Charchapatra

વરસાદી પાણીની યોગ્ય જાળવણી

જ્યારે હું ઇન્દરપુરા બારડોલી પીઠા પાસે રહેતો હતો ત્યારે ચોમાસામાં બે ઇંચ જેટલો વરસાદ પડે તો પણ એ નીચાણવાળો વિસ્તાર હોઈ પાણી ભરાઈ જતું હતું ત્યારે પાણી જોઈ વિચાર આવતો કે આ પાણી જો કૂવા ખોદી જમીનમાં ઉતારવામાં આવે તો તે જ પાણી આપણને સંકટ સમયે પાછું મળી શકે. અશ્વિનકુમાર ન. કારીયાનું ભૂગર્ભમાં ઘટતું જળ સ્તર ચિંતાજનક છે તે વિષયનું ચર્ચાપત્ર વાંચ્યું ત્યારે ફરી મને પાણી સંગ્રહ કરવાનો વિચાર આવી ગયો. આપણે ત્યાં જેટલો પણ વરસાદ પડે છે.

તેમાંથી ત્રીસ ટકા પાણી પણ હવે જમીનમાં પચી શકતું નથી કારણ કે મકાનો અને ડામરની સડકો બની ગઈ હોય હવે ખુલ્લી જમીન રહી નથી ત્યારે એસ. એમ. સી. સત્તાવાળાઓ પાણી સંગ્રહ કરવાનું આગોતરું આયોજન કરે તે જરૂરી છે કારણ કે વધતી વસ્તીને કારણે આવનાર સમયમાં જો પાણીનો સંગ્રહ ન હશે તો પછી લોકોને પાણી પૂરું પાડવું મુશ્કેલ થશે. માટે દરેક વિસ્તારોમાં ફ્રેન્ચવેલ બનાવી વરસાદી પાણી આધુનિક સિસ્ટમથી જમીનમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભ જળ સ્તર વધે અને દરેક ઘરની છતનુ પાણી પણ સીધું બોરીંગ કરી જમીન માં ઉતારવામાં આવે તેવી સીસ્ટમનો કાયદેસર અમલ કરાવવામાં આવે તો તે ભૂગર્ભમાં સંગ્રહ થયેલું પાણી બોરીંગથી કે કૂવામાંથી સંકટ સમયે પાછું મેળવી શકાય.

હાલના સમયમાં આપણી પાસે પાણીની રેલમછેલ છે પરંતુ જો એકાદ ચોમાસું નબળું ગયું તો પછી પાણીની અહેમિયત શું છે તે ત્યારે જ ખબર પડે, જયારે પાણી વગર તરસે રહેવું પડે. આપણે ત્યાં વસતી પારસી કોમ કૂવાની ખૂબ જ જાળવણી કરે છે તે એમજ નથી કરતાં. જીવનમાં પ્રથમ જરૂરિયાત પાણીની હોય તેઓ ધાર્મિક રીતે કૂવાની પૂજા કરે છે કારણ કે જળ છે તો જ જીવન છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top