Columns

સાચી સેવા ભાવના

એક સંતે એક વિશ્વ વિદ્યાલયની શરૂઆત કરી.આ વિદ્યાલયનો મુખ્ય ઉદેશ્શ્ય હતો એવા સંસ્કારી અને સેવાભાવી યુવક અને યુવતીઓનું નિર્માણ કરવું જે સમાજના વિકાસમાં સહભાગી બની શકે.એક દિવસ સંતશ્રીએ પોતાના વિદ્યાલયમાં એક વાદ વિવાદ સ્પર્ધાનું આયોજન કર્યું વિષય હતો ‘જીવ દયા અને જનસેવા માટે જરૂરી શું?પૈસા /સાધન/ભાવના/સમય’ પ્રતિયોગીતા આરંભ થઇ .કોઈએ કહ્યું કે સેવા માટે સાધન અને પૈસા મહત્વના છે કારણ આપણે બીજાની સેવા ત્યારેજ કરી શકીએ છીએ જયારે આપણી પાસે તે કરવા માટે પર્યાપ્ત સાધન અને પૈસા હોય.ત્યાં અમુક વિદ્યાર્થીઓએ એવો વિચાર રજુ કર્યો કે સેવા કરવા માટે સાધન અને પૈસા કરતા …મનમાં સેવા ભાવના જરૂરી છે.એક પછી એક પ્રતિયોગીઓ પોતાના વિચાર શાનદાર રીતે મુદ્દાસર રજુ કરી રહ્યા હતા.બધા પ્રતિયોગીઓએ બોલી લીધું અને હવે વિજેતાનું નામ ઘોષિત કરવાનો સમય થયો.

સંતશ્રીએ વિજેતાનું નામ ઘોષિત કર્યું.નામ સાંભળી બધાને નવાઈ લાગી કારણ જે વિદ્યાર્થીનું નામ સંતશ્રીએ વિજેતા તરીકે જાહેર કર્યું હતુ, તે વિદ્યાર્થી તો સ્ટેજ પર તેનું નામ બોલાયું ત્યારે સ્ટેજ પર બોલવા આવ્યો જ ન હતો.આ નામ સાંભળી બધા પ્રતિયોગીઓ અને શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો.સંતશ્રીએ બધાને શાંત કરાવતા કહ્યું,”મારા પ્યારા વિદ્યાર્થીમિત્રો,તમને બધાને ફરિયાદ છે કે મેં એવા વિદ્યાર્થીનું નામ વિજેતા તરીકે ઘોષિત કેમ કર્યું જે સમય પર સ્ટેજ પર બોલવા હાજર જ નહોતો.વાસ્તવમાં મેં આ વાદ-વિવાદ સ્પર્ધા નું આયોજન એટલા માટે કર્યું હતુ કે હું જાણવા માંગતો હતો કે મારા વિદ્યાર્થીઓ સેવાભાવને બરાબર સમજી શક્યા છે કે નહિ અને કયા વિદ્યાર્થીએ આ સેવા ભાવના બરાબર જીવનમાં વણી લીધી છે.એટલા માટે મેં આ હોલના દ્વાર પાસે એક ઘાયલ બિલાડી મૂકી હતી.

તમે બધા એજ દ્વારમાંથી અંદર આવ્યા ,પણ કોઈએ એ ઘાયલ દર્દથી કણસતી બિલાડી તરફ ધ્યાન ન આપ્યું.આ વિદ્યાર્થી એકલો હતો જેનું બિલાડી તરફ ધ્યાન ગયું,તે ત્યાં રોકાયો,બિલાડીનો ઈલાજ કર્યો ,તેને પાણી અને દૂધ પાયા અને પછી તેને સુરક્ષિત સ્થાન પર મૂકી આવ્યો.અને એટલે જ તે તેનું નામ બોલાયું ત્યારે અહી સ્ટેજ પર બોલવા આવી શક્યો નહિ પણ સેવા સહાયતા ડીબેટના વિષય કરતા વધારે જીવનમાં ઉતારવાની કળા છે.અને જે પોતાના આચરણમાં જે વિચારો મૂકી ન શકે તે બધાનું વક્તવ્ય ભલે પ્રભાવી હોય ઇનામને પાત્ર નથી”.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top