૧૧ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ અલ્હાબાદમાં એક “દેશપ્રેમી” માતા-પિતાને ત્યાં એક “મહાન” વ્યક્તિનો જન્મ થયો, “નસીબ” જ એનું એટલું બળવાન કે કોઈ “દિવાર” આ “શહેનશાહ”ની પ્રગતિ રોકી ન શકી, તેમનાં માતા-પિતાની “પરવરિશ” પર અમિતાભને “અભિમાન” હતું. શરૂઆતમાં લોકોએ “રાસ્તે કા પથ્થર” સમજી મુંબઈમાં આ “અકેલા”ને ઘણી ઠોકર મારી, પરંતુ કિસ્મતની “અદાલત”માં “જંજીર” ફિલ્મથી સફળતા મળી, જયા ભાદુરી સ્વરૂપે પત્ની, “બંટી ઔર બબલી” એવાં પુત્ર-પુત્રી મળ્યાં.
“બેમિસાલ” વિશ્વસુંદરી ઐશ્વર્યા પુત્રવધૂ મળી, “નજરાના’ સ્વરૂપે પૌત્રી આરાધ્યા મળી. સ્વભાવે “મર્દ” એવા આ “લાલ બાદશાહ”ને ૧૯૮૨માં “કૂલી” ફિલ્મના શુટિંગ દરમિયાન ગંભીર ઇજા થઇ. આખા ભારતમાં શોકનો માહોલ સર્જાયો, ભલભલા “નાસ્તિક” જ નહીં પણ “અમર અકબર એન્થની”, બધા જ સારા થવા માટે દુઆ કરવા લાગ્યા જેના “ખુદા ગવાહ” છે, પથારીવશ આ “મજબૂર”ને લોકોની દુઆ ફળી અને એક “અજુબા” થયો, તબિયતમાં સુધારો થતો ગયો,જયાનો “સુહાગ” બચી ગયો અને આખા દેશમાં “આનંદ” છવાઈ ગયો! “મુકંદર કા સિકંદર” ફરી મેદાનમાં આવી ગયો.
૧૯૮૪ માં રાજીવજીના “યારાના”ને લીધે રાજકારણમાં ઝંપલાવી ચૂંટણી જીતી, અલ્હાબાદના MLA બન્યા પરંતુ આ “ઇનકલાબ” નેતાને રાજકીય નેતાઓની “ગહેરી ચાલ” અને “હેરાફેરી” ન ફાવી, તો તેઓ એ તરત જ “સરકાર”ને અલવિદા કહ્યું. ૧૯૯૪ માં ABCL નામની કંપની ખોલી પરંતુ “ઝમીર” વગરનાં “નમકહરામ” લોકોએ “દો ઔર દો પાંચ” ગણાવતા કંપનીને કરોડો રૂપિયાની ખોટ ગઈ જેને લીધે અમિતાભની જિંદગીમાં “તુફાન” સર્જાયું અને રસ્તો બની ગયો “અગ્નિપથ”.
“દોસ્તાના”ની દૃષ્ટિએ, અમિતાભનું “બાગબાન”ન ચૂંથાય એ માટે અંબાણીએ મદદની કોશિશ કરી, મદદને પોતાની “શાન” વિરુદ્ધ સમજનાર આ “પરવાના” એ મદદ ન લીધી પરંતુ ફાલતુ જાહેરખબર અને ફિલ્મો કરીને “રોટી કપડાં અને મકાન” અને “ભૂતનાથ”ની જેમ પીછો ન છોડતાં લેણદારોને સાચવવાની કોશિશ કરી, પરંતુ આ “કસોટી”માં તેઓ ખરા ન ઊતર્યા અને લેણદારોની ઉઘરાણીનો “શોલે” તેમના દરવાજા પર ભડકતો રહ્યો.
બદનામ થઈ “બેનામ” થઈ રહેલા અમિતાભની જિંદગીમાં સિધ્ધાર્થ બાસુ નામનો “જાદુગર” આવ્યો તેમને ‘કૌન બનેગા કરોડપતિ’ શ્રેણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ચાલુ થઈ ગયો KBC “શો” તે પછી તો આજની તારીખમાં એક એપિસોડના 5 કરોડ ચાર્જ કરતો આ “ખુદ્દાર”ની લોકપ્રિયતા એટલી વધી કે ફિલ્મો પણ “ચીની કમ” લાગે છે, અભિનેત્રી રેખા પ્રત્યેનું “આરક્ષણ” રૂપી આકર્ષણ આજે પણ તેમની વાતોની ઝલકમાં દેખાય છે. જીવનમાં “કભી ખુશી કભી ગમ” જોયા પછી આજે ૮૨ વર્ષની ઉંમરે પણ ૨૮ વર્ષના યુવાન જેટલી સ્ફૂર્તિ તેમનામાં લાગે છે, એટલે તેમને કોઈ વૃદ્ધ કહે તો નિઃસંકોચ કહી શકાય “બુઢા હોગા તેરા બાપ” કેટલાય કલાકાર આવ્યા અને ગયા પણ અમિતાભ સદીનો મહાનાયક હતો, છે અને રહેશે. ૮૨ શું “૧૦૨ નોટ આઉટ” રહેશે.
સુરત – કિરણ સુર્યાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.