Columns

સાચું શરણ સદ્ગુરુનું

રોજ રાત્રે ગુરુજી પ્રાર્થના બાદ તરત ઊભા થઈને પોતાની કુટિરમાં જતા રહે. કોઈની કોઈ વાત ન સાંભળે, ન જવાબ આપે …સીધા પોતાની કુટિરમાં જતા રહે.બધાને બહુ નવાઈ લાગે કે ગુરુજી આમ કેમ કરે છે? આશ્રમમાં બધાના મનમાં આ પ્રશ્ન હતો. એક દિવસ સવારની પ્રાર્થના બાદ ગુરુજીએ કહ્યું, ‘મને ખબર છે કે તમારા બધાના મનમાં એક પ્રશ્ન છે કે હું રોજ રાત્રે પ્રાર્થના બાદ તરત કુટિરમાં કેમ જાઉં છું? તમારા બધાના મનના આ પ્રશ્નનો જવાબ આપું છું તે પહેલાં તમને એક નાની દષ્ટાંત કથા કહું છું તે સાંભળો.’ ગુરુજીએ વાત શરૂ કરી.એક દિવસ એક કાગળનો ટુકડો હવામાં ઊડતો ઊડતો ઊંચા પર્વતના શિખર પર પહોંચી ગયો.પર્વત તેને જોઇને ખુશ થયો અને સ્વાગત કર્યું અને પ્રેમથી પૂછ્યું , ‘દોસ્ત મારા શિખર સુધી પહોંચવું બહુ કઠીન છે. તું અહીં કઈ રીતે પહોંચ્યો?”

કાગળના ટુકડાએ ગુમાન સાથે જવાબ આપ્યો, ‘હું મારી મહેનતથી ,મારા પોતાના દમ પર અહીં સુધી પહોંચ્યો છું.’કાગળના ટુકડાએ અકડ સાથે આ જવાબ આપ્યો અને જેવો આ અકડાઈભર્યો જવાબ આપ્યો ત્યાં તો ફરી હવાની લહેરખી આવી અને કાગળના ટુકડાને ફરી પોતાની સાથે ઉડાડીને લઇ ગઈ. હવા સાથે ઊડતો કાગળનો ટુકડો હવે એક નાના ખાબોચિયામાં જઈને પડ્યો. ભીનો અને કાદવવાળો થઈ ગયો.હવે તે હવામાં ઊડી શકે તેમ પણ ન હતો. તે ત્યાં જ પડી રહ્યો અને સડવા લાગ્યો.

આટલું કહીને ગુરુજી અટક્યા અને શિષ્યોને સાવધાન કરતાં બોલ્યા, ‘શિષ્યો, હવે બરાબર સમજજો. આપણે બધા આ કાગળના ટુકડા જેવા જ છીએ.સારાં કર્મો કર્યાં હોય તેને કારણે મળેલા પુણ્યોનું પુણ્યફળ જાગે ત્યારે જીવનમાં અનુકૂળ વાયુનો વેગ મળે.સફળતા મળે.પ્રગતિ મળે અને આપણે શિખર પર પહોંચી જઈએ છીએ અને પાપના પવનનો સપાટો આવે તો તે આપણને રસાતલમાં પહોંચાડી દે છે.તો પછી શેનું ગુમાન કરવાનું? ક્યારેય ગુમાન નહિ કરવાનું પણ આપણે માણસો થોડી સફળતા મળતાં મદથી છકી જઈએ છીએ અને જીવનની આ હકીકતને ભૂલી જઈએ છીએ કે સંસારમાં બધા જ સંજોગો કર્મ પ્રમાણે થાય છે.

જેવાં કર્મ તેવું ફળ મળે અને આ કર્મના લેખાં જોખાં ક્યારે ફરશે તેની કંઈ જ ખબર હોતી નથી તો કર્મને કારણે નિર્માણ થતી પરિસ્થિતિઓમાં આપણે કોઈ બદલાવ પણ કરી શકતા નથી તો ખોટી અકળ અને ગુમાન પણ રાખવા નહિ.આપણે જીવનમાં જે થાય તેનો સ્વીકાર કરી ,સદ્ગુરુનું શરણ લઇ હરિનામ લેવું. બસ, હું રોજ રાત્રે આખા દિવસનાં કર્મોનો ભાર છોડી કુટિરમાં મારા ગુરુનાં ચરણોમાં નમન કરું છું અને તેમના શરણે જાઉં છું એટલે રાત્રી પ્રાર્થના બાદ એક ઘડી પણ રોકાતો નથી.’ ગુરુજીએ બધાના મનની શંકા દૂર કરી અને સાચો માર્ગ પણ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top