SURAT

ટ્રાફિક સિગ્નલનો નિયમ પાળતા થયા, સુરતીઓ હવે હેલ્મેટ પણ પહેરજો, નહીં તો..

સુરતઃ શહેરમાં હેલ્મેટ વગર નીકળશો તો ટ્રાફિક પોલીસ છોડશે નહીં, ઘરે ઈ-ચલણ મોકલશે. હેલ્મેટ વગર નીકળ્યા તો પહેલા તો તમને ઈ-ચલણ મોકલવામાં આવશે. વધુ વખત નિયમોનું ઉલ્લંઘન કરશો તો લાઇસન્સ પણ રદ કરવાની કાર્યવાહી કરશે. હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક વિભાગે 3 દિવસમાં હેલ્મેટ વગર નીકળેલા વાહન ચાલકોને ઈ-ચલણ મારફતે અને સ્થળ પર કુલ્લે જનતા પાસે 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે.

3 દિવસમાં 2 હજારથી વધુ લોકો દંડાયા
ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતને ધ્યાનમાં રાખી હેલ્મેટને લઇ ગુજરાત હાઇકોર્ટએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કર્યું છે. જે મામલે કોર્ટ દ્વારા ટુ-વ્હીલર પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમના પાલનનો આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ સુરત ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી હતી. જે દરમિયાન ટ્રાફિક વિભાગે 3 દિવસમાં હેલ્મેટ નહિ પહેરનાર 2 હજારથી વધુ લોકોને દંડ ફટકાર્યો છે.

આવનારા દિવસોમાં ડ્રાઇવ ચાલુ રહેશે
ગુજરાત હાઇકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટના ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. વાહન ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે આ માટે સુરત શહેર ટ્રાફિક દ્વારા ઇ-ચલણ મોકલવાની કામગીરી પણ ઝડપી કરી દેવામાં આવી છે.

સુરત શહેરમાં લાગેલા CCTV, પોલીસ કર્મીની મોબાઈલ એપ્લીકેશન થી અને ટ્રાફિક મોબાઈલ વેનના કેમેરાનાં માધ્યમથી પોલીસ હેલ્મેટ નહીં પહેરનાર લોકોને ઈ-ચલણ મોકલી રહી છે. અત્યાર સુધીમાં 1500 થી વધુ ઈ-ચલણ લોકોને મોકલવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં પણ આવી જ રીતે ડ્રાઈવ ચાલુ રહેશે.

શહેર ટ્રાફિક વિભાગની શહેરી જનોને હેલ્મેટ પહેરવા અપીલ
આ સમગ્ર મામલે સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી એ.કે.વાનાણી જણાવ્યું હતું કે, સુરતના અલગ-અલગ 4 રીજ્યનમાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. હાઈકોર્ટના દેશ બાદ આ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટેની કામગીરી અમે કરી રહ્યા છીએ. લોકોને અપીલ કરવામાં આવે છે કે, જ્યારે તેઓ ઘરેથી નીકળે ત્યારે હેલ્મેટ પહેરે કારણ કે, આ તેમની સલામતી માટે છે.

કાયદાકીય રીતે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. જે લોકો આ નિયમ નથી માની રહ્યા તેમને ઈ-ચલણ અમે મોકલી રહ્યા છે. વાહનચાલક અને પાછળ બેસનાર વ્યક્તિને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.હાલ ટ્રાફિકકર્મીઓ વૃદ્ધોને પણ હેલ્મેટ પહેરવા સમજાવી રહી છે.વૃદ્ધોને કોઈ દંડ કરાઇ નથી રહ્યો.

Most Popular

To Top