Comments

ફાફડા જલેબીના છૂટાછેડા થાય તો..?

ધમ્માલ મચી જાય બોસ..! દશેરાના દિવસે જ ઘોડું ખોડું થઇ જાય..! એવું માનવું નહિ કે, છૂટાછેડાના મામલા પતિ-પત્ની વચ્ચે જ આવે. કોઈ પણ પ્રકારની બબાલને સારા ચોઘડિયાની જરૂર પડતી નથી, માટે ગમે તેને આવે. ફાવટ આવે ત્યાં સુધી ઝીંગાલાલા, નહિ તો પછી, “તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા..!”ફાવ્યું તો ફુદરડી નહિ તો ઉકરડી..! ખુશ નહિ તો ફૂઉઉઉસ..! આ તો ચમનિયાના મગજને તોફાની મસ્તી ચઢી કે, ફાફડા-જલેબી, દાળ-ઢોકળી કે રગડા-પેટીસ જેવી વિખ્યાત જોડીમાં જો છૂટાછેડાની નોબત આવે તો અખિલ ગુજરાતની સ્વાદપ્રિય જનતાનું શું થાય..? વાત પાયા વગરની છે. પણ ગતકડાને ક્યાં પાયાની જરૂર પડે છે..?

તમને પણ થશે કે, દશેરામાં ગલગોટા સૂંઘવાને બદલે, રમેશિયો, આજે અવળાં તીર કેમ ફેંકે છે..? ભૈઈઈઈ.. ફાફડા-જલેબી અમારું દશેરાનું ઘરેણું છે. ફાફડા-જલેબીને લીધે તો દશેરો પ્રસન્ન થાય ને કોઠો પણ સાફ આવે. મોઢામાં ફર્નીચર હોય કે ના હોય, ફાફડા-જલેબી એક એવી માયા છે કે, એના દર્શન વગર દશેરો ઝામે જ નહિ. એના છૂટાછેડાની અફવા સહન કેમ થાય..? ..! ફાફડા-જલેબીનો ગૃહ પ્રવેશ નહિ થાય, ત્યાં સુધી રાવણદહનની તો ફીલિંગ પણ નહિ આવે. પહેલાં ફાફડા-જલેબી ઉલાળે, પછી જ ઠાકુરજીનાં દર્શન કરે, એવા પણ છે..!

ફાફડા-જલેબીની જોડી વર્ષોથી રાજ કરે છે. આદિકાળથી અખંડ..! રાવણસંહિતામાં ફાફડા જલેબીનું માહાત્મ્ય છે કે નહિ, એની ખબર નથી, પણ રાવણના નાનાજી તરીકે કહું તો લંકામાં ફાફડા-જલેબીની કોઈ દુકાન નહિ હતી..! નવરાત્રીનો છેલ્લો ગરબો પૂરો થાય એટલે, ફાફડા-જલેબી વેચવાવાળો રાવણનો વંશ જ હોય એમ, લોકો એના ઉપર તૂટી પડે. કદાચ સૂર્યદેવતા મોડા ઊગે, પણ દશેરાનો એક જ દિવસ એવો કે, ‘ફાફડા જલેબી’માટે માણસ વહેલો ઊઠે..! ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે કે, જે દશેરાએ ફાફડા જલેબીથી વંચિત રહેતો હોય..! ચમનિયો એટલે જ તો કહે છે કે….

 જેણે દશેરાએ ફાફડા જલેબી ખાધાં નથી
 એ ગુજરાતી છતાં સાચો ગુજરાતી નથી
 મંજીરાની જોડ વગર ભજન નહિ ઝામે, એમ ફાફડા-જલેબી વગર દશેરો નહિ ઝામે. બંને વચ્ચે એવા અખંડ મસાલેદાર સંબંધ કે, ફાફડા વગર જલેબી વિધવા ને જલેબી વગર ફાફડો વિધુર લાગે..! અખંડ દીવાની માફક બંને અખંડ..! ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેનાં નામ બોલાયા કરે. બંને એકબીજા વગર અધૂરાં..! સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, શંકર-પાર્વતી, નળ-દમયંતી, હરિશ્ચંદ્ર-તારામતી કે રાધે-કૃષ્ણની માફક બંનેનાં નામ જોડકાંમાં જ બોલાય. રુકમણી-કૃષ્ણ નહિ બોલાય એમ, ક્યારેય ફાફડા-જલેબીને બદલે, ફાફડા-ઢોકળું કે, બાસુદી- ફાફડા બોલાયું હોય એવું સંભળાયું નથી. પતિ-પત્ની વચ્ચે પરસ્પર કેવા સુંવાળા સંબંધો હોવા જોઈએ, એ ફાફડા-જલેબી પાસે શીખવા જેવું ખરું..!

 દશેરાના દિવસે ફાફડા- જલેબી ઉલેળવા પણ એક મૌજ છે. એવાં ઘણાં હશે કે, જે દશેરાના ફાફડા જલેબી ઝાપટવા જ શ્વાસને રોકીને બેઠા હોય. કારણ કે, ધરતી ઉપરથી ઉકલી ગયા પછી ભરોસો શું..? ઉપર ફાફડા-જલેબીની વ્યવસ્થા છે કે નહિ..! ફાફડા જલેબી તો દેવોને પણ દુર્લભ..! ખાવા હોય તો ધરતી ઉપર આવવું પડે..! આ તો એક વિચાર આવ્યો કે, ફાફડા-જલેબી વચ્ચે -break up-divorce-ફારગતી કે છૂટાછેડાની ઘટના બને તો ખાધ-રસિયાઓની હાલત કેવી કફોડી થઇ જાય..?

ફાફડો રહ્યો સીધો જેઠાલાલ જેવો, ને જલેબી રહી મીઠી ફોઈ બબીતા જેવી..! જલેબી તો કોઈ પણ સાથે ગોઠવાઈ જાય, જેહાદી love પણ કરી નાંખે. ભજિયું સાથે પણ ભવ બાંધી દે. ઝૂરવાનું ફાફડાને આવે..!ફાફડો સાળી જેવી ચટણી સાથે ભલે અવૈધિક માયા રાખતો હોય, પણ ફાફડો એટલે એક પત્નીવ્રતધારી..! ત્યારે જલેબીનો કોઈ ભરોસો નહિ, એ ઢોકળા સાથે પણ જાય, ભાખરવડી સાથે પણ જાય કે મોટા પેટવાળા સમોસા સાથે પણ જાય..! જેનું કામ જ સર્વધર્મ સમભાવ જેવું..! જલેબી એવી ગૂંચળાવાળી કે, એનો છેડો શોધવામાં કાબેલ ઈજનેર પણ ધોકો ખાઈ જાય..!

 છેલ્લા breaking news એવા છે કે, આ દશેરાએ ફાફડા ને જલેબી વચ્ચે ભારે બબાલ થઇ. આમ તો વાતમાં કોઈ sault (મીઠું) નહિ, પણ જલેબીનું એવું કહેવું છે કે, ફાફડો મરચાં અને ચટણી (સાળી) સાથે જ રસપ્રચુર હોય. આખું વર્ષ અલ્લાયો, પણ દશેરાના દિવસે જ મારો ભાવ પૂછે..! ત્યારે બાકીના દિવસોમાં, મારે બીજા-બીજા ફરસાણ સાથે dating માં જવું પડે. એ નહિ ફાવે..! વાત કાઢી નાંખવા જેવી પણ નહિ, કારણ કે, ભજીયા બારે માસના સંગાથી..! એટલે સ્વાભાવિક છે કે, માયા બંધાઈ જાય..! જલેબી તો બે-ચાર દિવસથી ફેશિયલ કરાવીને તૈયાર બેઠી હોય, પણ ફાફડો તળાતો હોય ને, વાર લાગે તો ઉકળી પણ જવાય. રાવણને તળતા હોય એવી ફીલિંગ આવે..! જે હોય તે, પ્રભુ..! ફાફડા જલેબીનું જોડું અખંડ રાખે, એટલી જ આપણે પ્રાર્થના કરીએ..!

 લાસ્ટ બોલ
દશેરાના દિવસે જ ચમનિયાની દીકરીનું માંગુ આવ્યું. ચમનિયાએ પૂછ્યું,
છોકરો શું કરે છે..?
જજ છે..!
આટલું કહેતાંની સાથે જ ચમનિયાએ એની દીકરીનું સગપણ કરી નાંખ્યું.
મોડેથી ખબર પડી કે છોકરો સરકારી જજ નહિ હતો. પણ ગરબામાં જજ તરીકે જતો હતો.
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top