World

સદીના સૌથી ખતરનાક વાવાઝોડા મિલ્ટને અમેરિકામાં તબાહી મચાવી, 3 મહિનાનો વરસાદ 3 કલાકમાં પડ્યો

નવી દિલ્હીઃ વાવાઝોડું મિલ્ટન ગુરુવારે સવારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ‘સિએસ્ટા કી’ શહેરના કિનારે ત્રાટક્યું હતું. જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં છેલ્લા એક હજાર વર્ષમાં સૌથી વધુ વરસાદ થયો છે. સામાન્ય રીતે અમેરિકામાં 3 મહિનામાં જેટલો વરસાદ પડતો હોય તેટલો માત્ર 3 કલાકમાં પડ્યો છે. અહીં 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે, જેના લીધે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે.

મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે. સિએસ્ટા કીમાં દરિયાકાંઠે અથડાતા પહેલા તે કેટેગરી 5 નું હરિકેન હતું. તે કેટેગરી 3 બની ગયું હતું અને હવે તેને કેટેગરી 2 વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. આ હોવા છતાં, તે ખૂબ જ જોખમી છે.

વાવાઝોડાને કારણે ફ્લોરિડાના અનેક શહેરોમાં 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર ફ્લોરિડામાં લગભગ 1 મિલિયન લોકો તેમના ઘરોમાં વીજળી ડૂલ થઈ છે.

આ વાવાઝોડાના લીધે સર્જાયેલા પૂરથી 20 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કેટલાક વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને પણ સલામત સ્થળે પાછા ફરવાના આદેશ આપવામાં આવ્યા છે.

વાવાઝોડાને કારણે ફ્લોરિડાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. તે જ સમયે, ટેમ્પા ખાડીમાં તેનાથી વિપરીત બન્યું છે. વાસ્તવમાં તોફાની પવનો વરસાદને કારણે ત્યાં ભરાયેલા પાણીને લઈ જઈ રહ્યા છે. જેના કારણે પૂરમાંથી રાહત મળી છે.

મિલ્ટન ફ્લોરિડામાં 15 દિવસમાં ત્રાટકનાર બીજું મોટું તોફાન છે . આ પહેલા ફ્લોરિડામાં હેલેન વાવાઝોડાના કારણે 200થી વધુ લોકોના મોત થયા હતા. અમેરિકાના 12 થી વધુ રાજ્યો હેલેન વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. જ્યારે ફ્લોરિડા સૌથી વધુ પ્રભાવિત થયું હતું.

Most Popular

To Top