Charchapatra

ખેડૂતોને ટામેટા, ડુંગળી અને બટાટાના પોષણક્ષમ ભાવ આપવાની જરૂર

દેશમાં જેનું ઉત્પાદન અને વપરાશ સૌથી વધુ થાય છે તે ટામેટા, ડુંગળી અને બટાટાના છૂટક વેચાણ ભાવના ત્રીજા ભાગના નાણાં પણ ખેતી કરતા ખેડૂતોને મળતા નથી. તેમાં હોલસેલર અને છૂટક વેપારીઓ જ મોટો હિસ્સો કમાઇ રહ્યા છે એમ રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સીરીઝમાં જણાવવામાં આવ્યું છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ટામેટાના છૂટક ભાવના 33 ટકા ડુંગળીમાં 36 ટકા અને બટાટામાં 37 ટકા નાણા ખેડૂતોના હિસ્સામાં આવે છે.

આમ મોંઘા બિયારણ, ખાતર, માજવત, પાણી અને મજૂરી પછી પણ ખેડૂતોને યોગ્ય વળતર મળતુ નથી જયારે ખેડૂતોના ઉત્પાદન કરેલા ટામેટા, ડુંગળી અને બટાટાના વેચાણથી 65 ટકાથી વધુ વળતર હોલસેલર્સ અને રિટેલર્સ મેળવી મબલખ કમાણી કરી લેતા હોય છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવ ન મળતા હોવા છતાં ખેડૂતોને માલ લાવવા માટે ભાડે કરેલા વાહનનો ખર્ચ માથે ન પડે તે માટે ખેડૂતોને જે મળે તે ભાવે માલ વેચીને ચાલ્યા જવું પડે છે. આમ જગતના તાત ગણાતા ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે. ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે અર્થે સરકારે યોગ્ય ઘટતા પગલા લેવાની જરૂર છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એંઠું ખાવું, ધાર્મિક કે પ્રેમ કે આરોગ્ય લક્ષી વિષય
હાલ ઘણાં કહેવાતા સુધારાવાદી ઓ માં એક ફેશન ચાલી છે , કે જે અગાઉ ઘણાં સમાજો માં અગાઉ થી ચાલી આવતી પરંપરા હતી કે એક બીજા નું ખાધેલું પીધેલું ખાવું પીવું અને ખવડાવવું પીવડાવવું. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે કોરો નાસ્તો પણ એક જથ્થા માંથી ગ્રુપ માં કરતા હોય તો પણ ક્યાં તો પોતાનાં બધા જ આંગળા મોઢામાં નાખીને ખાય અને ફરી તે હાથ ફરી નાસ્તામાં નાખી બીજો કોળિયો ભરે અથવા અલગ અલગ ચમચી હોય તો પણ ચમચી મોઢા માં નાખે અને ફરી ભેગી પ્લેટ માં બોળે . (આજ કાલ કેટલાક લોકો બર્થ ડે કેક પણ જેનો જન્મ દિન હોય તે એક જ ચમચી થી અથવા હાથ થી મહેમાનો ને મોઢા માં ખવડાવતા હોય છે. હાથ થી તો બન્ને પક્ષે થોડી સાવચેતી રાખી શકાય પણ ચમચી મોઢા માં નાખી ખવડાવવું તેમાં સાવચેતી નથી જ રહેતી) આ કારણે સ્વાસ્થ્ય માટે સચેત લોકો તેમાં થી એક જ વાર ખાઈને બહાર થઈ જતાં હોય છે .

જ્યારે કોઈ આ રૂઢી ની ટીકા કરે ત્યારે તેને જુનવાણી, સંકુચિત વગેરે વિશેષણો લગાડવામાં આવે છે અથવા તો અલગ અલગ સમાજો વચ્ચે નાં ભાઈચારા નાં વિરોધી પણ માની લેવાય છે. તો શું આ મુદ્દો હકીકત માં ધાર્મિક છે? બિલકુલ નહીં. કારણ કે શ્વાસ જન્ય રોગો જેમાં શરદી પણ આવી જાય છે, જ્યારે આવા રોગો થી ગ્રસિત વ્યક્તિ નું ખાધેલું પીધેલું ખાવા પીવા માં આવે કે તેમણે વાપરેલા, પણ સાફ કર્યા વિના ફરી ઉપયોગ માં લીધેલા વાસણ નો અન્ય વ્યક્તિ કરે તો આવા રોગો તેને પણ થવાની શક્યતા ઘણી વધી જ જાય છે. માટે ઘરમાં ને ઘરમાં પણ એક છત નીચે વસતા, કે કુટુંબીજનો એ પણ આ બાબતે બાંધછોડ કરવી યોગ્ય નથી જ.
સુરત     – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top