મહેસાણાઃ ગુજરાતના મહેસાણા જિલ્લાના જસલપુર ગામમાં એક બાંધકામ સ્થળ પર દિવાલ બનાવતી વખતે માટી ધસી પડી હતી. માટી નીચે દબાઈ જતા 7 મજૂરોના કરુણ મોત થયા હતા. આ અકસ્માત આજે શનિવારે બપોરના સમયે થયો હતો જ્યારે કામદારો ફેક્ટરીની ભૂગર્ભ પાણીની ટાંકી માટે ઊંડો ખાડો ખોદી રહ્યા હતા.
પોલીસ ઈન્સ્પેક્ટર પ્રહલાદ સિંહ વાઘેલાએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે કામ દરમિયાન અચાનક માટી અંદર ખાબકી ગઈ, જેના કારણે મજૂરો તેની નીચે દટાઈ ગયા. વાઘેલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે અને અમને શંકા છે કે હજુ ત્રણથી ચાર વધુ મજૂરો માટી નીચે દટાયા હોવાની આશંકા છે.
મહેસાણાના એસપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે બાંધકામ સ્થળ પર માટી ધસી પડવાની ઘટનામાં સાત લોકોના મોત થયા છે. ખાનગી કંપનીની દેખરેખ હેઠળ બાંધકામ ચાલી રહ્યું હતું.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરના વિડીયોમાં જોઈ શકાય છે કે મજૂરોના પરિવારના સભ્યો રડી રહ્યા છે. બાંધકામ સ્થળ પર જોઈ શકાય છે કે જેસીબીની મદદથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સલામતીના ધોરણોની અવગણના અને કાર્યસ્થળો પર કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. બચાવ કાર્ય અત્યંત પડકારજનક હતું કારણ કે માટી હેઠળ હજુ કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે.
આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને વહીવટીતંત્રે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા પગલાં અમલમાં મૂકવાની ખાતરી આપી છે. પીડિતોના પરિવારોને શક્ય તમામ સહાયનું વચન આપવામાં આવ્યું છે.