National

મહાદેવ સટ્ટાબાજી એપના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ

નવી દિલ્હીઃ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં માસ્ટર માઇન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ભારત લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ઈન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે, મહાદેવ સટ્ટાબાજીની એપના મુખ્ય પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર જારી કરાયેલી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ચંદ્રાકરને વહેલી તકે ભારત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

ચંદ્રાકર અને એપના અન્ય પ્રમોટર રવિ ઉપ્પલને ગયા વર્ષના અંતમાં રેડ કોર્નર નોટિસ જારી કર્યા બાદ દુબઈમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ધરપકડ થયા બાદ ચંદ્રાકરને કાં તો પ્રત્યાર્પણ કરવામાં આવશે અથવા તો આગામી થોડા દિવસોમાં ભારત મોકલવામાં આવશે.

EDનો આ આરોપ છે કે મહાદેવ ઓનલાઈન બુક (MOB) ગેમિંગ અને સટ્ટાબાજીની એપની તપાસમાં છત્તીસગઢના વિવિધ ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારોની સંડોવણી બહાર આવી છે. ચંદ્રાકર અને ઉપ્પલ પણ અહીંના છે. ફેડરલ એજન્સી અનુસાર, મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લીકેશન એક મુખ્ય સિન્ડિકેટ છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં EDએ કુલ 11 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ અત્યાર સુધીમાં બે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેમાં બે પ્રમોટરો સામે પણ સામેલ છે. આ કેસમાં અપરાધની અંદાજિત રકમ 6,000 કરોડ રૂપિયાની આસપાસ છે.

તપાસ એજન્સીએ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે ચંદ્રકરે ફેબ્રુઆરી 2023માં યુએઈના રાસ અલ ખાઈમાહમાં લગ્ન કર્યા હતા અને આ ઈવેન્ટ માટે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રાકરના સંબંધીઓને ભારતમાંથી UAE લાવવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા અને સેલિબ્રિટીઓને લગ્નમાં પરફોર્મ કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

જાણો સમગ્ર મામલો
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો.

એપનું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું અને છત્તીસગઢમાં સૌથી વધુ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. આ કેસમાં રણવીર કપૂર પર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ પણ લાગ્યો છે. આ અંગે EDએ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top