તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે. એ પ્રમાણેનું આચરણ ખરેખર કરવામાં આવે તો આચરણ કરનાર વ્યક્તિ સુખી થાય.
આ વાતને એક જ વાક્યમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે જે વ્યક્તિની જરૂરિયાત સૌથી ઓછી તે વ્યક્તિ અત્યંત સુખી. જિંદગીમાં તમને જેટલું જરૂરી છે તેટલું મળી રહે તેમાં જે વ્યક્તિ સંતોષનો અનુભવ કરતી હોય તે સુખીમાં સુખી વ્યક્તિ. આજે દરેકને અમીર બનવું છે. પૈસો મારો પરમેશ્વર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે પણ ખરેખર મોટા ભાગના દુઃખોનું કારણ જ પૈસો છે. બધાને દુનિયા સાથે બાથ ભીડવી છે, પણ ઉપર જણાવ્યું તેમ જેટલું જરૂરી છે તેટલું મળી રહે તેમાં જે વ્યક્તિ સંતોષનો અનુભવ કરતી હોય, બીજા કશાની જેને ખેવના ન હોય તે વ્યક્તિ જ સુખી કહેવાય. તેવી વ્યક્તિઓ જરૂર જેટલી વસ્તુ મળી રહે તેને જ સાચું સુખ સમજે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.