Comments

ખાનગી કંપનીઓ માટે નાના અણુ મથકો: સલામતીના તમામ મુદ્દાઓ વિચારવા પડશે

અણુ વિદ્યુત એ આમ તો સ્વચ્છ ઉર્જા તરીકે ગણના પામે છે. અણુ વિદ્યુત મથકોમાંથી થર્મલ પાવર સ્ટેશનની માફક ધુમાડા નિકળતા નથી. કોલસા કે ડિઝલ વડે ચાલતા પાવર પ્લાન્ટ જેવું પ્રદૂષણ કરે છે તેવું પ્રદૂષણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરતો નથી પરંતુ તે સાથે જ તે જોખમી પણ છે. સૌથી મોટું જોખમ કિરણોત્સર્ગનું છે અને અણુ વિદ્યુત મથકમાં જો કોઇ મોટી હોનારત સર્જાય તો ખાસ કરીને આજુબાજુના વિસ્તાર માટે તો મોટું જોખમ સર્જાય છે. વિશ્વે આવી કેટલીક દુર્ઘટનાઓ જોઇ પણ છે. અને કદાચ આ કારણે જ અણુ ઉર્જાનો વિકલ્પ બહુ સ્વીકાર્ય બન્યો નથી. આવામાં હવે ભારતમાં ખાનગી ઉદ્યોગો માટે નાના અણુ મથકો સ્થાપવાની હિલચાલ ચાલી રહી છે.

પ્રથમ વખત ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇએલ) ૨૦૦ મેગાવોટ ક્ષમતાના નાના ન્યુક્લિયર પ્લાન્ટો નાના પ્લેયરો માટે ઓપરેટ કરશે જેઓ આ પ્રોજેક્ટ માટે નાણા અને જમીન બંને પુરા પાડશે એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ હાલમાં જણાવ્યું હતું.આ મોરચે આ વર્ષના અંતે અથવા ૨૦૨૫ની શરૂઆતમાં પ્રગતિ થઇ શકે છે એ મુજબ અધિકારીએ જણાવ્યું હતું. અણુ મથક માટે ભંડોળ અને જમીન નાના ઉદ્યોગો પુરા પાડશે પણ આ પ્લાન્ટનું સંચાલન એનપીસીઆઇએલ કરશે એ મુજબ અધિકારીએ જણાવ્યું હતું.

જયારે અણુ ઉર્જા વિભાગના નેજા હેઠળ કામ કરતું એનપીસીઆઇએલ આવા અણુ મથકોનું વ્યવસ્થાપન અને સંચાલન કરશે ત્યારે અણુ ઉર્જા કાયદામાં સુધારો કરવાની જરૂર રહેશે નહીં. અણુ ઉર્જા કાયદા હેઠળ એવી જોગવાઇ છે કે અણુ ઉર્જા ક્ષેત્ર માત્ર જાહેર ક્ષેત્રના એકમો માટે જ ખુલ્લુ છે એમ અન્ય અધિકારીએ જણાવ્યું હતું. આ માહિતી આમ તો સારી છે પણ આ નાના અણુ મથકોના સંદર્ભમાં કેટલાક ચિંતાઓના મુદ્દાઓ પણ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. ભારતમાં ખાનગી કંપનીઓ માટેના નાના અણુ મથકોની યોજનાની વાત કરીએ તો આ ૨૨૦ મેગાવોટના નાના રિએકટરો ભારત સ્મોલ રિએકટર્સ તરીકે  ઓળખાશે જેના માટે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ખાતે સંશોધનો ચાલી જ રહ્યા છે.

આવા નાના મથકો માટે પ્રેસરાઇઝ્ડ હેવી વોટર રિએકટર ટેકનોલોજીનો જ ઉપયોગ કરવામાં આવી શકે છે જે ટેકનોલોજીમાં ભારતે હવે માસ્ટરી મેળવી લીધી છે. આ નાના રિએકટરો માટે એક્સક્લુઝન ઝોન ઘટાડીને પ૦૦ મીટરનું કરવામાં આવી શકે છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં એક્સક્લુઝન ઝોન ૧ થી ૧.પ કિલોમીટરના હોય છે. જેમને ભારે પ્રમાણમાં વિજળીની જરૂર રહેતી હોય છે તેવા સ્ટીલ ઉદ્યોગ જેવા ઉદ્યોગો પર શરૂઆતમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇમાં બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રીએ ભારત સ્મોલ રિએકટરોની સ્થાપના માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીની વાત કરી હતી પણ તેમણે ત્યારે વધુ વિગતો આપી ન હતી.

અણુ વિદ્યુત મથકો સ્વચ્છ ઉર્જા તો પુરી પાડી શકે છે પણ આ વિજળી મથકો જોખમી ગણાય છે. વિશ્વ નાની-મોટી કેટલીક અણુ દુર્ઘટનાઓ જોઇ ચુક્યું છે. જેમાં રશિયાની ચેર્નોબીલ અને જાપાનની ફુકુશીમાની અણુ મથકોની દુર્ઘટનાઓ મોટી અને જાણીતી છે. રશિયાના ચેર્નોબીલ અણુમથકમાં ૧૯૮૬માં થયેલ અકસ્માતને કારણે આજુબાજુના વિસ્તારમાં રેડિયેશન ફેલાઇ ગયું હતું અને કેટલાક લકો માર્યા ગયા હતા. જો કે આ દુર્ઘટનાની ચોક્કસ વિગતો અને ચોક્કસ માહિતી હજી સુધી જાણવા મળ્યા નથી. જાપાનમાં પ્રચંડ ધરતીકંપને પગલે માર્ચ ૨૦૧૧માં થઇ હતી. તેમાં અણુ મથકને તો મોટું નુકસાન થયું હતું પણ કોઇ જાનહાની તરત થઇ ન હતી.

પરંતુ બાદમાં કિરણોત્સર્ગને કારણે આજુબાજુના વિસ્તારના કેટલાક લોકોને ગંભીર આરોગ્ય તકલીફો ઉભી થઇ હોવાની વિગતો બહાર આવી હતી. આપણા કાકરાપાર અણુ વિજળી મથકમાં પણ કેટલાક સમય પહેલા નાની દુર્ઘટના સર્જાઇ હતી પણ તેમાં સદભાગ્યે માનવ આરોગ્ય પર કોઇ વિપરીત અસરના બનાવ બન્યા ન હતા. જાપાનના ફુકુશીઆ અણુ વિજળી મથકના રિએકટરોનું તે સમયે દૂષિત થયેલ પાણી પ્રક્રિયાઓ પછી હાલ કેટલાક સમય પહેલા દરિયામાં છોડવામાં આવ્યું તે બાબતે મોટો વિવાદ જગાડ્યો હતો.

અણુ મથકોની સૌથી મોટી મુશ્કેલી જ ઝળુંબતું રહેતું અકસ્માત અને રેડિયેશન લીકનું જોખમ છે. આપણે ત્યાં નાના અણુ મથકોના એક્સ્કલ્ુઝન ઝોન ઘટાડીને પ૦૦ મીટર કરવામાં આવી શકે છે એમ જણાવાયું છે જ્યારે કે તે સામન્ય રીતે એકથી દોઢ કિલોમીટરના હોય છે. આ એક્સકલુઝન ઝોન એવા ઝોન હોય છે કે જેમાં અણુમથકની આજુબાજુના વિસ્તારમાંથી વસવાટ વગેરે ખાલી કરાવવામાં આવે છે. જો આ ઝોન્સ નાના કરવામાં આવે તો જોખમ વધી શકે કે કેમ? તે સહિતની બધી બાબતોની કાળજી રાખવી પડશે. વિકાસની ઉતાવળમાં જોખમ વહોરી લેવાનું પોસાય નહીં.

Most Popular

To Top