સુરતઃ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિ કરવા માટે સુરત પોલીસ કમિશનર પ્રયાસ કરી રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર હવે વાહનચાલકો પોતાના વાહનો થોભાવતા થઈ ગયા છે. જોકે, હજુ પણ કેટલાંક ઠેકાણે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે જેના લીધે પોલીસ અને વાહનચાલકો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઉદ્દભવી રહી છે. આવું જ કંઈક સુરતના કાપડ માર્કેટ વિસ્તારમાં બન્યું છે.
- ટેમ્પો ચાલક અને TRB જવાન વચ્ચે જાહેર રોડ પર થઈ છુટા હાથની મારામારી
- TRB જવાને ટેમ્પો ચાલકને ટપલી દાવ કરતા બબાલ થઈ
- સુરત મિલેનિયમ માર્કેટ-1 સાઈ દર્શન માર્કેટની સામેનો બનાવ
- વિડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે
- ટીઆરબી જવાનને ફરજ પરથી સસ્પેન્ડ કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સારોલી વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ-1 સાઈ દર્શન માર્કેટની સામે ઘર્ષણનો બનાવ બન્યો હતો. ટેમ્પોમાં કાપડ લઈ જઈ રહેલા ટેમ્પો ચાલક સાથે TRB જવાનની સામન્ય બોલાચાલી ઉગ્ર બની જતા છૂટાહાથની મારામારી થઈ હતી. મારામારીમાં ટેમ્પો ચાલક ડિવાઈડર પરથી નીચે પડ્યો હતો. લોકોએ ટેમ્પોચાલક અને TRB જવાન બંનેને સમજાવ્યા પણ હતા.
TRB જવાન ટેમ્પો ચાલકને ટપલી દાવ કરતા ડ્રાઇવિંગ સીટ પરથી ડ્રાઈવર ઉતરીને TRB જવાન સાથે જાહેરમાં મારામારી કરી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, TRB જવાન ટેમ્પોચાલકનો કોલર પકડી પહેલા ડિવાઈડર પર પટકે છે અને પછી રસ્તા પર પટકે છે. તેમ છતાં TRB જવાન ટેમ્પોચાલકને છોડતો નથી. તેમજ વીડિયોમાં અપશબ્દો પણ સંભળાય છે.
ટેમ્પોચાલક અને TRB જવાનને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. વીડિયો વાઇરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ TRB કપિલ ભાગવતભાઈનું નામ ટીઆરબીમાંથી તાત્કાલિક ધોરણે કાઢી નાખી ફરજ પરથી હટાવી દીધો હતો.