સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાથી 19 કિલોમીટરના અંતરે આવેલું અને દાંડી યાત્રાનું સાક્ષી પૂરતું ગામ એટલે ઉમરાછી. 28 માર્ચ-1930ના રોજ ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન રાત્રિ રોકાણ કર્યું હતું. તે સમયે રાત્રિ રોકાણ વખતે ગામજનો દ્વારા ગાંધીજી સહિતના 80 જેટલા લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1930માં ભરૂચ જિલ્લામાંથી સુરત જિલ્લાના પહેલા ગામમાં આવવા માટે કીમ નદી પર વેડછી આશ્રમના સાધકો, અરુણ ટુકડીના સભ્યો, ઓલપાડ તાલુકાના કાર્યકર્તાઓને ઉમરાછી ગામના લોકોએ મળી કીમ નદી પર વાસના તારપાનો કળાત્મક પુલ બનાવી ગાંધીજી સહિતના તમામ દાંડીયાત્રીઓને પ્રવેશ કરાવ્યો હતો. ઉમરાછીમાં મીઠુબહેન પીટીટ, ડો.સુમંત કાનજીભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ, જુગતરામભાઇ અને ભજનિક ઉમેદરામે ગાંધીજી સહિત તમામ યાત્રી લોકોનો ભાવપૂર્વક સૌનું સ્વાગત કર્યું હતું. ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લા સ્થિત ઓલપાડ તાલુકાનું છેવાડાનું અને ભરૂચ જિલ્લાથી સુરત જિલ્લામાં પ્રવેશનું મુખ્ય પ્રવેશદ્વાર અને દાંડી કૂચની સાક્ષી પૂરતું ઉમરાછી ગામ એક આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું ખોબા જેટલું નાનું ગામ છે. રાજપૂત, આહીર, કોળી પટેલ સહિત હળપતિ સમાજની વસતી ધરાવતા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. ડાંગર, શાકભાજી અને શેરડી જેવાં ખેત ઉત્પાદનો સાથે સંકળાયેલા ગ્રામીણ જનજીવનમાં એકતા, સંપ, સહયોગ અને ધર્મ ભાવનાનું મધુર પંચામૃત જણાય આવે છે. પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધડેરી તથા મંદિરોથી શોભતા ગામનું આગવું મહત્ત્વ પણ નોંધનીય રહ્યું છે. વર્ષ-1930માં મહાત્મા ગાંધીજી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સત્યાગ્રહ પદયાત્રા શરૂ કરવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રવેશનો ઉંબરો બનેલા ઉમરાછી ગામમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. કીમ નદીના ખળખળ વહેતા નીરના તટ પ્રદેશમાં વસેલા આ નાનકડા ગામમાં અનેક વર્ષો સુધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જો કે, આજે ક્રમશ: વિકાસ તરફ આગેકૂચ કરવા આ ગામ થનગની રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુખ્ય મથકથી 19 કિ.મી.ના અંતરે આ ગામ વસેલું છે. ઉમરાછી માત્ર 538 હેક્ટર જમીનમાં ફેલાયેલું ખોબા જેવડું ગામ છે. નાના પરિઘમાં જુદાં જુદાં ચાર ફળિયાં અને બે હળપતિવાસમાં રહેતા પરિવારોમાં મુખ્યત્વે રાજપૂત, કોળી પટેલ, આહીર તથા હળપતિ સમાજના અંદાજિત 991 જેટલા લોકો રહે છે. સામાજિક સમરસતા, એકતા, એકરાગિતાના સમૂહમાં મુખ્યત્વે ખેતી, પશુપાલન અને ખેતમજૂરી મુખ્ય વ્યવસાય બની રહ્યો છે. ડાંગર, શાકભાજી અને શેરડીનું ઉત્પાદન જીવનનિર્વાહનું મુખ્ય અંગ જણાય આવે છે. ગામનું યુવાધન પણ આજે ખેતી સાથે આસપાસનાં ઓદ્યોગિક એકમોમાં નોકરી કરી આર્થિક જીવાદોરીનો ભાર સંભાળી રહ્યું છે. એક સમયની કપરી કૌટુંબિક પરિસ્થિતિમાં ગામના યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગુલામ ભારતમાં અંગ્રેજના શાસન, દમન, જુલમ વગેરે સામેની લડતમાં એક નાનો હિસ્સો બની ઉમરાછી ખ્યાતિ પામ્યું હતું. વિવિધ સમસ્યાઓનો સામનો કરતા આવેલા આ ગામની સૌથી મોટી સમસ્યા વરસાદી પૂરની છે. પ્રત્યેક ચોમાસે પૂરપ્રકોપ આવતાં ગામની ચોતરફ પાણી ફરી વળતાં નાનું ગામ બેટમાં ફેરવાઈ જતું હોય છે.
પેટાળમાં ખારા પાણીની સમસ્યા
ગ્રામજનોની એકતા, સમજૂતી અને એકમેકની પડખે ઊભા રહેવાની ભાવના સાથે સમસ્યાનો સામનો કરવાની સૂઝબૂઝ ઉમરાછી ગામના વતનીઓ પાસે શીખવી જરૂરી રહી છે. વર્ષો સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ઉમરાછીમાં આજે પણ નહેર યોજના ભલે હોય પરંતુ મોટા ભાગે પાણીના અભાવે નહેર સુકાઈને ઉકરડામાં ફેરવાતી દેખાય આવે છે. આજે પણ સ્થાનિક ખેડૂતો માટે પાણી પ્રાણપ્રશ્ન જણાયો છે. બીજી તરફ ગામમાં પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર જણાય આવે છે. ખારા પાણીના કારણે ગામમાં બે કૂવા અને એક મીઠા બોરના પાણીથી જ આખા ગામે ઘર વપરાશ તેમજ પીવાના પાણીનો ઉપયોગ કરવો પડે છે. જો કે, સરકારી યોજનાનો લાભ મળતા આજે એક મોટા સંપ અને પાણીની બે ટાંકી દ્વારા લોકોને પાણીની સુવિધા પૂરી પડાય છે. પેટાળમાં ખારા પાણીની સમસ્યા એટલી બધી રહી છે કે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલા બે હેન્ડપમ્પમાં પણ માત્ર એક જ ઉપયોગમાં લઇ શકાય છે. પાણીની સમસ્યાના નિરાકરણ માટે વરિયાવથી પાઈપલાઈન દ્વારા પુરવઠો પૂરો પાડવાનું આયોજન છે, પરંતુ અનિયમિત પુરવઠાના કારણે વારંવાર હાલાકી યથાવત જણાઈ આવે છે. અનેક રજૂઆતો છતાં અવાજ બૂમરેંગ થતો હોય તેમ ખેડૂતો પાણીના પ્રશ્નના નિરાકરણની રાહ જોઈ રહ્યા છે. પ્રત્યેક ચોમાસામાં પાણીના ભરવાના કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જાય છે. આ સંજોગોમાં દવાખાના કે હોસ્પિટલની સુવિધા વગરના ગામમાં બીમારીના સમયે હાલત કફોડી જણાઈ છે.
સામાજિક તેમજ સહકારી ક્ષેત્રે દબદબો
સમાજ અને બાહ્ય દુનિયા સાથે કદમ મેળવતા ઉમરાછીમાં અનેક પ્રતિભાળો સામાજિક, સહકારી અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયા છે. વડીલ અમરસિંહ પ્રભાતસિંહ બારડ, નારીશક્તિનું પ્રતીક ગણાતાં કુસુમબેન દોલતસિંહ રાવલજી ધી બોલાવ ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. ખાતે કમિટી સભ્ય તરીકે સેવા બજાવી રહ્યાં છે. સામાજિક અગ્રણી અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા નરેન્દ્રસિંહ ગેમલસિંહ રાણા ધી મુળદ કો. ઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ ખાતે પ્રમુખ તરીકે સેવા આવી રહ્યા છે. યુવા નેતૃત્વસમાન જયદીપસિંહ પ્રદીપસિંહ બારડ ઉમરાછી પિયત મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
ગામ પંચાયતનું સુકાન મહિલા સરપંચ જીજ્ઞાશાબેન રાકેશસિંહ સોલંકીના હાથમાં છે
ગામ પંચાયતનું સુકાન પણ એક મહિલાના હસ્તક છે. જિજ્ઞાશાબેન રાકેશસિંહ સોલંકી (ઉં.વ.47)એ ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાનું ઘર, ખેતી, પરિવાર સંભાળી ઉમરાછી ગામના વિકાસ માટે સતત કાર્યરત રહે છે. જીજ્ઞાશાબેનના પતિનું 10 મહિના પહેલાં જ બ્રેઈન સ્ટોકની બીમારીથી મૃત્ય થયું હતું. સમાજ સેવાની ઝંખના તેમની વારસાગત મૂડી જણાતા તેમના દાદા ગણપતસિંહ સોલંકી પણ આઝાદી બાદ સરપંચ રહી ગામની સેવા કરી ચૂક્યા છે. ગણપતસિંહ દાદાનાં કાર્યોની મહેક આજે પણ પ્રસરતી હોય તેમ તેમના દ્વારા નિર્માણ કરાયેલાં બે તળાવો અને 50 હજાર લીટરની પાણીની ટાંકી આજે પણ ભવ્ય ભૂતકાળની યાદો તરોતાજા રાખી રહી છે. જીજ્ઞાશાબેનના પતિના મૃત્યુ બાદ હવે એમના પર પોતાના પરિવાર તેમજ ગામની સેવાની જવાબદારી છે. જે એ પોતે એકલા હાથે બખૂબી નિભાવી રહ્યાં છે.
ગામના લોકો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે
ખેતીના વ્યવસાય સાથે પશુપાલન પ્રવૃત્તિને પણ વેગ મળતાં ગામમા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પણ સ્થપાઈ છે. આ મંડળીમાં 100થી 150 લીટર સરેરાશ દૂધ રોજ ટકારમા ડેરીમાં જાય છે અને ત્યાંથી એ બધું દૂધ ભેગું કરી સુરત સુમુલ ખાતે જમા કરાવાય છે. મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા જનજીવનમાં ખેડૂતોને પણ પાણીની સમસ્યા કીમ નદી જ રહી છે. નહેરમાં પૂરતું પાણી આવતું નથી અને ચોમાસામાં પૂર આવતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉચ્ચ કક્ષા સુધીની અવારનવારની રજૂઆતો પણ નિષ્ફ્ળ રહેતાં આજે ઉમરાછીના ખેડૂતો સમસ્યાના સમાધાન માટે વલખા મારી રહ્યા છે.