Comments

શિક્ષણ ક્ષેત્ર શોષણ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનું કેન્દ્ર બની રહ્યું છે તે અટકાવો

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણજગતને માથું ઝુકાવવું પડે તેવા સમાચારો આવ્યા કરે છે. શિક્ષકો,આચાર્યો સ્કૂલની જ બાળાઓ સાથે દુર્વ્યવહાર કરે તે શરમજનક છે. કેટલાક કિસ્સામાં સરકારે કડક પગલાં લીધાં છે પણ આ માત્ર સરકાર કે પોલીસનો મુદ્દો નથી. શિક્ષણમાં દીકરીઓ સાથે દુર્વ્યવહાર તો સૌએ રોકવો પડશે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જ્યાં તરુણ યુવતીઓ કે જુવાન યુવતીઓની સૌથી વધુ નજીક તેના શિક્ષક કે અધ્યાપક હોય છે.

માટે એક સમયે છોકરી શિક્ષક માટે આકર્ષાય તો પણ અંતર રાખવાની જવાબદારી ,તેને સમજાવવાની જવાબદારી શિક્ષકની જ છે. શિક્ષક અધ્યાપક પરિસ્થિતિ અને પોઝિષણનો ગેરલાભ લઈ શકે નહિ. આપણી શિક્ષણસંસ્થાઓમાં નાણાંકીય ભ્રષ્ટાચાર અને વ્યવહારમાં વ્યભિચાર વધતો ચાલ્યો છે. વચ્ચે ફી વધારા મુદ્દે પણ આંદોલનો થયાં હતાં. સરકારે ફી નિર્ધારણ કમિટી પણ બનાવી હતી. સારી વાત છે કે સરકાર પગલાં ભરે છે પણ,

સરકાર જો ગુજરાતના શિક્ષણ માટે ચિંતિત હોય તો તેણે શિક્ષણ ક્ષેત્રનાં તમામ પાસાંઓનો અભ્યાસ કરીને એક વ્યાપક શિક્ષણ સુધારણા કાર્યક્રમ કરવાની અને તે માટે કાયદો કરવાની જરૂર છે. આપણે ત્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર શિક્ષકો જ જાણે ટાર્ગેટ બનાવાયા છે અને રોજ સવાર પડે શિક્ષકો માટે નિયમો,નિયંત્રણો, આદેશો બહાર પડ્યા કરે છે.આપણી કમનસીબી એ છે કે આ ઈજારા વળી શિક્ષણવ્યવસ્થામાં તંત્ર કઈ રીતે કામ કરે છે તેની સામાન્ય જનતાને ખબર જ નથી અને ફી જેવી આર્થિક બાબત સિવાયના વ્યવસ્થાલક્ષી મુદ્દાઓનો વિચાર જ નથી કરતા. સરકાર અને બજાર બંનેનાં દૂષણો અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહ્યાં છે અને આખી વાતમાં પ્રથમ સ્પષ્ટતા એ કરવાની કે આ સ્થિતિ માટે ભાજપ કોન્ગ્રેસ અને પ્રજા બધા જ સરખા જવાબદાર છે માટે આમાં પોલીટીક્સ વચ્ચે લાવવું નહિ.

ગુજરાતમાં શિક્ષણવ્યવસ્થાના કુલ ત્રણ ભાગ છે. એક સરકાર દ્વારા નિયંત્રિત સરકારી શાળા કોલેજો, બીજું, ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતી પણ સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા કોલેજો અને ત્રીજી તદ્દન ખાનગી એટલે કે સેલ્ફ ફાઈનાન્સ શાળા કોલેજો કે જે બજારમાં ધંધાની જેમ ચાલે છે.સંપૂર્ણ સરકારી શાળા કોલેજોના પ્રશ્નો જુદા છે.ગ્રાન્ટ ઇન એડ શાળા કોલેજોના પ્રશ્નો જુદા છે અને તદ્દન ખાનગી શાળા કોલેજોના પ્રશ્નો જુદા છે.જે સરકારી તંત્ર છે ત્યાં કામચોરીના, હાજરીના, બેદરકારીના પ્રશ્નો છે તો ગ્રાન્ટ ઇન એડ કોલેજો સ્કૂલોમાં ભ્રષ્ટાચાર અને સરકાર તથા સમાજના રૂપિયા ઘરભેગા કરવાના પ્રશ્નો છે અને ખાનગીમાં ગુણવત્તાશોષણ અને અન્ય પ્રશ્નો છે. આજે જયારે ખાનગી સ્કૂલોના ફી વધારાના પ્રશ્ને વાલી આંદોલન કરી રહ્યા છે તો આપણે ખાનગી સ્કૂલોથી જ વાત શરૂ કરીએ.

આપણે ત્યાં સો ટકાથી વધુ સ્કૂલો નીતિનિયમો મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી નથી, શોપિંગ સેન્ટરમાં સ્કૂલો ચાલે છે જ્યાં પ્રયોગશાળા નથી. લાયબ્રેરી નથી, રમતનું મેદાન નથી ને સૌથી અગત્યનું કે ત્યાં તાલીમ પામેલા ગુણવત્તાવાળા શિક્ષકો જ નથી. યાદ રહે, આ સ્કુલોને શિક્ષક રાખવા માટે ટેટ ટાટ કે ઘણી વાર તો બી. એડ. ની ડીગ્રી પણ જરૂરી નથી.બપોરે કોલેજમાં ભણતી છોકરીઓ પ્રાયમરીમાં ટીચર હોય છે. વળી, સરકારી કોઈ કાર્યક્રમો ટ્રેનિંગ તેમને લાગુ પડતી નથી. આ લોકો ના વસ્તીગણતરીમાં જાય છે, ના પોલીયોમાં રસી પીવડાવવા જાય છે. આ બેકાર યુવાનોનું ભરપૂર શોષણ થાય છે.

અહીં પગાર માત્ર ત્રણ હજારથી મળીને છ હજાર અપાય છે. લઘુતમ વેતનનો પણ અહીં અમલ થતો નથી. ના સરકાર, ના આ શિક્ષકો કે ના સમાજના વાલીઓ આગેવાનો ..કોઈ આ બાબતે બોલતું નથી.જિલ્લા શિક્ષણાધિકારી આ સ્કૂલ ચાલુ કરવા મંજૂરી આપે એટલે જાણે કે શોષણનો પરવાનો મળ્યો. અહીં બધું જ ખુલ્લેઆમ થાય છે. સરકાર ટયુશનિયા શિક્ષકો પર દરોડા પડી શકે છે પણ આ શોષણ કરનારા સંચાલકો પર નહિ. છાપાં ચેનલોવાળા સ્ટીંગ ઓપરેશન પણ નથી કરતા કે આ યુવાનો ફરિયાદ પણ નથી કરતા. આ ગુણવત્તા વગરના, યોગ્ય વળતર વગરના શિક્ષકો આપણું ભવિષ્ય ઘડી રહ્યા છે.

સ્કૂલમાં ડોનેશન આપીને બાળકનું એડમિશન લેનારાં વાલીઓ ક્યારેય એ જોવાની તસ્દી જ નથી લેતા કે આપણાં બાળકોને ભણાવે છે કોણ? અને આપણી પાસેથી તગડી ફી લેનારા સંચાલકો આમને ચૂકવે છે શું? વળી, વાર તહેવારે શિક્ષકોની ગુણવત્તા અને નીતિમત્તાની વાત કરનારાંઓ શિક્ષણ સંસ્થાઓના સંચાલકોની ગુણવત્તા વિષે તો વાત જ નથી કરતા.લગભગ હિન્દી ફિલ્મોના વિલન જેવા પૈસાદાર અને પહોંચેલી માયા જેવા સંચાલકો માત્ર આર્થિક શોષણ નથી કરતા. તેઓ સ્ત્રી શિક્ષિકાઓનું શારીરિક શોષણ પણ કરે છે. ધાકધમકી અને મારામારી પણ કરે છે, જેને આપણે શિક્ષણના માફિયા કહી શકીએ.

અનેક ખાનગી સ્કૂલો કાગળ પર ચાલે છે જે રૂપિયા આપો તો લીવીંગ સર્ટિ.થી માંડીને મનગમતા ધોરણમાં પાસ થવાનું સર્ટિ. આપે છે ..સ્કૂલોથી આગળ આપણે સેલ્ફ ફાઈનાન્સ બી. એડ. કોલેજો એન્જીનીયરીંગ કોલેજો કે ઇવન બહુ જ ચકાસણી પછી અપાતી મેડીકલ કોલેજોનું જમીન પરનું ચેકિંગ કરવા જેવું છે. ક્યાંક કોલેજો કાગળ પર, ક્યાંક એક રૂમમાં અને ક્યાંક ઓછા સ્ટાફથી ચાલે છે. અરે, કોલેજોની ક્યાં વાત કરો છો, છેલ્લાં વર્ષોમાં ખુલેલી યુનિવર્સિટીઓ પણ એક રૂમ અને પાંચ સાતના સ્ટાફમાં ચાલે છે. અહીં પ્રવેશ ફી થી માંડીને ટ્યુશન ફી માં મનમાની થાય છે..વગર સ્ટાફે કે અધૂરા સ્ટાફે સંસ્થા ચાલે છે, શિક્ષણ ને પરીક્ષણમાં કોઈ નિયમો ચાલતા નથી.

રૂપિયા બનાવવાનું કારખાનું સમજીને આ સ્કૂલ કોલેજો ચાલે છે, જ્યાં વ્યભિચાર ભ્રષ્ટાચાર અને શોષણ રોજનો કાર્યક્રમ છે.સરકાર જો ખરેખર શિક્ષણનું શુદ્ધિકરણ કરવા માંગે તો તેને એક સ્વતંત્ર નિયમન બોર્ડ બનાવવું જોઈએ, જે દરેક શિક્ષણ સંસ્થાનું ચેકિંગ કરે, મીડિયાને આમાં સાથે રાખવું ..જેમ વીમા કંપનીઓ માટે ઈરડા છે, શેર બજાર માટે ટ્રાઈ છે, વીજનિયમન પાંચ છે તેમ ખાનગી શાળા કોલેજો માટે એક સ્વતંત્ર નિયમન સંસ્થાની તાતી જરૂર છે, બાકી માત્ર ફી નિયમન અધિનિયમનથી કંઈ વળવાનું નથી..
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top