Sports

ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનનો શરમજનક રેકોર્ડઃ ટેસ્ટમાં 500 રન બનાવ્યા છતાં અંગ્રેજો સામે મેચ હાર્યું

મુલતાનઃ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એક એવી ઘટના બની છે જેને વિશ્વ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પહેલી ઈનિંગમાં 500થી વધુ રન બનાવનાર પાકિસ્તાન શરમજનક રીતે મુલતાન ટેસ્ટ હારી ગયું છે. પાકિસ્તાનના બોલરોને રગદોળ્યા બાદ ઈંગ્લેન્ડે બેટ્સમેનોને તેમના જ દેશની પીચ પર રઘવાયા કરી દીધા હતા.

પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડ સામેની મુલ્તાન ટેસ્ટમાં પ્રથમ દાવમાં 500 પ્લસનો સ્કોર કર્યો હતો છતાં તે મેચના પાંચમા દિવસે આજે તા. 11 ઓક્ટોબર 2024ના રોજ એક ઈનિંગ અને 47 રનથી હારી ગઈ હતી. બીજી ઇનિંગમાં પાકિસ્તાનની ટીમે ઇંગ્લિશ બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી. ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે 823/7 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. જે ટેસ્ટ ઈતિહાસમાં એક ઈનિંગ્સનો ચોથો સૌથી વધુ સ્કોર હતો. આ મેચમાં પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા.

અહીં નોંધનીય બાબત એ છે કે પાકિસ્તાન સતત છઠ્ઠી ટેસ્ટ મેચ હારી ગયું છે. પાકિસ્તાન ટેસ્ટ ઈતિહાસમાં 500થી વધુ રન બનાવવા છતાં ટેસ્ટ મેચ હારી જનારી પ્રથમ ટીમ બની છે. ડિસેમ્બર 2023થી પાકિસ્તાન તેની છેલ્લી છ ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે. છેલ્લી અગિયાર ટેસ્ટ મેચોમાં આ ટીમની ઘરઆંગણે સાતમી હાર પણ છે. બાકીની ચાર ટેસ્ટ ડ્રો રહી છે. અબ્દુલ્લા શફીક (102), કેપ્ટન શાન મસૂદ (151) અને સલમાન આગા (અણનમ 104) એ મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાન માટે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી.

જવાબમાં આ મેચમાં ઈંગ્લેન્ડે વળતો હુમલો કર્યો અને હેરી બ્રુકે પ્રથમ દાવમાં 317 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. જ્યારે જો રૂટે વિસ્ફોટક બેવડી સદી ફટકારી અને 262 રન બનાવ્યા. આ રીતે ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ 823/7 રન પર ડિકલેર કર્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડ વિશ્વ ક્રિકેટમાં એક ટેસ્ટ મેચમાં ત્રણ વખત 800 પ્લસનો સ્કોર બનાવનારી એકમાત્ર ટીમ બની ગઈ છે.

જ્યારે પાકિસ્તાની ટીમે મેચના ચોથા દિવસે (10 ઓક્ટોબર) બીજા દાવમાં બેટિંગ શરૂ કરી, ત્યારે તેમની ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડી. દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે પાકિસ્તાની ટીમ 152/6 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. આ પછી મેચના અંતિમ દિવસે પાકિસ્તાનની ટીમ 220 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાન એક ઇનિંગ્સ અને 47 રનથી હારી ગયું હતું.

બીજી ઈનિંગમાં પાકિસ્તાનનો પ્રથમ દાવનો સદી કરનાર સલમાન આગા (63) થોડો સંઘર્ષ કરી શક્યો તેને આમિર જમાલ (55)નો સાથ મળ્યો. પાકિસ્તાની ઇનિંગ્સ પાંચમા દિવસે 220 રને સમાપ્ત થઈ ગઈ હતી. અબરાર અહેમદ બેટિંગ કરવા આવી શક્યો ન હતો. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ માટે જેક લીચ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 4 વિકેટ ઝડપી હતી.

Most Popular

To Top