Business

IPO ખુલે તે પહેલાં હ્યુન્ડાઈની જીએમપીમાં 80 ટકાનો મોટો ઘટાડો, રોકાણકારો મૂંઝવાયા

નવી દિલ્હીઃ દેશનો સૌથી મોટો આઈપીઓ (IPO) આવતા અઠવાડિયે આવી રહ્યો છે, જે એલઆઈસી (LIC), પેટીએમ (Paytm) અને કોલ ઈન્ડિયા (Col India) જેવા આઈપીઓના રેકોર્ડ તોડશે. આ આઈપીઓ 15મી ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 17મી ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ આ આઈપીઓ હેઠળ શેર દીઠ રૂ. 1865-1960ની પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે.

હ્યુન્ડાઈ આઈપીઓના કદ વિશે વાત કરીએ તો તેની કિંમત રૂ. 27870.16 કરોડ છે, જે તેને દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના આઈપીઓ કરતા પણ મોટી બનાવે છે, જેની કિંમત રૂ. 21000 કરોડ હતી. આ આઈપીઓ હેઠળ કંપનીએ ફાળવણી પ્રક્રિયા માટે 18 ઓક્ટોબર અને રિફંડ પ્રક્રિયા માટે 21 ઓક્ટોબર નક્કી કરી છે. તેના શેરનું લિસ્ટિંગ 22 ઓક્ટોબરે થવાનું છે.

હ્યુન્ડાઈના આઈપીઓના GMPમાં ભારે ઘટાડો
હ્યુન્ડાઈ આઈપીઓના આગમન પહેલા જ તેની ખરાબ શરૂઆત ગ્રે માર્કેટમાં દેખાઈ રહી છે. ઓટો સેક્ટરની આ કંપનીના જીએમપીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈપીઓનું કદ અને પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યું ત્યારથી તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) સતત ઘટી રહ્યું છે. તે લગભગ 80 ટકા ઘટ્યું છે. તેનો GMP સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં રૂ. 570 થી ઘટીને 12 ઓક્ટોબરે રૂ. 75 પર આવી ગયો છે.

કોના માટે કેટલું રિઝર્વ?
હ્યુન્ડાઇના 50 ટકા ઇશ્યુ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. IPO હેઠળ શેરની ફાળવણી 18 ઓક્ટોબરના રોજ થશે. ત્યારબાદ 22મી ઓક્ટોબરે BSE અને NSE પર એન્ટ્રી થશે. આ IPO હેઠળ, રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 14,21,94,700 શેર્સ ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ જારી કરવામાં આવશે અને આ શેર તેની મૂળ કંપની દ્વારા વેચવામાં આવશે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?
હ્યુન્ડાઈ આઈપીઓના જીએમપીમાં ઘટાડો જોઈને મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે હવે શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતો કહે છે કે તે નાણાકીય રીતે વધુ મજબૂત દેખાય છે. આવા સંજોગોમાં રોકાણ કરી શકાય છે. જો કે, રોકાણકારોએ તેમના જોખમ અને ફંડામેન્ટલ્સ સહિતના તમામ પરિબળોને સારી રીતે સમજ્યા પછી જ રોકાણ કરવું જોઈએ.

બે દાયકા પછી ઓટોમેકર કંપનીનો આઈપીઓ
હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા કંપની નાણાંકીય વર્ષ 2024માં પેસેન્જર વાહનોના વેચાણના આધારે મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કંપની છે. મારુતિ સુઝુકીનું માર્કેટ કેપ લગભગ $48 બિલિયન છે. મારુતિ સુઝુકીનો IPO 2003માં આવ્યો હતો. આવી સ્થિતિમાં 20 વર્ષ પછી ભારતમાં કોઈ ઓટો નિર્માતા કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને તેનું કદ દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ કરતા પણ વધારે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા IPO દ્વારા 18 થી 20 બિલિયન ડોલરની વચ્ચે વેલ્યુએશન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

Most Popular

To Top