Comments

શા માટે આખા વિશ્વમાં માનસિક બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે?

સ્વાસ્થ્ય એટલે માત્ર રોગોની ગેરહાજરી જ નહિ પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની આબાદી થાય એમ કરવું રહ્યું. અમેરિકામાં તનાવ-ટેન્શનની પ્રક્રિયાને ભાર સ્ટ્રેસ તરીકે અને ભારતમાં તેને ટેન્શન તરીકે ઓળખાવામાં આવે છે. આજે ભાગ્યે એવો માણસ મળી આવે જે તનાવ હેઠળ ના હોય. દા.ત. વિદ્યાર્થીને ભણવાનું, વધુ માર્કસ સ્કોર કરવાનું, માતાપિતાને બાળકોની શિક્ષણ અને કારકિર્દીનું ટેન્શન, નોકરિયાતને નોકરી અને બઢતીનું ટેન્શન, સામાન્ય માણસને કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીનું ટેન્શન, કોર્પોરેટ અને કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓ, કામદારોને કામનું દબાણ ઉપરાંત ઉપરી અધિકારીઓના હુકમ પ્રમાણે કામ કરવાનું ટેન્શન. કામના કલાકો ઉપરાંત વધારે કામ લેવામાં આવે છે.

અમેરિકાની સરખામણીએ ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બિમારી વિશેની સમજ, જાણકારી અને ગંભીરતાની ચિંતા ઓછી છે.શારીરિક સ્વાસ્થ્યને જાળવવું જેટલું જરૂરી છે તેટલું જ માનસિક સ્વાસ્થ્યને જાળવવું જરૂરી છે. તનાવ-ટેન્શનને કારણે શારીરિક અને મનોશારીરિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. દા.ત. ડાયાબિટીસ, હાર્ટએટેક, હાઈ બી.પી. એ.સી.ડી.ટી કેન્સર અનિદ્રા વગેરે. આ બધા રોગો થાય છે શરીરમાં પરંતુ તેના કારણે માનસિક કે તનાવ ટેન્શનમાંથી કેવી રીતે બચી શકાય? તે માટે માનસિક સ્વાસ્થ્યને જાણવું, સમજવું ખૂબ જરૂરી છે. ઇ.સ. 1879-1923 દરમિયાન મનોવૈજ્ઞાનિક બીયર્સે સૌ પ્રથમ માનસિક સ્વાસ્થ્ય બગડે નહિ તે માટેનાં સૂચનો કર્યાં હતાં.

ઇ.સ. 1961માં કેનેડામાં મનોચિકિત્સકોની ત્રીજી કોન્ફરન્સ ભરાઈ ત્યારે માનસિક સ્વાસ્થ્ય શું છે? આજના જમાનામાં તેની કેટલી અગત્ય છે? લોકોમાં તનાવ-ટેન્શન જે વધતું જાય છે અને તે વિષે જાગૃતિ લાવવા શું કરી શકાય તે પર ભાર મૂકવામાં આવ્યો. જયારે તનાવ-ટેન્શન ખૂબ વધી જાય છે. પોતાનામાં આત્મવિશ્વાસ રહેતો નથી. માનસિક સંઘર્ષનું, ચિંતાનું અને નરવસનેસનું પ્રમાણ વધી જતાં મનમાં અસમતુલન ઊભું થાય છે અને માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

તનાવ-ટેન્શન મુક્તિ એટલે કપરા સંજોગો કે ખરાબ દિવસોમાં પણ માનસિક સમતુલન જાળવી રાખવું અથવા તે વખતે હળવા રહી પરિસ્થિતિનો સ્વીકાર કરી તેમાંથી આગળ રસ્તો કેવી રીતે કાઢવો તે વિચારવું, સમજવું અને તેને માટેના ઉપાયો શોધી કાઢવા. દરેક વ્યક્તિએ પોતાની શારીરિક તેમજ માનસિક શક્તિના પ્રમાણમાં ઇચ્છા, મહત્ત્વાકાંક્ષા ધ્યેય બાંધવા જેથી ઊંડી હતાશા કે નિષ્ફળ જવાનો વારો આવે નહિ અને વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય નહિ.

સારું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે રાખી શકાય?
તંદુરસ્ત શરીર હોવું જરૂરી
શરીર અને મનને ગાઢ સંબંધ છે. એક જ સિક્કાની બે બાજુ છે. શરીર સારું, સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો તેની મન ઉપર અસર ઓછી પડે છે અને વ્યક્તિ શાંત, આનંદિત અને સુખમાં રહે છે. શરીર સારું ન હોય તો ઉદ્વેગ, અશાંત, કોધિત અને વિકૃત વર્તન વાળો બને અને વ્યક્તિમાં ગાંડપણ પણ આવે.

ઓછા માનસિક સંઘર્ષો
જે વ્યક્તિના મનમાં ઓછા સંઘર્ષ ઉદ્દભવે તેનું મન સારું રહે. જીવનમાં જુદા જુદા સંઘર્ષ ઉદ્દભવે છે. આમ કરું કે તેમ કરું. દા.ત. આ છોકરીને પરણું કે પેલી બીજી છોકરી સાથે લગ્ન કરું. 2. સીગારેટ પીવાથી વ્યક્તિને મન ખૂબ સુખ પ્રાપ્ત થાય છે. પણ તેનાથી કેન્સર થવાની દહેશત છે છતાં વ્યક્તિથી સીગારેટ પીવાનું છોડાતું નથી. આવા માનસિક સંઘર્ષો માનસિક સ્વાસ્થ્ય બગાડે છે.

સંતોષપ્રદ સામાજિક સંબંધો
આજે કૌટુંબિક અને સામાજિક સંબંધો તૂટતા જાય છે. પહેલાંના જમાનામાં દા.ત. ભાઈ-બહેન, માતા-પિતા અને બાળકો આડોશીપાડોશી તથા સગાંસંબંધીઓ સાથેના જે સંબંધો હતા તે આજે રહ્યા નથી. સારા કૌટુંબિક અને સામાજિક સંબંધો ન હોય તો તનાવ-ટેન્શન વધી જાય છે. મનમાં શંકાકુશંકા, રાગદ્વેષ, કુસંપ, વેરઝેર અને દુશ્મની ઉદ્દભવે છે. પ્રેમ, હૂંફ, સહાનુભૂતિ, સહકાર વગેરે ન મળતાં વ્યક્તિમાં એકલતાનો ભાવ ઉત્પન્ન થાય છે અને તનાવ વધે છે. તેને બદલે સુખદ, સામાજિક સંબંધો આનંદ મન સાથે સુખદ અનુભવ અને વ્યક્તિમાં પ્રફુલ્લિતતા ઉત્પન્ન કરે છે. જેથી ટેન્શન ઉદ્દભવતું નથી.

સુખદ પાશ્વાત્ ભૂમિકા : વ્યક્તિની શૈશવઅવસ્થા, બાલ્યાવસ્થા જો સારી રીતે પસાર હોય તો માનસિક સંઘર્ષ ઓછા ઉદ્દભવે, માતાપિતાની પૂરતી કાળજી, પ્રેમ, હૂંફ, સગવડ મળી રહેલા હોય તો ઓછા માનસિક સંઘર્ષો આવે. કુટુંબમાં બાળપણનો વિકાસ સારો હોવો જોઈએ.

આધ્યાત્મિક વલણ કેળવો : સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે માનસિક બિમારીનો પાયાનો પ્રશ્ન કેવળ ધર્મ,આધ્યાત્મિકતા જ ઉકેલી શકે તેમ છે.આધ્યાત્મિકતા કેળવવાથી વ્યક્તિમાં નકારાત્મકતા ન ઉદ્દભવતા તનાવ ટેન્શનમુકત વ્યક્તિ રહે છે. આશાવાદી બનો અને વાસ્તવિકતાને ખ્યાલમાં રાખીને જીવન જીવો. વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ, સંજોગો, શક્તિ પ્રમાણે જીવન જીવવાનું છે. અનુકરણ, દેખાદેખી, હરીફાઈ કરી જીવવાનું નથી જેથી ઓછા સંઘર્ષ, મુશ્કેલી અને ઓછા પ્રશ્નો ઉદ્દભવશે.

ડિપ્રેશનની સમસ્યા અત્યારે જે શહેરીકરણ અને જે ઔદ્યોગિક કરતા છે. તેના કારણે જે અત્યારે નોકરીની અસલામતીઓ ઊભી થઇ છે તેના કારણે આજની પેઢીને જીવનનિર્વાહના મોટા પ્રશ્નો ઉભા થયા છે. બીજી વાત એ પણ બની છે કે સામાજીક મુલ્યો સંબધોમાં પ્રમાણિકતા અને નિષ્ઠા લોોમાં રહી નથી. દરેક માણસ પોતાની રીતે એખલો પડી ગયો છે. કુંટુબ, પત્નિ કે સંતાનો તેને સલામતી આપી શકતા નથી. આ કારણે એક હંમેશનો અંજંપો તેને રહે છે આજે ચારેય બાજુ અનેક મનોચિકીત્સકો ખૂબ વ્યસ્ત રહે છે.

તેનું કારણ પણ આ ઉભી થયેલી સ્થિતિ છે. તમે જોશો કે સાચા અર્થમાં જે ગામડાઓ છે ત્યાં વસતા લોકો પર માનસિક દબાણો ઓછા હશે. તેઓ ભાગ્યે જ ડિપ્રેશનમાં જતા હશે. જયારે શહેરી કુંટુબોમાં પાંચ વ્યકિતમાંથી ચાર વ્યકિતઓ ડિપ્રેશનમાં હશે. કેટલાક લોકો ડિપ્રેશનને સંભાળી લે છે તેઓ ફિલોસોફિકલી જો સજ્જ હોય તો એવા સમયને પસાર કરી જાય છે. પણ જેમની પાસે ફિલોસોફીકલ વિચાર ન હોય પોતાની જાતને સંભાળવાની તેવડ ન હોય તેઓ આપઘાત પણ કરે છે અને એવી જ મનોદશામાં બીજાને જીવવું પણ ભારે કરી નાખે છે.
પ્રોફેસર રમીલાબહેન દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top