Columns

આરબ વિશ્વનું પેરિસ ગણાતું બૈરુત આતંકવાદને કારણે બરબાદ થઈ ગયું છે

લેબનોનનું બૈરુત શહેર કોઈ સમયે ભારતનાં લોકોનું માનીતું પર્યટન સ્થળ હતું. હોલિવૂડની તેમ જ બોલિવૂડની અનેક ફિલ્મોના શૂટીંગ પણ બૈરુતમાં થતાં હતાં. બૈરૂતની ગણતરી એક સમયે વિશ્વના સૌથી સુંદર અને સમૃદ્ધ શહેરોમાં કરવામાં આવતી હતી. આવું સુંદર બૈરુત શહેર આજે આતંકવાદનો ભોગ બનીને ખંડેરોમાં ફેરવાઈ ગયું છે. વર્ષ ૧૯૭૫થી બૈરુતનું વાતાવરણ બદલાવા લાગ્યું અને ત્યાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. ત્યાર પછીનાં ૧૫ વર્ષોમાં બૈરુતમાં હિંસામાં લગભગ દોઢ લાખ લોકોએ જીવ ગુમાવ્યો અને લગભગ દસ લાખ લોકોને બૈરુત છોડવાની ફરજ પડી હતી. બૈરુત શહેર તેની મધ્યમાંથી પસાર થતી ગ્રીન લાઇન દ્વારા બે ભાગમાં વહેંચાયેલું છે.

પૂર્વીય પ્રદેશમાં ખ્રિસ્તી લડવૈયાઓનું વર્ચસ્વ હતું, જ્યારે પશ્ચિમ ક્ષેત્ર પેલેસ્ટિનિયન અને સુન્ની લડવૈયાઓનો ગઢ ગણાતો હતો. ૧૯૭૮ માં સીરિયન સૈનિકો બૈરુતમાં પ્રવેશ્યા હતા, જેઓ પોતાની તોપો વડે પૂર્વ વિસ્તારને નિશાન બનાવતા હતા. ૧૯૮૨ના લેબનોન યુદ્ધ દરમિયાન પશ્ચિમ બૈરુતનો મોટો હિસ્સો ઈઝરાયેલના નિયંત્રણ હેઠળ આવ્યો હતો. બૈરુતના સુવર્ણ યુગના સેન્ટ જ્યોર્જ હોટેલ જેવાં ઘણાં સીમાચિહ્નો ગૃહ યુદ્ધમાં નાશ પામ્યાં હતાં.  બૈરુતનો સુવર્ણકાળ ૧૯૫૫ થી ૧૯૭૫ સુધીનો હતો. તે સમયે બૈરુત મધ્ય પૂર્વનું સાંસ્કૃતિક અને નાણાંકીય કેન્દ્ર બની ગયું હતું. આ તે સમય હતો જ્યારે આઈન-અલ-માર્સીહના દરિયાકિનારે વૈભવી ફાઈવ-સ્ટાર હોટેલો શરૂ થઈ હતી.

૧૯૮૨ માં ઇઝરાયેલના હુમલા પછી અરામકો વર્લ્ડ મેગેઝિનમાં યુરોપિયન લેખકોના ઘણા લેખો પ્રકાશિત થયા હતા, જેમાં તેઓએ યુદ્ધ પહેલાંના લેબનોનનું વર્ણન કર્યું હતું અને તેની સમૃદ્ધિ અને માતબર અર્થવ્યવસ્થાના વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બધું હોવા છતાં ઘણા વિખ્યાત લોકોએ મુશ્કેલ દિવસોમાં પણ બૈરુતમાં આશરો લીધો હતો. તેમાંથી એક મહાન ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝ હતા. જનરલ ઝિયાઉલ હકના શાસન દરમિયાન જ્યારે ફૈઝ માટે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બન્યું ત્યારે તેમણે બૈરુતમાં અશાંતિ હતી તો પણ થોડાં વર્ષો વિતાવ્યાં હતાં. ત્યાં રહીને તેમણે લોટસ મેગેઝીનનું સંપાદન કર્યું હતું.

બૈરુતનું સૌથી પ્રસિદ્ધ સીમાચિહ્ન સેન્ટ જ્યોર્જ હોટેલ હતું, જે પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ ઓગસ્ટ પેરે દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. વર્ષ ૧૯૩૪માં બનેલી આ હોટલ વિશ્વનાં પ્રખ્યાત લોકોની માનીતી હતી. નજીકના રુ ડી ફિનિસીમાં રાતોરાત નવી નાઈટ ક્લબો ખુલી ગઈ હતી, જ્યાં હોલીવુડના સ્ટાર્સ અને તેલના કૂવાઓના માલિકો મજા માણવા આવતા હતા. અમેરિકન યુનિવર્સિટી નજીકમાં હતી, જે આખા શહેરનું એક પ્રકારનું બૌદ્ધિક કેન્દ્ર હતું. પ્રસિદ્ધ ફ્રેન્ચ અભિનેત્રીઓ બ્રિજેટ બાર્ડોટ, પીટર ઓ’ટૂલ, માર્લોન બ્રાન્ડો, લિઝ ટેલર અને રિચર્ડ બર્ટન, જોર્ડનના રાજા હુસૈન અને ઇરાનના શાહ રેઝા પહલવી જેવા શાહી પરિવારનાં લોકો સાથે લટાર મારતા હતા.

ઈરાનના શાહ ઘણી વખત તેમની પત્ની સુરૈયા સાથે ત્યાં રજાઓ ગાળતા હતા. તે સમયના બૈરુતની તુલના કોઈ પણ આધુનિક યુરોપિયન શહેર સાથે કરી શકાય તેમ હતું. બૈરુતની હમરા સ્ટ્રીટની સરખામણી પેરિસના પ્રખ્યાત ચેમ્પ્સ-એલિસીસ સાથે કરવામાં આવી હતી. અહીં સુંદર ફેશન સ્ટોર્સ, થિયેટર, બુટીક, રેસ્ટોરાં, કાફે અને હોટેલોની હારમાળા હતી જ્યાં વિશ્વભરનાં કલાકારો, કવિઓ, બૌદ્ધિકો અને લેખકો ભેગાં થતાં હતાં. એકલા હમરા સ્ટ્રીટ પર એક ડઝનથી વધુ સિનેમાઘરો હતાં, જેમાંથી એલ્ડોરાડો, પિકાડિલી અને વર્સેલ્સ ખાસ કરીને પ્રખ્યાત હતાં. બૈરુતની મધ્યમાં જૂનાં બજારો પણ હતાં, જ્યાં સ્થાનિક લોકો ખરીદી કરતાં હતાં.

બૈરુત પર ફ્રાન્સનો પ્રભાવ સ્વાભાવિક હતો, કારણ કે તે પ્રથમ વિશ્વયુદ્ધથી ફ્રેન્ચ સરકારના કબજા હેઠળ હતું અને તેને ૧૯૪૩ માં જ સ્વતંત્રતા મળી હતી. સ્પોર્ટિંગ ક્લબ ૧૯૫૨ માં ડાઉનટાઉન બૈરુતની બહાર ખોલવામાં આવી હતી, જ્યાં બેરુતના સફળ ઉદ્યોગપતિઓ સવારે તરવા અને બપોરે કોકટેલ માટે જતા હતા. બીચની નજીક આવેલ કેસિનો ડુ લુબાન, વિશ્વભરના જુગારીઓ માટે માત્ર આશ્રયસ્થાન હતું. ડ્યુક એલિંગ્ટન જેવા પિયાનોવાદક અને જેક બ્રેલ જેવા ગાયકો ત્યાં પરફોર્મ કરતા હતા. ભૂમધ્ય સમુદ્રના પૂર્વમાં કાર્યરત કંપનીઓ બૈરુતમાં તેમનું મુખ્ય મથક સ્થાપતી હતી કારણ કે ત્યાં સારી શાળાઓ અને યુનિવર્સિટીઓની કોઈ અછત નહોતી. લેબનોન તેની ઉદાર આર્થિક નીતિને કારણે ૧૯૫૦ ના દાયકામાં એક સમૃદ્ધ દેશ હતો.

૧૯૬૫ની ફિલ્મ 24 અવર્સ ટુ કિલમાં બૈરુત અને તેની આસપાસનાં દૃશ્યોનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં માત્ર મિકી રૂનીનો અભિનય જ અદ્ભુત હતો એટલું જ નહીં, આધુનિક બૈરુત અને તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સેન્ટ જ્યોર્જ હોટેલ અને કેસિનો ડુ લિબાનના મનોહર દૃશ્યોએ સમગ્ર વિશ્વનાં પ્રેક્ષકોને મોહિત કર્યાં હતાં. આ સિવાય સિક્રેટ એજન્ટ 777, વ્હેર ધ સ્પાઇઝ આર, એજન્ટ 505 જેવી બીજી ઘણી ફિલ્મોએ બૈરુતને કેન્દ્રબિંદુ બનાવ્યું હતું.

લેબનોનની એક તરફ બરફથી ભરેલા પહાડો હતા અને બીજી બાજુ સુંદર દરિયાકિનારા હતા. તે સમય દરમિયાન મોટા થયેલા ઘણા લેબનીઝ લોકો હજુ પણ ઉનાળાની ઋતુને યાદ કરે છે જ્યારે પ્રવાસીઓ બૈરુત જતા હતા. દેશભરમાં હરિયાળી હતી અને ઘણી જગ્યાએ લોકો પિકનિક કરતાં જોવા મળતાં હતાં. સાઠના દાયકામાં સિનેમાએ મૂવી સ્ટાર્સ અને જાસૂસો વચ્ચે બૈરુતની એક આકર્ષક રમતના મેદાન તરીકેની છબી બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો. સિનેમા પ્રોડક્શન કંપનીઓ માટે બૈરુતનું આકર્ષણ તેની ઉદાર કર પ્રણાલીને કારણે પણ હતું.

૧૯૯૦ માં યુદ્ધના અંત પછી બૈરુતના પુનઃનિર્માણના પ્રયાસો શરૂ થયા અને શહેરે તેની જૂની સ્થિતિ પાછી મેળવવાની દિશામાં પગલાં લીધાં હતાં. એશિયન ક્લબ બાસ્કેટબોલ અને એશિયન ફૂટબોલ સ્પર્ધાઓ ત્યાં યોજાઈ હતી. આટલું જ નહીં છેલ્લાં ૨૫ વર્ષમાં ત્રણ વખત બૈરુતમાં મિસ યુરોપ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાત વર્ષ પહેલાં ૨૦૧૭માં એક્ઝિક્યુટિવ મેગેઝિને લખ્યું હતું કે લેબનોન ફરી પ્રવાસીઓ માટે પસંદગી બની રહ્યું છે. ત્યાં આયોજિત ડિઝાઇન અને કલા મેળા ઘણા સર્જનાત્મક લોકોને ત્યાં પહોંચવા માટે આકર્ષે છે.

આર્ટનેટ પોસ્ટમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું હતું કે બૈરુત ભલે શરણાર્થીઓની સમસ્યાઓ, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજકીય અસ્થિરતા સાથે સંઘર્ષ કરી રહ્યું હોય, પરંતુ ત્યાંનું કલા દૃશ્ય હજુ પણ અજોડ છે. પરંતુ આ બધું હોવા છતાં બૈરુતના ભૂતકાળે તેનો પીછો છોડ્યો નહીં. દાયકાઓ સુધી શહેર એક સંકટમાંથી બીજા સંકટમાં જતું રહ્યું છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ૪ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ બૈરુત બંદર પર એક પ્રચંડ વિસ્ફોટ થયો જેમાં ૧૮૦ લોકો માર્યા ગયાં અને ૬,૦૦૦ ઘાયલ થયાં હતાં. આ વિસ્ફોટથી શહેરનો મોટો હિસ્સો નાશ પામ્યો હતો અને લગભગ ૩ લાખ લોકો બેઘર બન્યાં હતાં. બૈરુત પરના તાજેતરના ઇઝરાયેલ હુમલા દર્શાવે છે કે શહેર હજુ સુધી વિનાશથી બચ્યું નથી.

બૈરુતનું ઐતિહાસિક શહીદ સ્મારક, જે એક સમયે શહેરનું પ્રતીક હતું, તે હવે શરણાર્થી શિબિરમાં ફેરવાઈ ગયું છે. હિઝબુલ્લાહ સમર્થકો અને દક્ષિણ લેબનોનના શિયા પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકો બૈરુત શહેરમાં આશરો લઈને તેમના જીવન માટે ઉત્તર તરફ ભાગી રહ્યાં છે. દક્ષિણ બૈરુત પર ચાલી રહેલા હુમલાઓ હવે બૈરુત શહેરના કેન્દ્રમાં પણ થઈ રહ્યા છે. બૈરુતમાં સ્થિતિ અત્યંત તંગ છે, જ્યાં તાજેતરમાં બે સ્થળોએ ઈઝરાયેલે હવાઈ હુમલા કર્યા હતા. પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકો બીચ પર પહોંચી રહ્યાં છે, જ્યાં યુદ્ધનો ગુંજ સંભળાય છે. આતંકવાદનો સૌથી બિહામણો ચહેરો લેબનોનના પાટનગર બૈરુતમાં જોવા મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top