Madhya Gujarat

સંતરામપુરની બેન્ક ઓફ બરોડાનો ઓફિસર લોન મંજૂર કરવા ૨૦ હજારની લાંચ લેતાં ઝડપાયો


(પ્રતિનિધિ) સંતરામપુર તા 10

એસીબી પંચમહાલ એકમ ગોધરાના નિયામક બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ મહીસાગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એમ તેજોત સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવાયું હતું
સંતરામપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાનો બેન્ક ઓફિસર લાંચ લેવાના ગુનામાં એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંતરામપુર બેન્ક ઓફ બરોડા ખાતે પેન્શન માટે એકાઉન્ટ ધરાવતા પેન્શનરને લોનની જરૂરીયાત પડી હતી. જેથી બેન્ક ઓફ બરોડાની સંતરામપુર શાખાના સિનિયર બેન્ક ઓફિસરનો સંપર્ક કર્યો હતો. પરંતુ જરૂરીયાત મુજબ પેન્શન લોન મંજૂર કરવા સારું યેનકેન પ્રકારે લોન ઈચ્છુક પેન્શનરને અવારનવાર ધક્કા ખવડાવતા હતા. છેવટે ધક્કા ખાઈને ત્રસ્ત થયેલા બેન્ક એકાઉન્ટ ધારકે આગ્રહ પૂર્વક વિનંતી કરીને ઘટતી કાર્યવાહી કરી લોનની રકમ મંજૂર કરવા જણાવ્યું હતું. તો બેન્ક ઓફિસર સ્કેલ 2 નામે મહેન્દ્રકુમાર જાદવ ધ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. જેથી વાતચીત દરમિયાન 20 હજાર રૂપિયા રકમ આપવાથી લોન મંજૂર કરવા અંગે વિશ્વાસ આપવામાં આવ્યો હતો.
એસીબીની ટીમના છટકામાં રંગે હાથે ઝડપાયેલા લાંચીયા બેન્ક ઓફિસરે રૂ.20 હજારની રકમની લાંચની માંગણી કરેલ હતી . પરંતુ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી પેન્શનરે મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન બેન્ક ઓફિસરે પેન્શનર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.20 હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચની હાજરીમા સ્વીકારી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.
એસીબી પંચમહાલ એકમ ગોધરાના નિયામક બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ મહીસાગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એમ તેજોત સહિતની ટીમ દ્વારા ગોઠવાયેલા છટકામાં બેન્ક ઓફિસર રંગે હાથ ઝડપાઇ ગયો હતો. લાંચીયા ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top