ટુ વ્હીલર ચાલકો માટે હેલમેટ એક ઉપયોગી ને રક્ષણાત્મક સાધન ગણાય. ગુજરાત સરકારે થોડાં વર્ષો પહેલાં બધે ફરજીયાત પહેરવા નક્કી કરેલું પણ પછી બહુ ઉહાપોહ થયો ને હેલમેટ મરજીયાત કરાયું. ફરી પાછું હેલમેટ પહેરવું. અમદાવાદ શહેરમાં ફરજીયાત થયું અને ન પહેરો તો રૂા. 500 દંડ થાય! સવાલોનો સવાલ એ છે કે ફકત અમદાવાદ પૂરતું જ આ આચારસંહિતાને કાયદો શું કરવા? વડોદરા, રાજકોટ, ભાવનગર ને સુરત શું કામ નહીં? સરકારે જલ્દી આ સ્પષ્ટતા કરવી ઈચ્છનીય જેથી લોકોમાં દ્વિધા દૂર થાય.
સુરત – ડો. અનુકૂલ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
મંત્રીજીઓ તો ફરતા ભલા
રવિપૂર્તિમાં સંજય છેલના લેખો ખરે જ ગમે છે. એમના લેખની ભાષા અલગ ભાત પાડે છે. વ્યંગ અને રમૂજથી ભરપુર વાતો વાંચવા મળે છે. 29/9ની પૂર્તિમાં તેઓ મંત્રીજીઓને કહે છે કે ફરતા રહો. મંત્રીઓ જે વિસ્તારની મુલાકાત લેવાના હોય તે વિસ્તારો ચોખ્ખા ચણાક થઇ જાય છે. મંત્રીઓ જયાં જવાના હોય ત્યાં અગાઉથી જાણ કરવાનો વણલખ્યો ધારો છે. એટલે પ્રશાસનોને, મંત્રીના રૂટમાં આવતા વિસ્તારોને સાફ કરવાનો મોકો અને સમય મળી રહે છે. આપણે ત્યાં ઉદ્ઘાટનો અને લોકાર્પણના કાર્યક્રમો અવિરતપણે ચાલતા હોય છે.
એટલે મંત્રીઓ આવતા રહેતા હોય છે અને જે તે વિસ્તાર સ્વચ્છતા ધારણ કરતો રહે છે. મંત્રીઓ અને અન્ય મોટા અધિકારીઓ તથા નેતાઓ જો પોતાની એ.સી. ઓફિસોને છોડીને એમના વિસ્તારોમાં ધુમતા રહે તો કયાંય ગંદકીનું નામો નિશાન જોવા ન મળે. અરે, ખાડા અને ભૂવા પડેલા રસ્તાઓ પણ સમતળ થઇ જાય. નેતાજીઓ માટે વાત ફકત નિષ્ઠાની છે. જો તેઓ બહાર ફરતા રહે તો બધુ બરાબર થઇ જાય અને નાગરિકોને ફરિયાદ કરવાની તકો મળે નહિ માટે મંત્રીઓ તો ફરતા ભલા.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે