્ટર અને 2 કેમિસ્ટને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયાં
  • ગેંગ દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોમાં કોન્સર્ટ અને રેવ પાર્ટીઓમાં મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી
  • કોકેઇનના સપ્લાય માટે વપરાતા વાહનમાં ફિટ કરાયેલા GPSએ જ ગુજરાત કનેક્શનનું રહસ્ય ખોલ્યું

પોલીસે અત્યાર સુધીમાં જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત 13000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસ આ સિન્ડિકેટના વધુ ઘણાં સ્થળો પર ચાંપતી નજર રાખી રહી છે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસ દેશના અન્ય ઘણાં રાજ્યોમાં દરોડા પાડી શકે એવી સંભાવના દેખાઈ રહી છે અને આ ડ્રગ્સ સિન્ડિકેટના દાણચોરો સામે કાર્યવાહી કરી શકે છે.

જ્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાં અટકાયતમાં લેવાયેલા એક વ્યક્તિએ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને એક વાહનનો નંબર આપ્યો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ નંબરવાળું વાહન દિલ્હીમાં કોકેઈન લાવવાનું હતું.

પોલીસે વાહનના નંબરની તપાસ કરતાં વાહનમાં GPS ફીટ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જીપીએસની મદદથી રમેશ નગરમાં આવેલી દુકાનનું લોકેશન જાણવા મળ્યું હતું. જ્યાં આ સિન્ડિકેટનું બીજું મોટું કન્સાઈનમેન્ટ છુપાવવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસને ગુજરાત સ્થિત એક ખાનગી કંપનીની માહિતી મળી હતી.

આ કંપની દિલ્હી સહિત દેશભરમાં દવાઓ મોકલતી હતી. ગુજરાત પોલીસ સાથે માહિતી શેર કર્યા બાદ પોલીસે ત્રીજું મોટું કન્સાઈનમેન્ટ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી રિકવર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની આવકાર કંપની વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી, જેની પેઈડ કેપિટલ માત્ર રૂ.2.50 કરોડ છે. કંપનીના ત્રણ ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેસાણીયાએ વર્ષ 2022માં BRK LIFE SCIENCE LLP નામે બીજી કંપની પણ શરૂ કરી દીધી છે. હાલ ધરપકડ કરાયેલા ત્રણ ડિરેક્ટર અને બે કેમિસ્ટને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી પાંચેય આરોપીઓને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે.

ડ્રગ સિન્ડિકેટના દુબઈ અને બ્રિટન સાથે સંબંધો હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં માલુમ પડી રહ્યું છે. આ ગેંગ દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોમાં કોન્સર્ટ અને રેવ પાર્ટીઓમાં મોટી માત્રામાં ડ્રગ્સ વેચવામાં સામેલ હતી. સ્પેશિયલ સેલની તપાસમાં દુબઈના એક મોટા બિઝનેસમેનનું નામ સામે આવ્યું છે, જે કોકેઈનનો સૌથી મોટો સપ્લાયર હોવાનું કહેવાય છે.

Most Popular

To Top