બાબા સિદ્દિકી માટે મુંબઇમાં સિર્ફ નામ હી કાફી હે તેવું કહીએ તો પણ ખોટુ નથી. કારણ કે, મુંબઇના રાજકારણીઓથી લઇને ફિલ્મ અભિનેતાઓ સુધી તેમનો દબદબો રહેતો હતો. તેઓ મુંબઇમાં તો જાણીતા હતા જ પરંતુ તેમની ઇફતાર પાર્ટીએ સમગ્ર દેશમાં તેમને જાણીતા કર્યા હતા. બે ખાનબંધુઓને તેમણે જ દુશ્મની ભૂલાવીને દોસ્ત બનાવ્યા હતાં. કોઇની દોસ્તી કરાવવી એ સારી બાબત છે પરંતુ આ વાત હિન્દુ હાર્ડલાઇનર્સને ગમી ન હતી. કટ્ટર હિન્દુઓનો એક ખૂબ જ મોટો વર્ગ છે જેમને આ વાત પસંદ આવી ન હતી.
બોલિવુડ ઉપર સલમાન ખાન, આમિર ખાન અને શાહરુખ ખાનનો દબદબો વર્ષો સુધી રહ્યો છે જે અનેક હિન્દુ વિચારધારા ધરાવતા લોકોને પસંદ નથી. આ જ કારણ છે કે વારંવાર કોઇને કોઇ કારણસર તેમના ફિલ્મ નહીં જોવાની અપીલ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા મારફત આવી અપીલો કરવામાં આવતી હોય છે. આ ખાનબંધુઓ સાથે નિકટના સંબંધના કારણે દેશભરનો કેટલોક હિન્દુ યુવાવર્ગ તેમને પસંદ કરતો ન હતો. હવે બાબા સિદ્દિકીની બિહારથી મુંબઇ સુધીની સફરની વાત કરીએ તો તેમનું પૂરું નામ બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી હતું. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1956ના રોજ થયો હતો.
68 વર્ષના બાબા તેમના પિતા અબ્દુલ રહીમ સિદ્દીકી સાથે ઘડિયાળ રિપેરિંગનું કામ કરતા હતા. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પ્રથમ વખત BMCમાં કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ચૂંટાયા હતા. બાબાએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસમાંથી શરૂ કરી હતી. તેઓ 1977માં પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા. આ પછી તેઓ 1980માં બાંદ્રા યૂથ કોંગ્રેસના મહાસચિવ, 1982માં બાંદ્રા યૂથ કોંગ્રેસના અધ્યક્ષ અને 1988માં મુંબઈ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. વર્ષ 1999માં બાબા પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી, તેઓ 2014 સુધી સતત ત્રણ વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા.
સુનીલ દત્તે તેમનો પરિચય સંજય સાથે કરાવ્યો, સંજયે તેમને સલમાન સાથે પરિચય કરાવ્યો હતો. બાંદ્રા બાબા સિદ્દીકીની રાજકીય કર્મભૂમિ રહી છે અને મોટાભાગની ફિલ્મી હસ્તીઓ પણ અહીં રહે છે. બોલિવૂડ સેલેબ્સ સાથે તેની નિકટતાનું કારણ પણ આ જ હતું. તેમના રાજકારણના પ્રારંભિક તબક્કામાં તેઓ ભૂતકાળના પ્રખ્યાત અભિનેતા સુનીલ દત્તને મળ્યા હતા. તે સમયે સુનીલ દત્ત પણ કોંગ્રેસમાં સક્રિય હતા. તેમણે જ બાબાનો સંજય દત્ત સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી બંને ગાઢ મિત્રો બની ગયા.
સંજયે બાબાને સલમાન સહિત બોલિવૂડના અન્ય ઘણા કલાકારો અને અભિનેત્રીઓ સાથે પરિચય કરાવ્યો હતો. પરિવારમાં પત્ની, બે બાળકો છે. બાબાની પત્નીનું નામ શહઝીમ સિદ્દીકી છે. તેમને બે બાળકો છે. પુત્રી અર્શિયા સિદ્દીકી ડોક્ટર છે, જ્યારે પુત્ર જીશાન સિદ્દીકી કોંગ્રેસના ધારાસભ્ય છે. બાબા સિદ્દીકીને બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો સેતુ પણ કહે છે. તેના પર દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે સંબંધ હોવાના આરોપો પણ લાગ્યા છે.
જો કે, સામનામાં છપાયેલા સમાચાર અનુસાર, બાબા સિદ્દીકી અને દાઉદના નજીકના અહેમદ લંગડા વચ્ચે મુંબઈમાં એક જમીનને લઈને વિવાદ થયો હતો. આ પછી છોટા શકીલે બાબાને આ મામલાથી દૂર રહેવાની ધમકી આપી હતી. બાબાએ આ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. આ પછી અહમદની મકોકા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય છે કે આનાથી નારાજ થઈને દાઉદે બાબાને ફોન પર ધમકી આપી હતી અને કહ્યું હતું- ‘હું રામ ગોપાલ વર્મા સાથે વાત કરીશ અને તમારી ફિલ્મ બનાવીશ, ‘એક થા MLA’. થા નો અર્થ સમજાવવાની જરૂર લાગતી નથી.
જો કે, મુંબઇ, બોલિવુડ અને અંડરવર્લ્ડ ત્રણે ત્રણને એકબીજા ના પર્યાયી માનવામાં આવે છે. મુંબઇના અંડરવર્લ્ડની વાત કરીએ તો દાઉદ ઇબ્રાહીમ કાસકરને આજે પણ અંડર વર્લ્ડનો બેતાજ બાદશાહ માનવામાં આવે છે. જો કે, બાબરી ધ્વંશ પછી તેણે મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટ કરાવ્યા હતાં. તેનાથી તેની જ ગેંગના બે ભાગ થઇ ગયા હતા અને તે જ કારણસર તેની ગેંગના બે ભાગ થઇ ગયા હતાં. મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટ કરાવવાની કરતૂતથી દાઉદનો જ ખાસ ગણાતો છોટા રાજન તેનાથી અલગ થઇ ગયો હતો અને તેણે તેની અલગ ગેંગ બનાવી હતી.
તે દાઉદને ટક્કર આપવામાં સક્ષમ હતો પરંતુ દબદબો તો દાઉદ ઇબ્રાહીમનો જ રહ્યો હતો તેમ છતાં દબદબો તો દાઉદનો જ રહ્યો હતો. છોટારાજન દાઉદની સામે થઇ જતાં કેટલાક હિન્દુ હાર્ડલાઇનર માટે તે હીરો સાબિત થઇ રહ્યો હતો. પરંતુ જ્યારથી લોરેન્સ બિશ્નોઇ તેની સામે પડ્યો છે ત્યારથી હિન્દુઓનો મોટો વર્ગ મનથી જ તેને આદર્શ માનવા લાગ્યો હતો. ત્યાં સુધી તો ઠીક પરંતુ બાબા સિદ્દિકીને તેના જ ગઢમાં ઘૂસીને હત્યા કરવાની જવાબદારી બિશ્નોઇ ગેંગે લીધી છે.
જેથી તેને પસંદ કરનારા હિન્દુ યુવા વર્ગની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવી ગયો છે. જો કે સારી બાબત નથી કારણ કે, ગેંગ લિડર તો ગેંગ લિડર હોય છે. તેની વિચારધારા કોઇપણ હોય પરંતુ તેની પાસે જે ગોળી હોય છે તેનું કામ માત્રને માત્ર કોઇનું મોત નીપજાવવાનું જ હોય છે. જે રીતે કેટલાક કટ્ટર મુસ્લિમો ડોન દાઉદને મનોમન તેનો આદર્શ માનતા હતા તે સારી બાબત ન હતી તો લોરેન્સ બિશ્નોઇને આદર્શ માનવો એ પણ સારી બાબત નહીં જ કહી શકાય.