સુરતઃ તહેવારોમાં સ્વાદપ્રિય સુરતીઓ શોખથી ચટાકેદાર વાનગીઓ આરોગતા હોય છે. બે દિવસ બાદ દશેરો છે. દશેરાના એક જ દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જતા હોય છે, ત્યારે બજારમાં મળતા ફાફડા જલેબીની ગુણવત્તાની ચકાસણી કરવાની જેની જવાબદારી છે તે સુરત મનપાનું આરોગ્ય તંત્ર મોડે મોડે જાગ્યું છે.
દશેરા આડે બે દિવસ બાકી છે ત્યારે સુરત મનપાનું આરોગ્ય તંત્ર ફરસાણની દુકાનો પર ચેકિંગ કરવા પહોંચ્યું છે. આજે તા. 10 ઓક્ટોબરની સવારથી આરોગ્ય તંત્રની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે.
સુરતમાં દશેરાના દિવસે કરોડ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય તે પહેલા આજે પાલિકાના ફૂડ વિભાગે વિવિધ દુકાનોમાંથી ફાફડા જલેબી અને તેલના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સેમ્પલમાંથી જો કોઈ સંસ્થાના નમૂના નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા તંત્રો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.પાલિકાએ 9 ઝોનમાં ફૂડ વિભાગની 18 ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે.
પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, આ રિપોર્ટને આવતા સમય લાગશે. દશેરામાં લોકો ફાફડા જલેબી ઝાપટી જશે ત્યાર બાદ રિપોર્ટ આવશે. તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીનનો ઉપયોગ કર્યો છે.